• મંગળવાર, 31 માર્ચ, 2026

દબાણની જમીનના વેચસાટનો વેપલો વકર્યો : તંત્ર આંખ આડા કાન

ભુજ, તા. 30 : સરકારી કિંમતી જમીન પચાવી પાડવા અર્થે દબાણ કરી તેના વંડા બનાવી દીધા બાદ આ ગેરકાયદે દબાણના વંડા ઊંચા ભાવે વેંચી મારવાનો વેપલો માઝા મુકી રહ્યો છે. આવા દબાણોને લઇને નુકસાની તથા મારામારીના બનાવો પણ સામે આવી રહ્યા છે. આમ છતાં આવા દબાણો સામે વહિવટી તંત્ર દ્વારા આંખ આડા કાન થઇ રહ્યાની રાવ સામે  આવી છે. આમ જોવા જોઇએ સમગ્ર કચ્છમાં ઠેર-ઠેર સરકારી જમીનો પર પહોંચેલા-પામેલા વગદારો તેમજ માથાભારે તત્ત્વો દ્વારા દબાણો થઇ રહ્યાનું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે. હાલમાં જ ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા ત્યાં આવા ગેરકાયદે દબાણ હટયાનું સામે આવ્યું છે. પરંતુ અન્ય સ્થળોએ તો વહિવટી તંત્ર દ્વારા આંખ આડા કાન થઇ રહ્યાની સ્થિતિ હોવાની જાગૃતોની ફરિયાદ છે. કચ્છના પાટનગર ભુજમાં પણ સરકારી કિંમતી જમીનો આવા તત્ત્વો બેફામ બની દબાણ કર્યા છે. આવા દબાણ કર્યા બાદ તેને લાખોની કિંમતમાં વેચી માર્યાનાય કિસ્સા સામે આવે છે. ભુજ રાવલવાડી રિલોકેશન સાઇટના રઘુવંશી ચોકડી આસ-પાસની સરકારી કિંમતી જમીનો પર પણ આવા ગેરકાયદે દબાણો સ્પષ્ટ નજરે પડે છે. આવા ગેરકાયદે એક દબાણની જગ્યા વેંચી માર્યા બાદ તેમાં રહેલા માલ-સામાનને સળગાવી નુકસાની કર્યાના મામલો બે પક્ષો વચ્ચે મારા-મારીનો બનાવ આજે જ સામે આવ્યો છે. જેમાં બન્ને પક્ષે ઘાયલ થતા સારવાર તળે ખસેડાયા અને જાણવાજોગ દાખલ થયાની વિગતો પ્રાપ્ત થઇ છે. આવા દબાણના પગલે જાગૃતો દ્વારા તંત્ર સમક્ષ અરજી પણ કરાઇ છે. આમ આવા ગેરકાયદે દબાણના વેચસાટનો વેપલો વકર્યો છે. ત્યારે વહિવટી તંત્ર ધાક બેસાડીને કાર્યવાહી કરે તે જરૂરી બન્યાનું જાગૃતો જણાવી રહ્યા છે.

Panchang

dd