• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

કેનેડા સરકાર હજી અડિયલ

ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે કેનેડા અને ભારત વચ્ચે સર્જાયેલી રાજદ્વારી તંગદિલી હજી યથાવત્ રહી છે. હવે તો આખી દુનિયા જાણે છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ તેમને ત્યાંની શીખ મતબેન્કને સાચવવા આ પાયા વગરનો આરોપ ભારત સામે મૂકીને વિવાદનો મધપૂડો છંછેડયો છે. આ બધા વચ્ચે બીજા એક ખાલિસ્તાની નેતા ગુરુપવંતાસિંહ પન્નુ કેનેડાની ધરતી પરથી કોઇપણ જાતની રોકટોક વગર ભારત વિરુદ્ધ હુમલાની ધમકી આપી રહ્યા હોવાથી સ્થિતિ વધુ વણસી રહી છે. ભારત સરકાર કેનેડા પાસે આ આરોપોના પુરાવા માગી રહી છે, પણ તેની આ માંગ હજી સુધી સંતોષાઇ નથી. કેનેડામાં ભારતના ઉચ્ચાયુક્તે વધુ એક વખત પૂછયું છે કે આ મામલાના સંદર્ભના પુરાવા અને તપાસ અહેવાલ કયાં છે. તો બીજીતરફ, કેનેડા સરકાર પુરાવા પૂરા પાડવાને બદલે એક જ વાત કહ્યા કરે છે કે ભારત આ મામલામાં તપાસમાં સહયોગ કરે તે જરૂરી છે. આ આરોપો બાદ બન્ને દેશ વચ્ચે સંબંધ સતત વણસી રહ્યા છે. ભારતે કેનેડાથી રાજદૂતોને પરત બોલાવી લીધા છે અને કેનેડાના અમુક વધારાના રાજદૂતોને દેશ છોડી જવાની ફરજ પાડી છે. સાથોસાથ, ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું પણ બંધ કરી દીધું છે. સ્વાભાવિક રીતે આ રાજદ્વારી તંગદિલીને લીધે કેનેડામાં કામ કરતા અથવા અભ્યાસ કરતા ભારતીયોમાં ભયની લાગણી જાગી છે. કેનેડામાં ભારતના ઉચ્ચાયુક્તે કહ્યંy છે કે આ રીતે કોઇ નક્કર પુરાવા વગર આરોપ મૂકવાથી બન્ને દેશ વચ્ચેના સંબંધ વણસ્યા છે. જો કે, ભારતે આ સંબંધ વધુ વણસે નહીં તે માટે ખાસ ખ્યાલ રાખ્યો છે, પરંતુ કેનેડા હજી પણ આધાર વગરના આરોપોનો પુનરોચ્ચાર કરીને સ્થિતિમાં સુધારો થાય તેમ ઇચ્છતું ન હોવાની છાપ ઊભી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં શીખોની સંખ્યા સારી એવી છે અને તેમનું મતદાન ત્યાંનાં રાજકારણ માટે ચાવીરૂપ બની રહ્યંy છે. આ મતબેન્કને રાજી રાખવા કેનેડના વડાપ્રધાન ટ્રુડો ખાલિસ્તાનવાદીઓને છુટોદોર આપી રહ્યા છે. સરકારના સીધા ટેકાને લીધે કેનેડામાં ખાલિસ્તાનવાદીઓ બેફામ બન્યા છે. તેમને નાથવાને બદલે ટ્રુડો સરકાર આવાં તત્ત્વોને છાવરે છે. અલગતાવાદી નેતા પન્નુએ જે રીતે ભારત વિરોધી ધમકીઓ આપવી શરૂ કરી છે, તેનાથી આખી દુનિયા વાકેફ બની છે. તેની સામે કડક કાર્યવાહી કરવાની ભારતની લાગણી કેનેડા સરકારે ધ્યાને લીધી નથી. હાલત એવી છે કે આવતા સપ્તાહે ભારતમાં હુમલાની ધમકીને પગલે સલામતીનાં પગલાં લેવા પર ધ્યાન આપવાની સરકારને ફરજ પડી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang