• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

નાગરિકતા ધારાની કલમ 6એને સુપ્રીમની મહોર

વિશ્વના દેશોમાં ગેરકાયદે વસવાટ કરનારાનો મુદ્દો આજકાલ ભારે ચર્ચામાં છે, ત્યારે ભારતમાં નાગરિકતા ધારાની કલમ 6એને સર્વોચ્ચ અદાલતે બંધારણીય રીતે યોગ્ય ઠેરવતો ચુકાદો આપીને આ મામલે તમામ અસ્પષ્ટતાનો અંત આણી દીધો છે. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાથી જાન્યુઆરી-1966થી 25મી માર્ચ-1971 વચ્ચે બાંગલાદેશથી હિજરત કરીને ભારતમાં વસેલાઓને હવે નાગરિકતા મળી જશે. ભારતીય નાગરિકતા આપવા અંગે આ કલમ ભારે મહત્ત્વની જોગવાઇ બની ગઇ છે, તેના સંદર્ભમાં અદાલતના આ આદેશથી અમલીકરણ સામેના સવાલનો અંત આવી ગયો છે. કલમ 6એના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલત સમક્ષ અરજીઓ કરાઇ હતી કે, નાગરિકતા આપવા અંગે કોઇ સમયમર્યાદા રાખવી જોઇએ નહીં. આ અરજીઓ પર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ સહિત પાંચ જજની બેંચે પાંચ વિરુદ્ધ એકના ચુકાદામાં અરજીઓનો નિકાલ કરી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ  આખો મુદ્દો આસામમાં પ્રવેશ અને નાગરિકતા આપવાની 25મી માર્ચ-1971ની તારીખની મર્યાદાને બંધારણીય માન્યતાને બહાલી  આપવાનો હતો.  બહુમતીથી લેવાયેલા આ નિર્ણયમાં જો કે, એ બાબત સર્વસંમતી હતી કે, વર્ષ 1985માં સંસદે આસામમાં નાગરિકતા અંગે પસાર કરેલો કાયદો એક ન્યાયોચીત સમાધાનનો ભાગ હતો. આ સમાધાન આસામની  સંસ્કૃતિ, વારસો, ભાષાકીય અને સમાજિક ઓળખને સલામત રાખવા માટે કરાયું હતું. આ આખાં પ્રકરણમાં કેન્દ્રમાં રહેલી કલમ 6એના ઇતિહાસને સમજવા જેવો છે, તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીનાં નેતૃત્વ હેઠળની સરકાર, આસામ સરકાર અને ઓલ આસામ સ્ટૂડન્ટ્સ યુનિયન વચ્ચે એક સમાધાન થયું હતું, તે સમયે આસામમાં બાંગલાદેશીઓના મોટાપાયે ગેરકાયદે વસવાટની સામે આવો કાયદો લાવવા વિદ્યાર્થીઓએ છ વર્ષ સુધી વ્યાપક આંદોલન ચલાવ્યું હતું. 1985માં સમાધાન સધાયા બાદ સંસદે કલમ 6એનો કાયદો પસાર કર્યો, જેને લીધે બાંગલાદેશીઓની બેરોકટોક નાગરિકતાનો અંત આવ્યો હતો. જો કે, આ ચુકાદા સાથે સંમત ન થયેલા ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાના મતે કાયદાનો જોઇએ એવો અર્થ સર્યો ન હોવાને લીધે તેને ગેરબંધારણીય ગણી શકાય તેમ છે. જો કે, એક ગંભીર સવાલ એ પણ છે કે, વર્ષ 1971 પછીથી પણ આસામમાં અથવા ભારતમાં આવેલાને નાગરિકતા આપી દેવાય તો દેશની હાલત કેવી થાય.  આવી કોઇપણ ઉદારતા વધુ લોકોને ભારતમાં વસવા માટે ઉત્તેજન સમાન બની શકે છે. આવા સંજોગોમાં નાગરિકતા આપવા માટેના કાયદા અને તેનો અમલ કડક રહે તે દેશહિતમાં યોગ્ય ગણી શકાય તેમ છે. આજે યુરોપના દેશોમાં ગેરકાયદે વસવાટ કરનારાની સમસ્યા દિવસોદિવસ વધી રહી છે. આવામાં ભારતમાં બાંગલાદેશી કે અન્ય દેશના લોકો મોટાપાયે આવવા લાગે અને નાગરિકતા મેળવે, તો આમે પણ અર્થતંત્ર અને સમાજિક માળખાં પર વસતી વધારાનો બોજો વધુ વકરી જાય તેમ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી એક અસ્પષ્ટતાનો અંત આવ્યો છે અને તેનાથી સમયમર્યાદા અગાઉ આવેલા હોવા છતાં નાગરિકતાથી વંચિત રહી ગયા હોય તેમને ભારતીય નાગરિક બનવાનો માર્ગ મોકળો થઇ શકશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang