ગાંધીધામ, તા. 24 : અંજારમાં વાહનોની બેટરીની ચોરી કરતા બે શખ્સને
પોલીસે ઝડપી પાડી ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી
મળતી વિગતો મુજબ અંજારમાં મિલકત સંબંધી ગુના શોધનની સૂચનાનાં પગલે પોલીસ સ્ટાફ
દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું. આ દરમ્યાન હેમલાઈ ફળિયા મધ્યે ખાનગી બાતમીના આધારે
તપાસ કરાઈ હતી. બનાવના સ્થળે આરોપીઓ જમનશા ઉર્ફે જમુ કડિયો ઈમામશા શેખ અને કાસમશા ઉર્ફે
વિલાયતી જુસબશા શેખ શંકાસ્પદ હિલચાલ કરતા જણાઈ આવ્યા હતા. આરોપીઓએ ચોરી કરેલી વાહનોની
બેટરીઓને સગેવગે કરવાની પેરવી કરતા હતા. પોલીસે
આ બેટરીઓના આધાર -પુરાવા માગતા તેઓ આપી શક્યા ન હતા. આરોપીઓની કરાયેલી કડક પૂછપરછમાં
આ બેટરીઓ ગંગાનાકા ખાતે આવેલી નીરજ ઓટો ઈલેક્ટ્રિક નામની દુકાનમાં પતરાં તોડીને ચોરી
કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે રૂા. 24,500ની
કિંમતની 10 બેટરી કબજે કરી હતી તેમજ એક દ્વિચક્રી વાહન પણ કબજે કરાયું હતું.
આ કામગીરીમાં અંજારના ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.
ઝાલા અને પી.એસ.આઈ. જે.એસ. ચૂડાસમા અને પોલીસ સ્ટાફ જોડાયો હતો.