• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

માધાપરમાં ડમ્પર હડફેટે યુવકનું મોત

ભુજ, તા. 29 : એક તરફ માર્ગ અકસ્માતોના વધતા જીવલેણ બનાવોના પગલે કોઈના વહાલસોયાને જીવ ખોવાનો વારો ન આવે તે માટે હાઈકોર્ટે નાના વાહનચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરે તેવો નિર્દેશ સરકારને આપ્યો છે, તેમ છતાં તેની અમલવારીનો અભાવ વર્તાય છે, તે વચ્ચે ભુજની ભાગોળે આવેલા માધાપર ધોરીમાર્ગ પર શુક્રવારે સવારના અરસામાં ડમ્પરની ટક્કર બાદ તેના ટાયર નીચે આવી જતાં માધાપરના જૂનાવાસમાં રહેતા બાઈકચાલક જિગર દયારામ મહેશ્વરી (ઉ.વ. 19) નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવથી ધોરીમાર્ગ પર બેફામ ચાલતા તોતિંગ વાહનોનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો હતો. માધાપર ધોરીમાર્ગ પર  ડોલ્ફિન હોટેલ પાસે ભુજોડી તરફ જતા જીજે 12 બીવાય 3757વાળા ડમ્પરના ચાલકે બાઈકથી આગળ જતા હતભાગી યુવાન જિગરને જોરદાર ટક્કર મારી હતી. ધડાકા સાથે અથડાયેલા તોતિંગ વાહને યુવાનને હડફેટે લીધા બાદ તે યમદૂત સમાન ડમ્પરના ટાયર નીચે ચગદાઈ ગયો હતો, જેના લીધે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવના પગલે લોકોનું ટોળું એકત્ર થયું હતું અને ટ્રાફિકજામ સર્જાયો હતો. માધાપર પોલીસ ચોકી નજીક બનેલા આ જીવલેણ બનાવના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને 108 મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પહોંચાડયો હતો. આ બાબતે માધાપર પોલીસે આપેલી વિગતો મુજબ, ડમ્પરના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી બાઈકચાલક યુવક જિગરને ટક્કર મારી હતી, જેના લીધે તેનું મોત થયું હતું. પોલીસે માર્ગ અકસ્માતના આ બનાવમાં ડમ્પરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ બેફામ દોડતા તોતિંગ વાહનોના લીધે અવારનવાર સર્જાતા આવા જીવલેણ અકસ્માતોના કારણે રહેવાસીઓ ઉપરાંત રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. દુર્ઘટનાને નજરે જોનારા લોકોએ ઓવરલોડ અને અતિઝડપે જતાં વાહનો સામે કડક કાર્યવાહી થાય અને ગતિ પર અંકુશ લાગે તેવી માંગ કરી હતી, તો નાના વાહનચાલકો કાયદાનું પાલન કરી હેલ્મેટ પહેરે તો કોઈના વહાલસોયાને જીવ ખોવાનો વારો ન આવે તેવી પણ લાગણી લોકોએ વ્યક્ત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang