• રવિવાર, 15 માર્ચ, 2026

કુકમામાં રાંધણગેસ બોટલનું કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 13 : યુદ્ધના પગલે રાજ્યની સાથે કચ્છમાં પણ રાંધણગેસના બોટલની અછત સર્જાઇ છે, તેવામાં કાળા બજારિયાઓએ કમાણી લેવાની લ્હાયમાં કમર કસી છે. ગઇકાલે આવા બે શખ્સોને પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસે પકડી પાડયા બાદ કુકમાથી વધુ એક શખ્સને ઝડપી લેવાયો   હતો, તેની પાસેથી રૂા. 1,59,000ની બોટલ જપ્ત કરાઈ હતી. યુદ્ધના પગલે રાંધણગેસનું સંકટ ઊભું થયું છે. ગાંધીધામ વગેરે જગ્યાએ કાળા બજારિયાઓ સક્રિય થયા છે. જિલ્લાનું પુરવઠા તંત્ર હજુ નિક્રિય હાલતમાં છે, ત્યારે આવા કાળા બજારિયાઓને પકડી પાડવા પોલીસે કમર કસી છે. ગઇકાલે બે શખ્સને બાટલા સાથે પોલીસે ઝડપી પાડયા હતા. પશ્ચિમ કચ્છ એલ.સી.બી. આવા કાળા બજાર રોકવા પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન કુકમામાં સી.કે. કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં બિનઅધિકૃત રીતે મેળવાયેલા ગેસના બાટલા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. સી.કે. કોમ્પ્લેક્સમાં બાલાજી એન્ટરપ્રાઇઝ દુકાન નંબર-7માં છાપો મારવામાં આવ્યો હતો. અહીંથી માધાપરના હિરેન અવિનાશ ટાંક નામના શખ્સને ઝડપી લેવાયો હતો. તેના કબજામાંથી પાંચ કિલોની ક્ષમતાવાળી 112 બોટલ તથા ખાલી બોટલ નંગ-62 એમ કુલ રૂા. 1,59,800ની બોટલ જપ્ત કરવામાં આવી હતી. તેણે કઇ એજન્સીમાંથી આ રાંધણગેસની બોટલ મેળવી હતી, તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd