પાટણ, તા. 24 (અમારા પ્રતિનિધિ દ્વારા) :
ચાણસ્મા ધોરીમાર્ગ પર વહેલી સવારે ટ્રક, ગેસનું ટેન્કર અને રાપર આવતી એસટી બસ વચ્ચે ત્રેવડો અકસ્માત સર્જાયો હતો,
જેમાં બસમાં સવાર ચાર-પાંચ મુસાફરને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સદ્ભાગ્યે
કોઈ જાનહાનિ થઈ નહોતી. જો કે, વાહનોમાં નુકસાન થયું હતું. ચાણસ્મા-હારીજ
ધોરીમાર્ગ પર મહેસાણાથી હારીજ તરફ જતી ટ્રક અને કચ્છ તરફ આવતું ટેન્કર અથડાયા હતા,
જેમાં ટેન્કર પલટી મારી ગયું હતું. દરમિયાન પાછળથી આવી રહેલી વલસાડથી
રાપર જતી બસને પણ તે અકસ્માત નડયો હતો, જેમાં બસના ડ્રાયવર જયેશભાઈ
પરમાર સહિત ચાર-પાંચ મુસાફરને ઈજા થઈ હતી. બનાવના પગલે 108 એમ્બ્યુલન્સને બોલાવાઈ હતી
અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના કારણે માર્ગ પર ટ્રાફિકજામના દૃશ્યો
સર્જાયા હતા.