નખત્રાણા, તા. 13 : તાલુકાના ખાંભલા ગામે કૂવામાંથી
નવીન જીવા રબારી (ઉ.વ. 11) તથા નાથીબેન
વંકા રબારી (ઉ.વ. 19)ના મૃતદેહ
મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. આ બંનેની હત્યા નીપજાવી બંનેની લાશ કૂવામાં ફેંકી
દેવાઈ હોવાનું સપાટી ઉપર આવ્યું હતું, જેના આધારે હાલમાં બે શખ્સને રાઉન્ડ-અપ કરી લેવાયા હતા. નખત્રાણાના ખાંભલા
ગામમાં આવેલા એક કૂવામાં યુવાન અને યુવતીની લાશ હોવાનું બહાર આવતાં સ્થાનિક પોલીસમાં
ભારે દોડધામ થઈ પડી હતી. પોલીસે અગ્નિશમન દળને જાણ કરી હતી. આ બંને તંત્રે કવાયત હાથ
ધરીને કૂવામાંથી યુવાન-યુવતીની લાશ બહાર કાઢી હતી. 40 દિવસ અગાઉ નાના અંગિયાના નવીન
રબારી તથા ખાંભલા ગામની નાથીબેન ઉર્ફે સોનુબેન રબારીની આ લાશ હોવાનું બહાર આવતાં ચકચાર પ્રસરી હતી. આ બંને ભેદી
સંજોગોમાં ગુમ થયા હતા. બાદમાં નવીનની તા. 5/2ના તથા યુવતીની તા. 7/2ના પોલીસ મથકે ગુમનોંધ કરવામાં આવી હતી. સનસનીભર્યા બનાવ અંગે
નખત્રાણા પી.આઈ. જે.ડી. સરવૌયાએ જણાવ્યું હતું કે,
કોટડા (જ.) અને ખાંભલા ગામ વચ્ચે આવેલી વાડીના કૂવામાંથી આ બંનેની લાશ
બહાર કાઢવામાં આવી હતી અને પી.એમ. અર્થે નખત્રાણા સરકારી હોસ્પિટલ લઈ જવાઈ હતી. પી.આઈ.એ
ઉમેર્યું હતું કે, યુવતીના પિતા વંકાભાઈ રબારી પર શંકા જતાં તેની
સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં વંકા રબારી તથા તેના ભાણેજ
પબા ગાભા રબારીએ મળીને બંને ગુમ થયા તે જ દિવસે લાશને કૂવામાં ફેંકી દીધી હોવાનું બહાર
આવ્યું હતું, જેના આધારે કૂવામાં તપાસ કરાતાં બંનેની લાશ મળી
આવી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.