• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

કલ્યાણપરમાં 60.75 લાખની ચાઇનાક્લે ચોરી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 22 : રાપર તાલુકાના કલ્યાણપરની સીમમાં રૂા. 60,75,000ની ચાઇનાક્લે માટીનું ખનન કરી તેના સંગ્રહ કરવા બદલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓએ ગત તા. 18/10ના સવારના ભાગે રાપરના ચિત્રોડ રોડ ખાતે તપાસમાં હતા, દરમ્યાન ડમ્પર નંબર જી.જે. 12 બી.એક્સ.-5944 નીકળતા તેને રોકાવાયું હતું. આ વાહનમાં ભરેલ ચાઇનાક્લે અંગે ચાલક પાસેથી આધાર-પુરાવા મંગાતા તે આપી શક્યો ન હતો, જેથી આ મુદ્દામાલ જપ્ત કરી લાકડિયા પોલીસ મથકે રખાયો હતો. દરમ્યાન ખાણ ખનિજ વિભાગે તપાસ કરતા આ માટી રાપરના કલ્યાણપર બાજુથી ભરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ખાણ ખનિજ વિભાગે અહીં સરકારી પડતર જમીનમાં તપાસ કરાતાં અહીં ગેરકાયદે રીતે ખનન કરી રૂા. 60,75,000ની 15000 મેટ્રીક ટન ચાઇનાક્લેનો સંગ્રહ કરાયો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ તપાસ દરમ્યાન આરોપીઓ સ્થળ?ઉપર હાજર મળ્યા નહોતા. દરમ્યાન ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર નિખિલ ઉનીમોન પોટાયન (લુહાર)એ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટ્રક માલિક તરીકે જયદેવ રાજગોર તથા ચાલક પ્રભુ મોહન કોળી હોવાનું જણાવાયું હતું. બનાવ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વાગડ પંથકમાં હજુ પણ બેખૌફ, બેરોકટોક ખનિજ ચોરી થતી હોવાનું આવા બનાવો પરથી ફલિત થતું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang