ભુજ/ગાંધીધામ, તા. 12 : કચ્છમાં અપમૃત્યુના
જુદા-જુદા બનાવોમાં પાંચ જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. ભુજમાં ટ્રકની ડીઝલ ટાંકીના વેલ્ડિંગ દરમ્યાન ટાંકી
ફાટતાં ગંભીર રીતે દાઝી ગયેલા 17 વર્ષીય નવયુવાન
તૌફિક ઈબ્રાહિમ પટેલનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, જ્યારે ધ્રબુડીના દરિયાકિનારે પૂજા કરવા ગયેલા
ગાંધીધામના 65 વર્ષીય વૃદ્ધ
નરેન્દ્રભાઈ ગોપાલજી પરમાર દરિયામાં તણાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું. ભુજમાં 51 વર્ષીય આધેડ અનિલભાઈ બાબુભાઈ
પુરોહિતે, જ્યારે અંજારના વરસામેડીમાં વિજય રામજી પટેલ
નામના શખ્સે ગળેફાંસો ખાઈ જીવ દીધા હતા. દરમ્યાન ગાંધીધામમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા
અજાણ્યા શખ્સનું મોત નીપજ્યું હતું. ગઈકાલે સાંજે ભુજમાં મહિન્દ્રા શો-રૂમ સામે સીતારા
ચોકમાં રહેતો યુવક તૌફિક પટેલ ટ્રક નં. જીજે-12-એઝેડ-0186ની ડીઝલની ટાંકી ખાલી કરાવીને
વેલ્ડિંગ કરતો હતો તે દરમ્યાન ડીઝલની ટાંકી ફાટતાં તેના બન્ને પગ તથા શરીરે ગંભીર રીતે
દાઝી ગયો હતો. આથી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતાં આજે તેણે હોસ્પિટલના
બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ
ધરી છે. ગાંધીધામના વૃદ્ધ નરેન્દ્રભાઈ પરમાર ગઈકાલે બપોરે 11.30થી 12 વાગ્યા દરમ્યાન માંડવી પાસેના
ધ્રબુડીના દરિયાકિનારે પૂજા કરવા ગયા હતા, જ્યાં તે દરિયામાં તણાઈ જતાં તેની લાશ મોઢવા બીચ પરથી મળી હતી. માંડવી મરીન
પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ ભુજના શક્તિનગર-બેમાં રહેતા અનિલભાઈ
પુરોહિતે ગઈકાલે બપોરે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પંખામાં રૂમાલ તથા શર્ટ બાંધી
ગળે ફાંસો ખાઈ લીધો હતો. પ્રથમ તેને ભુજની ખાનગી હોસ્પિટલ બાદ જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો
નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અંજારની
ગુજરાત કોલોનીમાં અકસ્માત મોતનો બનાવ ગત તા. 11ના સવારના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન વિજય પટેલે અગમ્ય કારણોસર ગળાફાંસો
ખાઈને મોતનો માર્ગ અપનાવ્યો હતો. બનાવ પછવાડેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગાંધીધામ-ભચાઉ હાઈવે ઉપર એ.વી. જોષી હાઈવે
સામે અજાણ્યો ઈસમ ગત સાંજે પાંચ વાગ્યાના અરસામાં મૃત હાલતમાં મળી
આવ્યો હતો. તેને સારવાર માટે 108 દ્વારા રામબાગ લઈ જવાયા હતા,
પરંતુ સારવાર દરમ્યાન અજ્ઞાત શખ્સે દમ તોડી દીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.