• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

કચ્છમાં વિષમ વાતાવરણનો વર્તારો

ભુજ, તા. 22 : કચ્છમાં સવારે ઝાકળવર્ષા અને દિવસે તાપ-ઊકળાટના અનુભવાતાં વિષમ માહોલ વચ્ચે છૂટાછવાયાં ઝાપટાંનો દોર યથાવત રહ્યો છે. મંગળવારે ભચાઉ ઉપરાંત માંડવી-મુંદરા તાલુકામાં વરસાદી ઝાપટાંની છૂટીછવાઇ હાજરી જોવા મળી હતી. ભુજ સહિતના સ્થળે બપોરના સમયે વાતાવરણ પલટાયું હતું. જો કે, વરસાદ ન પડતાં ખાસ કરીને ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. હવામાન વિભાગે જિલ્લામાં આગામી સપ્તાહ દરમ્યાન વાતાવરણ શુષ્ક રહેવા સાથે મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી કરી છે. આ સાથે વાતાવરણીય વિષમતા હજુ જળવાયેલી રહેશે, તેવી શક્યતા દેખાડવામાં આવી છે. ભચાઉમાં બપોરના સમયે ભારે વરસાદી ઝાપટું વરસતાં નગરના માર્ગો પરથી પાણી વહેવા લાગ્યાં હતાં. અડધો ઇંચ વરસાદ પડયાના અનુમાન વચ્ચે જિલ્લા કંટ્રોલ રૂમમાં વરસાદની સત્તાવાર નોંધ થઇ નહોતી. માંડવી તાલુકાના ત્રગડી અને કોકલિયા તો મુંદરા તાલુકાના ભુજપુરમાં પણ સામાન્ય ઝાપટાં વરસ્યાના અહેવાલ મળ્યા છે. ભુજમાં મહત્તમ તાપમાન તો 35.4 ડિગ્રી નોંધાયું હતું પણ બપોરના સમયે તાપની સાથે ઉકળાટની અનુભૂતિએ શહેરીજનોને અકળાવ્યા હતા. જિલ્લા મથકે વાતાવરણમાં પલટા સાથે કાળાં વાદળો છવાયાં, પણ વરસાદ ન વરસતાં રાહત અનુભવાઇ હતી. જિલ્લામાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રી, તો લઘુતમ તાપમાન 23થી 26 ડિગ્રી વચ્ચે નોંધાતાં વિષમ વાતાવરણની અનુભૂતિ જળવાયેલી રહી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang