ગાંધીધામ, તા. 30 : કંડલામાં
પાઈપલાઈન પાસે વેલ્ડિંગ કામ કરતી વેળાએ અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ થઈ પડી હતી.
જો કે, અગ્નિશમન
દળ ત્યાં જ હાજર હોવાથી આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કંડલામાં આજે સવારે
ઓઈલ જેટી નજીક આવેલી પાઈપલાઈન પાસે આગ ફાટી નીકળી હતી. અહીં આવેલી પાઈપલાઈન પાસે
પરવાનગી લઈને વેલ્ડિંગ વગેરેનું કામ ચાલી રહ્યંy હતું.
જે માટે ડીપીએના અગ્નિશમન દળના લાયબંબા પહેલેથી અહીં તૈનાત કરવામાં આવ્યા હતા. આ
કામગીરી દરમ્યાન તણખા ઝરતાં નીચે રહેલા સૂકાં ઘાસમાં આગ લાગી હતી. બારૂદના ઢગલાં
પર બેઠેલા કંડલામાં આગનો બનાવ બનતાં ભારે દોડધામ થઈ પડી હતી. ઘાસથી શરૂ થયેલી આગએ
બાદમાં પોતાની પકડ જમાવી હતી અને ધીરેધીરે તેની જ્વાળાઓ ઊંચે સુધી ગઈ હતી. ત્યાં
હાજર રહેલા ડીપીએના લાયબંબાની ટીમે કેમિકલ,
પાણીનો મારો ચલાવ્યો હતો. એક ટીમ હોવા છતાં અન્ય બે ટીમોને પણ અહીં
તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી. ત્રણેય ટીમોએ પ્રયત્ન કરતાં મિનિટોમાં આગ ઉપર
કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગના કારણે એક સમયે સ્થાનિક લોકોના જીવ તાળવે ચોટયા
હતા. આગ કાબૂમાં આવી જતાં સૌએ હાશકારો લીધો હતો.