• મંગળવાર, 10 માર્ચ, 2026

મેઘપર પાસે હિંસક જંગલી જાનવરનો ભારે હાહાકાર

નિરોણા (તા. નખત્રાણા), તા. 9 : ભુજ તાલુકાના મેઘપર ગામ પાસેના મુક્તનગર જીવન રબારીવાસ પાસે આવેલા માલધારીના એક વાડા પર શનિવારની રાત્રિ દરમ્યાન કોઇ હિંસક જંગલી જાનવરે હુમલો કરી 51 ઘેટાં અને ચાર બકરીને એકીસાથે મોતના ઘાટે ઉતારી દેતાં જીણા માલધારીની આ વસાહત અને પંથકમાં ભારે હાહાકાર ફેલાયો છે. નારાણપર નજીકના મેઘપર ગામ પાસે આવેલા મુક્તનગર જીવન નામક રહેણાક વિસ્તાર મોટાભાગે જીણા-જાડા માલધારી રબારી લોકોનો વસવાટ છે જેમાં લગભગ પરિવારો ઘેટાં, બકરાં, ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓના ઉછેર કરી જીવન ગુજારો કરે છે. આ વસાહત નજીક જ આ માલધારીઓનાં પશુઓની સારસંભાળ અને સુરક્ષા માટે વાડાઓ બનાવવામાં આવ્યા છે જેમાં રાત્રિના ભાગે પશુઓને પૂરી રાખવામાં આવ છે. આ વાડાઓ પૈકી ગત શનિવારના રાત્રે રબારી રાજાભાઇ સોમાભાઇએ પોતાના 125 જેટલા ઘેટાં-બકરાંને વાડા પુરી વાડા બહાર પોતાના પુત્ર વજાભાઇને સુવડાવી ગયા હતા. એ રાત્રિ દરમ્યાન આ વાડા વિસ્તારની નજીક આવેલી ચાડવા રખાલમાંથી કોઇ હિંસક જાનવર આ વાડાને નિશાન બનાવી તેમાં ઘૂસ્યો હતો જેમાં પુરાયેલ જીણો માલ પૈકી 51 સગર્ભા માદા ઘેટા અને 4 સગર્ભા બકરીઓનું ગળુ પકડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વહેલી સવારે માલધારી રાજાભાઈ રબારી આવી વાડાનો ઝાંપો ઉઘાડી જોયું તો અનેક ઘેટા-બકારં મૃત હાલતમાં નજરે ચડયાં હતાં. ભારે દુ:ખી દિલે આ માલધારીએ બાજુમાં સુતેલા પોતાના પુત્રને જગાડી ગામમાં જઈ પોતાના પશુઓ પર થયેલાં હુમલાં અંગેની જાણકારી આપી હતી. સવારના અનેક ગામજનો અને માલધારીઓ વાડા પર દોડી આવતાં વાડામાં મરેલાં અનેક પશુઓ નજરે ચડયાં હતાં. આ ઘટનાની મેઘપરના સરપંચ નાગશીભાઈ મહેશ્વરીને થતાં તેમણે કેરા ગામના પશુ સારવાર કેન્દ્રના પશુ ચિકિત્સક ડો. આરતીબેન કાપડી, વિસ્તારના વન વિભાગના રેખાબેન રબારી, કેરા આઉટ પોસ્ટના જમાદાર જેન્તીભાઈ મહેશ્વરી, બાબુભાઈ પરમારને આ બાબતની જાણ કરતાં તાબડતોડ ઘટના સ્થળે ઘસી આવ્યાં હતાં જ્યાં રૂબરૂ પંચનામા, મૃત્યુ પામેલા પશુઓની તપાસણી તથા ઘાયલ પશુઓની સારવાર સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન આ વિસ્તારના અનુભવીઓમાંથી જાણવા મળેલી માહિતી મુજબ જે સ્થળે આ ઘટના ઘટી છે તેની નજીક જ ચાડવા રખાલ આવેલી છે. આ રખાલમાં દિપડા, જરખ (ચરાખ), ગુરનાર જેવાં અનેક હિંસક જાનવરોનો વસવાટ છે. જે રીતે વાડામાં સામુહિક પશુઓનો મરણ થયો છે તે તમામ પશુઓના મોટા ભાગે ગળાના ભાગે હુમલો જોવા મળે છે. કેટલાંકના શરીર પર નખના ઉજરડા જેવાં નિશાન પણ છે. જેનાં પરથી એવું અનુમાન થઈ શકે છે કે આ હુમલો જરખ (ચરાખ)નો હોઈ શકે છે. ગામના સરપંચ નાગશીભાઈ મહેશ્વરી અને એ વસાહતના માલધારી મોવડીઓના જણાવ્યાં મુજબ જીણાં માલના સામુહિક મોતના કારણે તેનાં ગરીબ માલિક માલધારી પર મોટી આર્થિક નુકશાની આવી છે. આ પંથકમાં પશુઓ પર આતંકી હુમલાનો આ પહેલો બનાવ છે. ત્યારે જિલ્લાનું વન વિભાગ અને પશુ વિભાગ દ્વારા વહેલાંમાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી હાથ ધરી અસરગ્રસ્ત માલધારીને થયેલી મોટી નુકશાનીનું વળતર મળે તે જરૂરી છે. તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા વર્ષો અગાઉ પાવરપટ્ટીના ડુંગરાળ વિસ્તારમાં આવેલા સોઢા વસાહત વેડહાર નજીક અનેક જીણાં પશુઓના વાડા પર રાત્રિ દરમ્યાન કોઈ જંગલી હિંસક જાનવર નહીં પણ એક કૂતરા (ડાઘિયા)નાં ટોળાંએ હુમલો કરી 25 જેટલાં બકરાને ફાડી ખાધાં હતાં.

Panchang

dd