ભુજ, તા. 17 : માયાજાળમાં
ફસાવી ખિસ્સા ખંખેરવાના બનાવો દિવસો દિવસ વધી રહ્યા છે તેવામાં વધુ એક હનીટ્રેપનો
કિસ્સો અહીંના હિલગાર્ડન પાસે બન્યો હોવાનું અને રૂા, 22,00,000 ખંખેરી લેવાનો ગુનો ભુજ એ-ડિવિઝન
પોલીસ સ્ટેશને નોંધાયો છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભોગ બનનાર મહેબૂબ શબ્બીર
ખાટકી (રહે. ભુજ)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સાગરીતો સાથે રૂપિયા પડાવવાનું કાવતરું
ઘડી આરોપી મુસ્કાન (રહે. આદિપુર)એ ફરિયાદીને શરૂઆતમાં સોશિયલ મીડિયા મારફતે ફસાવી
ત્યારબાદ ભુજના હિલગાર્ડન પાસે લઇ ગઇ હતી,
જે દરમ્યાન કાવતરામાં સંડોવાયેલા અબ્દુલ હમીદ સમા (રહે. ભુજ)એ
ફરિયાદી તથા યુવતીના ફોટા પાડી, ફરિયાદીના કૌટુંબિક ભાઇ
સરફરાઝ રઝાક ખાટકી (રહે. ભુજ)ને મોકલ્યા હતા. ત્યારબાદ આ બનાવનો ચોથો આરોપી મામદ
નોડે (રહે. અંજાર)ને તે યુવતીનો ખોટો પતિ બનાવી ફરિયાદીને ધમકાવી, સમાધાન માટે રૂા. 19,00,000 પડાવ્યા બાદ ભુજ એ-ડિવિઝન પોલીસ
મથકે ખોટી અરજી કરી સમાધાનના નામે વધુ એક પોલીસની ઓળખ આપનાર અજાણી વ્યક્તિ માટે
અબ્દુલ અને સરફરાજે વધુ 3,00,000 ખંખેર્યાનો મામલો સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અબ્દુલ હમીદ સમા જે ભુજનો નગરસેવક છે. તા. 17-11-24થી
2-2-25 દરમિયાનના આ બનાવ અંગે આજે રાત્રે પોલીસ મથકે ફરિયાદ
નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં કોઇની અટક કરાઇ છે કેમ તે અંગે
તપાસકર્તા એ-ડિવિ. પી.એસ.આઇ. જે. જે. રાણાનો સંપર્ક કરતાં તેઓનો ફોન નો-રિપ્લાય
મળ્યો હતો.