• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

બીજી ટેસ્ટ કાળી માટીની પીચ પર રમાશે

પૂણે, તા.22 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ કાળી માટીની પીચ પર રમાશે. જે પીચ ધીમી અને ટર્નિંગ રહી શકે છે. બેંગ્લુરુ પીચની તુલનામાં પૂણેની પિચ પર ઓછો ઉછાળ જોવા મળી શકે છે. જે વધુ સપાટ અને ધીમી હશે. પહેલી ટેસ્ટની આંચકારૂપ હાર પછી બાકીની બે મેચની પીચ એક સમાન જેવી હશે. ફરક એટલો હશે કે પૂણે ટેસ્ટ કાળી માટી પર અને મુંબઈ ટેસ્ટ લાલ માટીની પીચ પર રમાશે. આ બન્ને પીચ પર જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ ટર્ન વધુ જોવા મળશે. જેથી ભારતીય સ્પિનર્સને  હરીફ ટીમ પર હાવી થવાનો મોકો મળશે. શ્રેણીની બીજી મેચ તા. 24 ઓક્ટોબરથી અને અંતિમ ટેસ્ટ 1 નવેમ્બરથી રમાવાની છે. બાકીની બે મેચની પીચ પર સ્પિનરોને વધુ મદદ મળી શકે છે. પીચ પર ઘાસ જોવા મળશે નહીં. આથી જ ભારતની ટીમમાં વધારાના એક સ્પિનરનાં રૂપમાં વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમમાં હાલ ત્રણ મુખ્ય સ્પિનર તરીકે રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ છે. અક્ષર પટેલ સાથે હવે વોશિંગ્ટન સુંદર પણ છે. અહેવાલ અનુસાર ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પણ ભારતે બે ઝડપી બોલર અને ત્રણ સ્પિનર સાથે ઉતરી શકે છે. આ કોમ્બિનેશમાં એક ફેરફારની સંભાવના છે. સાતત્યવિહોણા મોહમ્મદ સિરાઝનાં સ્થાને આકાશદીપને તક મળી શકે છે. ટોસ જીતનાર ટીમ પૂણેમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. ગિલ અને પંત બીજી ટેસ્ટ માટે ફિટ હોવાથી ભારતીય ઇલેવનમાંથી કેએલ રાહુલ લગભગ બહાર થશે. પૂણે ક્રિકેટ એસો.નાં મેદાન પર આ ફકત ત્રીજી ટેસ્ટ હશે. અહીં પહેલી ટેસ્ટ 2016માં રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાનો ત્રીજા દિવસે ટી બ્રેક પહેલા 333 રને વિજય થયો હતો. એ મેચમાં 40માંથી 31 વિકેટ સ્પિનરોએ લીધી હતી. એ પછી આઇસીસી મેચ રેફરીએ પિચને ખરાબ રેટિંગ આપ્યું હતું. પૂણેમાં બીજી ટેસ્ટ મેચ 2019માં રમાઈ હતી. ત્યારે દ. આફ્રિકા સામે ભારતનો વિજય થયો હતો. આ મેચમાં તે વખતના કપ્તાન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang