• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

શાન્તિરેવ શાન્તિ: પુતિનને મોદીનો સંદેશ

કઝાન, તા. 22 : રશિયા અને યુક્રેન વચ્ચેના ઘર્ષણને દૂર કરવા ભારત શક્ય તમામ સહયોગ આપશે તેવું કઝાન ખાતે યોજાયેલી વૈશ્વિક વિકાસ અને સુરક્ષાની થીમ પર યોજાયેલી 16મી બ્રિક્સ સમિટમાં રશિયા ગયેલા વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન સાથે મંગળવારે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું.  પુતિનને વધુ એકવાર શાંતિનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, સંઘર્ષનો અંત આણવા ભારત બનતું કરી છૂટશે.  સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, અમે પહેલાં પણ કહ્યું છે કે, રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા ઘર્ષણને દૂર કરવા અને શાંતિની સ્થાપના કરવા ભારત સતત સંપર્કમાં છે. ભારત હંમેશાં સમસ્યા નિવારણ અને શાંતિના પક્ષમાં રહ્યું છે. આ સાથે મોદીએ જણાવ્યું હતું કે, ભારતે કાયમ માનવતાવાદી અભિગમને પ્રાથમિકતા આપી છે અને યુક્રેન-રુસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા આગામી સમયમાં તમામ પ્રકારના સહયોગ માટે ભારત તૈયાર છે અને દરેક સમસ્યાના નિવારણ માટે હજુ પણ તક છે તેમ ઉમેર્યું હતું. પુતિને બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત રીતે આગળ વધી રહ્યા છે તેમ જણાવી આગામી 12 ડિસેમ્બરે દિલ્હી ખાતે યોજાનારી બેઠકમાં વિકાસને લગતી ચર્ચા કરાશે તેમ કહ્યું હતું.  મોદીએ અભિવાદન બદલ પુતિનનો આભાર વ્યક્ત ર્ક્યો હતો અને કઝાન શહેર સાથે ભારતના ઐતિહાસિક સંબંધોને પણ આ તકે ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદી કઝાન શહેર પહોંચ્યા ત્યારે એરપોર્ટે રેડકાર્પેટ સાથે લાડુ અને કેકથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હોટલ ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય સમુદાયે તેમને આવકાર્યા હતા. તેમણે કઝાનની હોટલમાં ભારતીય પોષાકમાં સજ્જ રશિયાના કલાકારો દ્વારા પ્રસ્તૃત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. બ્રિક્સ સંગઠનમાં હાલ 10 સદસ્ય દેશ છે. ગત વર્ષ પાંચ દેશ જોડાયા હતા. હજુ અનેક દેશ તેમાં  જોડાવા ઈચ્છે છે. બ્રિક્સની બેઠકમાં ડોલરની તુલનાએ નવા ચલણ પર વાતચીત થવાની સંભાવના છે. બ્રિક્સ દેશોની બેઠક બાદ બ્રિક્સ પ્લસની બેઠકનું આયોજન છે જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર સામેલ થશે. બ્રિક્સમાં જોડાઈ રહેલા અનેક દેશ પશ્ચિમી દેશોની નીતિ-રીતિના ઘોર વિરોધી છે. અમેરિકા, બ્રિટનના મિત્ર દેશો પણ તેમાં જોડાઈ રહ્યા હોવાથી પશ્ચિમી દેશો સામે એક મહાસંગઠન ઉભું થઈ રહ્યું છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang