• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

નીતીશની જાતિવાદની રાજનીતિ

બિહારમાં જાતિગત ગણનાના આધાર પર મુખ્ય પ્રધાન નીતીશકુમારે સરકારી નોકરીઓમાં અનામતનો વ્યાપ વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, ગણનાના રિપોર્ટથી રાજ્યની ગરીબી જાહેર થાય છે. કેન્દ્ર સરકાર જો બિહારને વિશેષ દરજ્જો આપે તો ગરીબી જલ્દી દૂર થશે. નીતીશકુમારે રાજ્યમાં ઓબીસી, એસસી અને એસટી માટે અનામતમાં વધારો કરવાના ઈરાદાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, હાલમાં એસસી અને એસટી માટેની કુલ અનામત 17 ટકા છે, તેને વધારીને 22 ટકા કરવી જોઈએ. તેવી જ રીતે ઓબીસી માટેની અનામત પણ વર્તમાન 50 ટકાથી વધારીને 65 ટકા કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે અગાઉ નોકરી વગેરેમાં ક્વોટાની ટોચમર્યાદા 50 ટકા નિર્ધારિત કરેલી છે. આમ, 2024ની લોકસભા ચૂંટણી પહેલાં નીતીશકુમારે ક્વોટામાં વધારો કરવાના ઈરાદાની જાહેરાત કરીને જ્ઞાતિવાદનો મુદ્દો છંછેડયો છે. જાતિવાર ગણના પછી બિહારમાં આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ એવા સમયે સાર્વજનિક કર્યો છે, જ્યારે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓની ગતિવિધિ પરાકાષ્ઠાએ છે. બિહારથી આવેલો આ રિપોર્ટ સમગ્ર દેશનાં ચૂંટણી રાજકારણમાં ગરમાટો ઊભો કરશે. પછાતોની રાજનીતિ કરનારા પક્ષો અનામતનો વ્યાપ વધારવાની માંગને ટેકો આપી શકે છે અને કોંગ્રેસથી તેને ભરપૂર સમર્થન પણ મળી શકે છે. બિહારમાં ભાજપ માટે ચેતવણી છે કે, ક્યારેક ક્યારેક રાજદ-જદયુની વચ્ચે જે ખાઈ દેખાય છે, તે આ પહેલ પછી ઓછી થશે. નીતીશે રાજદની નીતિને અનુકૂળ અનામતનો વ્યાપ વધારવાની માંગ કરી છે. અનામતના મુદ્દા પર ક્યારેક વી. પી. સિંહ અને કર્પૂરી ઠાકુરને સત્તાથી હટાવવાવાળી કોંગ્રેસ પણ હવે તેમાં જોડાઈ છે. આ સંજોગોમાં ભાજપ માટે બિહારમાં ચૂંટણી જીતવી આસાન નહીં હોય. બિહાર જેવું રાજ્ય આઝાદીનાં 75 વર્ષ પછી પણ પાછળ શા માટે છે તેની ગંભીર ચર્ચા-વિચારણા થવી જોઈએ. નીતીશકુમાર 2024ની લોકસભા ચૂંટણી માટે જ્ઞાતિવાદનાં સમીકરણો સંતુલિત કરવા સાથે હિન્દી બેલ્ટમાં પોતાનું વ્યક્તિત્વ ગરીબોના મસીહા તરીકે ઉપસાવવાનો સભાનતાપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે અને એટલે જ તેઓ જ્ઞાતિવાદ આધારિત રાજકારણ ખેલી રહ્યા છે. ભવિષ્યમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પોતાનો દાવો પ્રસ્થાપિત થઈ શકે એ દિશામાં ગણતરીપૂર્વક પગલાં ભરી રહ્યાં છે. એક બાજુ અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી પરિબળ, તો બીજી બાજુ મુસ્લિમ વોટ બેન્ક પર કબજો જમાવવા માટેના નીતીશકુમારના પ્રયાસ ઊડીને આંખે વળગે છે. બિહારમાં મુસ્લિમોની વસ્તી 16 ટકા આસપાસ છે અને માટે જ નીતીશ લઘુમતીઓનાં કલ્યાણ માટે પણ ખાસ્સું બજેટ ફાળવી રહ્યા છે. નીતીશકુમાર સાચા અર્થમાં આ અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી અને મુસ્લિમ સમાજનું કલ્યાણ કરવા ઇચ્છે છે કે એક વોટ બેન્ક તરીકે તેઓનો ઉપયોગ કરીને લોકસભાની ચૂંટણીમાં ધાર્યું નિશાન પાર પાડવા માગે છે, એ તો આવનારો સમય કહેશે. એક વાત સ્પષ્ટ છે કે, નીતીશકુમારનું આ પગલું વી. પી. સિંહનાં મંડળ કમિશનની યાદ તાજી કરાવે છે. જોવાનું એ રહે છે કે, તેમનો જ્ઞાતિવાદ આધારિત નવો દાવ સવર્ણ વર્ગમાં બૂમરેંગ થાય છે? ભાજપ આ રાજકીય દાવને પહોંચી વળવા કોઈ નવી વ્યૂહરચના અપનાવશે બિહારનાં રાજકારણને દેશનાં અન્ય રાજ્યો અને રાષ્ટ્રીય રાજનીતિ અવગણી શકે નહીં. ભાજપની હિન્દુત્વની વોટ બેન્ક તોડવા નીતીશકુમારે અજમાવેલો આ દાવ સમાજને આડી અને ઊભી ધરીમાં વિભાજિત તો નહીં કરે એવો ભય પણ સતાવી રહ્યો છે.

Janmadin Vishesh Purti

Panchang