ગાંધીધામ, તા. 23 : રાપરમાં
સિગારેટ, પાણીની
બોટલ આપવા મુદ્દે ત્રણ શખ્સે એક યુવાનનો જીવ લેવાના ઇરાદે તેના ઉપર ધારિયા વડે
હુમલો કર્યો હતો. રાપરના ગેલીવાડીમાં રહેનાર ફરિયાદી ધ્રુવદીપસિંહ નરપતસિંહ વાઘેલા
તથા તેનો મિત્ર શ્રીપાલસિંહ જયેન્દ્રસિંહ વાઘેલા અને નરેન્દ્ર ધનજી મૂછડિયા બજાર
સમિતિ સામે દુકાન નંબર-6 પાસે ઊભા હતા. આ દુકાનમાં હાજર
લોકો પાસેથી સિગારેટ, પાણીની બોટલ માગતાં ના પાડી હતી. કેમ ના પાડો છો તેમ કહેતાં આરોપી દીપક
નરેશ ધૈયડા, મુકેશ વેલજી ધૈયડા અને ભાવેશ નરેશ ધૈયડા
ઉશ્કેરાઇ ગયા હતા અને ફરિયાદીને પકડી રાખી તેને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં
ધારિયાના બે ઘા ઝીંકી દીધા હતા. મારામારીમાં ઘવાયેલા યુવાનને વધુ સારવાર માટે
ગાંધીધામની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ગઇકાલે રાત્રે બનેલા આ બનાવ અંગે પોલીસે
ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.