ગાંધીધામ, તા. 8 : અંજાર તાલુકાના વરસામેડી નજીક
નર્મદા કેનાલમાંથી રાહુલકુમાર ગૌડની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ બનાવમાં તેના પાડોશમાં
જ રહેતા શખ્સે અને તેના સાગરીતે મોબાઈલ ફોનની લહાયમાં તેને પતાવી નાખ્યો હોવાનું બહાર
આવ્યું હતું. એ આરોપી પૈકી એકની અટક કરવામાં આવી હતી. વરસામેડીની ગુરુકૃપા સોસાયટીમાં
રહેતા અને વેલસ્પન કંપનીમાં કામ કરનાર રાહુલકુમાર ગૌડની અરિહંતનગર પાસે નર્મદા કેનાલમાંથી
હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ યુવાને થોડા સમય પહેલાં મોંઘા પ્રકારનો મોબાઈલ લીધો
હતો. આ મોંઘા મોબાઈલ ઉપર તેની બાજુમાં જ રહેતા ઈન્દ્રજિતસિંહ પહેલવાનસિંહ ગુર્જરની
નજર પડી હતી. તેઓએ આ યુવાનને મોબાઈલ વેચાવી આપવાનું પણ કહ્યું હતું. બાદમાં આ શખ્સે
પોતાનાં વતનના ધીરજકુમાર નામના શખ્સને નોકરી અપાવવાના બહાને બોલાવ્યો હતો. બનાવની સાંજે
રાહુલ કામેથી પરત ઘરે આવતાં આરોપી ઈન્દ્રજિત તેને બહાર લઈ ગયો હતો. નર્મદા કેનાલ પાસે
તેણે રાહુલ પાસેથી મોબાઈલના પાસવર્ડ વગેરે લઈ મોબાઈલની લૂંટ કરી ધીરજને ત્યાં બોલાવી
તેને તીક્ષ્ણ હથિયાર વડે પતાવી નાખ્યો હતો. અને બાદમાં તેને ઉપાડીને કેનાલમાં ફેંકી
દીધો હતો. ધીરજ વિરુદ્ધ અગાઉ દિલ્હીમાં હત્યાનો ગુનો નોંધાયો હોવાનું સપાટી ઉપર આવ્યું
હતું. પોલીસે સી.સી.ટી.વી. સહિતની મદદથી આરોપી ઈન્દ્રજિતને પકડી પાડયો હતો. આ શખ્સ
પણ વેલસ્પન કંપનીમાં બાઉન્સર તરીકે કામ કરતો હતો. માત્ર મોબાઈલની લહાયમાં હત્યા કરનારા
આ શખ્સને પોલીસે પકડી પાડયો હતો. તેની પાસેથી મોબાઈલ, બનાવમાં વપરાયેલ હથિયાર કબજે કરવા તથા હાથમાં
ન આવેલા ધીરજને પકડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.