ભચાઉ, તા. 24 : તાલુકાનાં શિવલખા ગામની સીમમાં વિજ ટાવર નિર્માણની
કામગીરી દરમ્યાન સર્જાયેલાં અકસ્માતમાં શ્રમિકને
ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી વિગતો મુજબ શિવલખા ગામની
હદમાં ગઈકાલ સાંજે વિજ ટાવર ઊભું કરવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે પાવર ગેટ કંપનીના
ટાવર નિર્માણ કરતી કલ્પતરૂ એજન્સી હસ્તકના કોન્ટ્રાકટરના લોકો લોખંડના એન્ગલને જોડી
ટાવર ઊભા કરવાનું કામ કરી રહ્યા હતા તે સમયે ડાબી તરફનાં સિમેન્ટનાં પિલ્લરમાં તિરાડ
પડવાથી એક તફના ટાવરનો ભાગ નમી જતાં દુર્ઘટના સર્જાઈ હતી, લોખંડનું મહાકાય ટાવર વચ્ચેથી
તુટી પડતા ટાવર ઉપર એન્ગલ જોડવાનું કામ કરતા શ્રમિકો હવામાં લટકી ગયા હતા. આ દરમ્યાન એક શ્રમિક જમીન ઉપર પટકાતા તેનો પગ ઘૂંટણથી
બટકી ગયો હતો. બનાવનાં પગલે ઉપસ્થિત લોકોમાં ગભરાટ સાથે ભારે દોડધામ થઈ પડી હતી ઉપર
રહેલા શ્રમિકોને મહામહેનતે સલામત રીતે નીચે ઊતારી બચાવી લેવાયા હતા, ઘાયલ શ્રમિકને
ગામનાં ખાનગી વાહન મારફતે સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં લઇ જવાયો
હતો. આ અકસ્માતના બનાવનાં પગલે 20થી 25 લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. અકસ્માતનાં
કારણે ટાવર ઉપર કામ કરતા શ્રમિકો સંતુલન ગુમાવી દેતા સેફટી તાર માં લટકી ગયા હતા, જ્યારે
40 વર્ષીય મોન્ટુ મંડળ નામના કામદારનું સંતુલન ન રહેતા તે અંદાજિત 20 ફૂટ ઉપરથી નીચે
પટકાયો હતો, જેમાં તેનો પગ બટકી ગયો હતો. અકસ્માતના સમયે પસાર થતા શિવલખા ગામના સેવાભાવી
ધીરુભા જીવનજી જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘાયલને તુરંત સામખિયાળીની હોસ્પિટલમાં
સારવાર અર્થે ખસેડયો હતો. બનાવના પગલે ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર પ્રસરી
હતી.