નવી દિલ્હી, તા. 12 : અમેરિકન પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી છતાં બ્રિક્સ દેશોએ પોતાની કરન્સી (ચલણ)માં વેપાર વધારવા
તરફ મોટું પગલું ભર્યું છે. ભારતની આગેવાનીમાં મળેલી બ્રિક્સ દેશોના નાણામંત્રીઓ અને
કેન્દ્રીય બેન્કોના ગવર્નરોની બેઠકમાં તમામ સભ્ય દેશો વચ્ચે સ્થાનિક મુદ્રા (લોકલ કરન્સી)માં
જ લેણ-દેણ કરવા પર સહમતી સધાઈ છે. આ પગલાંથી અમેરિકન ડોલરના વર્ચસ્વ સામે મોટો પડકાર
ઊભો થઈ રહ્યો છે, જેનાથી ડોનાલ્ડ
ટ્રમ્પ સૌથી વધુ નારાજ થાય છે. બેઠક બાદ જાહેર કરાયેલાં સંયુક્ત નિવેદનમાં જણાવવામાં
આવ્યું છે કે, કઝાન અને રિયો ઘોષણાપત્રનાં માર્ગદર્શન હેઠળ ક્રોસ
બોર્ડર પેમેન્ટ સિસ્ટમ બનાવવા અને તેનો વ્યવહારુ ઉકેલ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ વ્યવસ્થા હેઠળ પેમેન્ટ અને મેસેજ મોકલવાનાં માધ્યમોને
એકબીજાના અનુકૂળ બનાવવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ બ્રિક્સ દેશોની સ્થાનિક
મુદ્રાઓનો ઉપયોગ કરીને વેપારના પેમેન્ટ અને રોકાણને પ્રોત્સાહન આપવા પર વિશેષ ચર્ચા
કરવામાં આવી છે. બ્રિક્સ દેશોએ આંતરરાષ્ટ્રીય
નાણાકીય સંસ્થાઓને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા પર ભાર મૂક્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી
ફંડ (ઈંખિ) અને વર્લ્ડ બેન્ક જેવી બ્રેટન વૂડ્સ સંસ્થાઓની વિશ્વસનીયતા વધારવા તથા તેમાં
તાત્કાલિક સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (ગઉઇ) દ્વારા સ્થાનિક મુદ્રામાં ફાયનાન્સિંગનો વિસ્તાર
કરવા અને સભ્ય દેશોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા
છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ બ્રિક્સ દેશો દ્વારા લોકલ કરન્સીમાં વેપાર કરવાની વાત પર
સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, જો કોઈ
દેશ ડોલરને પડકારવાનો પ્રયાસ કરશે તો તેના પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવામાં
આવશે. તેમ છતાં બ્રિક્સ દેશો દ્વારા ફરીથી લોકલ કરન્સીમાં કારોબારને આગળ વધારવાનો નિર્ણય
લેવાતાં ટ્રમ્પ માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે.