• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

વકફ અંગેની બેઠકમાં તડાફડી : બેનર્જી સસ્પેન્ડ

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 22 : વકફ બિલ અંગે સંયુકત સંસદીય સમિતિ (જેપીસી)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ નેતા કલ્યાણ બેનર્જી અને ભાજપ સાંસદ અભિજિત ગંગોપાધ્યાય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ, જે દરમિયાન કલ્યાણ બેનર્જી ઇજાગ્રસ્ત થયા છે. જેપીસીની બેઠકમાં બંને નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ કલ્યાણ બેનર્જીએ પાણીની કાચની બોટલ ફોડી નાખી, જેને પગલે તેમના હાથમાં ઇજા થઇ અને હાથમાં ચાર ટાંકા આવ્યા હતા.  જેપીસીની બેઠક દરમિયાન થયેલી ઘટના બાદ કલ્યાણ બેનર્જી ઉપર કાર્યવાહી હાથ ધરાઇ હતી અને તેમને આગામી બે બેઠક માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.  સૂત્રો અનુસાર બંને નેતામાં ઉગ્ર બોલાચાલી થયા બાદ અચાનક કલ્યાણ બેનર્જીએ બોટલ ઉઠાવી અને ટેબલ પર ફોડી નાખીને તેમને હાથમાં ઇજા થઇ હતી. આવી ગેરવર્તણૂકને પગલે તેમને સસ્પેન્ડ કરાયા છે. સંસદમાં વકફ બિલ ઉપર મંગળવારે યોજાયેલી જેપીસી બેઠક દરમિયાન તૃણમૂલ અને ભાજપના સાંસદ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન તૃણમૂલના સાંસદ કલ્યાણ બેનર્જીએ કાચની બોટલ ટેબલ ઉપર ફોડી હતી. ત્યારબાદ  બેનર્જીને એક દિવસ અને આગામી બે જેપીસી બેઠકો માટે સસ્પેન્ડ કરાયા હતા. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ તેમના સસ્પેન્શનનો પ્રસ્તાવ મૂકતાં 9-8થી મત પડયા હતા અને બેનર્જીને તેમની ગેરવર્તણૂકને પગલે સસ્પેન્ડ કરાયા હતા. બોટલ ટેબલ ઉપર ફોડયા બાદ બેનર્જીના હાથના અંગૂઠા અને આંગળી ઉપર ઇજા થઇ હતી. તેમને પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ ઘટના બાદ બેઠક રોકી દેવાઇ હતી. બેનર્જીને મિટિંગ રૂમમાંથી બહાર અસદુદ્દીન ઓવૈસી અને સંજયસિંહ  લઇ ગયા હતા તેમજ તેમને કેન્ટિનમાંથી સૂપ પણ ઓફર કરાયો હતો. સંસદમાં મંગળવારે ભાજપના જગદંબિકા પાલની અધ્યક્ષતામાં સમિતિ નિવૃત્ત ન્યાયાધીશો અને વકીલોની એક ટીમ, યુનિયન મુસ્લિમ લીગના પાંચ સાંસદ સહિત વિપક્ષી નેતાઓના વિચારો સાંભળી રહી હતી. આ દરમિયાન વિપક્ષી સભ્યોને સવાલ કરાયો હતો કે સમાજને વકફ સંપત્તિથી શું લાભ થયો ? કલ્યાણ બેનર્જી પોતાની વાત રજૂ કરવા માગતા હતા. આ અગાઉ તેઓ ત્રણવાર પોતાના વિચારો સમિતિ સમક્ષ રાખી ચૂકયા હતા અને ફરી એક તક માગી રહ્યા હતા. તે દરમિયાન ભાજપ સાંસદ ગંગોપાધ્યાયે તેમને રોક્યા હતા અને વિરોધ કર્યો હતો. આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઇ હતી અને બંનેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. કલ્યાણના હસ્તક્ષેપ બાદ ભાજપ સાંસદ ગંગોપાધ્યાયે તેમને ટોક્યા હતા. કલ્યાણે રોષે ભરાઇને બોટલ ઉઠાવીને ટેબલ ઉપર અફાળી હતી અને બેટલ તૂટતા જ તેમના હાથમાં ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે તૂટેલી બોટલ ચેરમેન તરફ ફેંકી હતી. આ સમિતિએ આગામી સંસદ સત્રના પહેલા સપ્તાહમાં પોતાનો અહેવાલ લોકસભામાં સોંપવાનો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang