• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

અણદીઠેલી છતાં અગત્યની સર્કિટ... સિયોત, કટેશ્વર અને ગુનેરી

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : પ્રવાસ - પર્યટન માટે લોકો મોટાભાગે સગવડદાયી - ફેમસ સ્થાનો પર પસંદગી ઉતારતા હોય... શ્રદ્ધાળુઓમાં  માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર રૂટ ફેવરિટ છે, પણ તેની આજુબાજુએ કેટલાંય સ્થાનો છે, જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. માતાના મઢથી દસેક કિલોમીટર દયાપર આવે... લખપત તાલુકાનાં આ મુખ્ય મથક પછી ઘડુલીથી જમણે વળીએ એટલે સિયોત. સયોત એટલે પાસેનું કટેશ્વર મંદિર સંકુલ ધાર્મિક મહત્ત્વ  ઉપરાંત બૌદ્ધ ગુફાઓ માટે પ્રચલિત છે. કટેશ્વરમાં મહાકાળીનું મંદિર છે. એક સમયે પ્રાચીન બાંધણીનાં મંદિરો હતાં, જેનું પાંચેક વર્ષ પછી ભવ્ય સંકુલ અને રહેવા - ભોજન સહિતની સુવિધાઓ સાથે નવનિર્માણ થયું છે. એ ક્ષેત્રના જાણકાર વિશ્વનાથ જોશી કહે છે કે કટેશ્વર એક સમયે ચાવડા વંશની રાજધાની હતી. ચૈત્ર અને આસો નવરાત્રિ સામાન્ય રીતે નવ દિવસ ઊજવાતી હોય, પણ કટેશ્વર મહાકાળી મંદિરે તેની 14 દિવસ ઉજવણી થાય છે. આસપાસનાં સાત - આઠ ગામના ક્ષત્રિય સમાજ અને બીજા સમાજો ભેગા મળીને ઉજવણી કરે છે. કટેશ્વર પાછળ અડધા કિલોમીટરથી ઓછાં અંતરે બૌદ્ધ ગુફા આવેલી છે. ત્યાં પુરાતત્ત્વ ખાતાંનાં સાઇન બોર્ડ છે, પરંતુ માવજતને અભાવે ગુફા અવાવરુ પડી છે. ચામાચીડિયાંનો નિવાસ છે. ગુફાની બહાર રક્ષિત સ્થળ તરીકેનું બોર્ડ છે, તેનું લખાણ આ પ્રકારે છે : `શૈલ ગુફાઓ... આ સમૂહમાંની મુખ્ય ગુફામાં પૂર્વાભિમુખ ગર્ભગૃહ, પ્રદક્ષિણા પથ અને પરસાળ હોવાથી પહેલી કે બીજી સદીનું શિવમંદિર હોવાનો તેમજ એમાંથી મળેલાં બ્રાહ્મી લિપિનાં લખાણો અને મુદ્રા પરથી બૌદ્ધોએ એનો ઉપયોગ કર્યાનો નિર્દેશ મળે છે. અન્ય ગુફાઓ સાદી અને એક ખંડની છે. હ્યુ એન સંગની સાતમી સદીની પ્રવાસપોથીમાંથી મળતા નિર્દેશ મુજબ સિંધુ નદીનાં મુખ પાસેના પાંચેક માઇલનાં ક્ષેત્રમાં 80 ગુફાઓમાંની આ ગુફાઓ હોવાનો સંભવ છે. ગુફાઓથી થોડાંક અંતરે પ્રાથમિક સ્વરૂપની વાવ છે.' કટેશ્વરથી આગળ વધો એટલે સાંયરા અને પછી આવે ગુનેરી. ગુનેરી દુર્ગમ હોવા છતાં ધાર્મિક સ્થાન તરીકે ઊપસ્યું છે. અહીં ગુનેરીની 32 હેક્ટર જમીનને બાયોડાયવર્સિટી સાઇટ જાહેર કરાઇ છે. ગુનેરીની ગુફામાં શિવમંદિર ભાવિકોને આકર્ષી રહ્યું છે. ગુનેરીની વિશિષ્ટતા એ પણ છે કે અહીં સપાટ જમીન પર ચેરિયાં જોવા મળે છે. સામાન્ય રીતે ચેરિયાં - મેન્ગ્રુવ મુખ્યત્વે દરિયાકિનારે એવી જગ્યાએ થાય, જ્યાં 24 કલાકમાં એકવાર દરિયાનું પાણી આવ - જા કરતું હોય. અહીં એવું કંઇ જ નથી. સ્થાનિક લોકો ચેરિયાં ભૂમિની સુરક્ષા માટે સજાગ છે, એ આનંદની વાત છે. ગુનેરી એક સમયે નારાયણ સરોવરના  યાત્રિકોના માર્ગમાં  હતું. ઇતિહાસ કહે છે કે અહીં પુનરાજપીરદાદાના પરિવારે નારાયણ સરોવર - કોટેશ્વરના યાત્રિકોની ખૂબ સેવા કરી છે. ગુનેરીની પશ્ચિમે આવેલા ડુંગરની ધારમાં નિત્ય નિરંજન શિવગુફાઓ જોવા મળે છે. આ ગુફાઓનું નિર્માણ ઉદયનંદગિરિજીએ કરેલું છે. એ માટે તેમણે 12 વર્ષ સુધી જાતમહેનત કરી છે. ગુનેરીથી લખપત સરળતાથી પહોંચાય છે. સિયોત, કટેશ્વર, ગુનેરીની પટ્ટી દુર્ગમ હોવા છતાં તપસ્યાની ભૂમિ છે. અહીંની ટોપોગ્રાફી અદ્ભુત છે. સારા વરસાદમાં આખો પંથક લીલોછમ અને નિરાળો ભાસતો... હવે આ વખતે મેઘરાજાની અવકૃપા આખું કચ્છ ભોગવી રહ્યું છે. અહીંની બૌદ્ધ ગુફાઓ અચંબિત કરે તેવી છે. સેંકડો વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ ભારત ખંડ પર વર્તાતો હશે, ત્યારે સાધુઓ કચ્છની ધરતી પર વસવાટ કરતા હશે. તપશ્ચર્યા કરવા આવતા હશે... કેવી રોમાંચક કલ્પના... બુદ્ધ ધર્મ અને કચ્છ વિશે કચ્છમિત્રના એક દીપોત્સવી અંકમાં જગદીશચંદ્ર છાયાએ નોંધ્યું છે તે પ્રમાણે તિબેટીયનોનો મહાગ્રંથ છે `કંગરી કચ્છક', એના અમુક ઉલ્લેખ મુજબ કચ્છ બૌદ્ધ યાત્રાધામ હોવાનું સમજાય છે. નાડાપાઅંધૌને તેની સાથે સાંકળી શકાય. હ્યુ એન ત્સંગે કટેશ્વરમાં પાંચ હજાર બૌદ્ધ સાધુઓ હોવાનું નોંધ્યું છે. કચ્છમાં બૌદ્ધ ધર્મના અવશેષો જાળવણી માગે છે. કટેશ્વર, સિયોત, નાડાપા પાસેનાં સ્મારક રક્ષિતો જાહેર કરાયાં છે, પરંતુ તેની દુર્દશા જોતાં એવી ભીતિ લાગે છે કે કાળક્રમે નષ્ટ ન થઇ જાય... ગાંડા બાવળનું સામ્રાજ્ય અને પ્રાચીન સ્થળોનાં સ્થાપત્યો, દીવાલો, કોતરણી, ચિહ્નો પર પથ્થર કે બીજાં અણીદાર સાધનોથી પોતાનાં નામ કે લખાણ લખીને તેને નુકસાન પહોંચાડવાની પેરવી ગંભીર છે. કચ્છ પ્રવાસન ક્ષેત્રે વિકસી રહ્યું છે. લખપતને કેન્દ્રમાં રાખીને સિયોત - કટેશ્વર - ગુનેરી સર્કિટને ઉપસાવી શકાય... આવાં સ્થળો સુધી લોકો ઘણી સંખ્યામાં પહોંચશે તો વિકાસ ઝડપથી થશે. લખપત વિશે ફરી ક્યારેક. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd