ગાંધીધામ, તા. 2 : અંજાર, ગાંધીધામમાં ગાંજાનાં પ્રકરણમાં સામેલ અને છેલ્લાં
પાંચ વર્ષથી નાસતા ફરતા તહોમતદારને કંડલા પોલીસ ટીમે વેશપલટો કરી બિહારથી પકડી પાડયો
હતો. ગત ફેબ્રુઆરી મહિનામાં ગાંધીધામની કુરિયરની
કચેરીમાંથી રૂા. 14 લાખની કિંમતના
ગાંજાનાં પાર્સલ મળી આવ્યાં હતાં. આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી પિન્ટુકુમાર શ્રીઅવધેશ મંડલ (રહે. નારાયણપુર નેવાદાસ
ટોલા નાથા, ઈસ્માઈલપુર, જિ. ભાગલપુર બિહાર)ને કાયદાના સકંજામાં
લેવા પોલીસે તૈયારી આરંભી હતી. કંડલા
પોલીસ ટીમના હરપાલદેવસિંહ રાણા, ઉદેસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ વાઘેલા અને કુલદીપ વ્યાસે બિહારમાં મજુર તરીકેનો વેશપલ્ટો કર્યો હતો. આ ટીમે
સ્થાનિક ભાષાનો પણ અધ્યાય કર્યો હતો. પોલીસે વોચ ગોઠવી આ આરોપીને પકડી પાડયો હતો. ગાંજાના
ત્રણ ગુનાનાં પ્રકરણમાં દબોચાયેલા આ આરોપી
વિરુદ્ધમાં વર્ષ 2021 અંજારમાં ગાંજાનો ગુનો નોંધાયો હોવાનુ પોલીસે ઉમેર્યું હતું.