ભુજ, તા. 12 : શનિવારે કચ્છની તમામ અદાલતમાં
યોજાયેલી રાષ્ટ્રીય લોકઅદાલતમાં 26.65 કરોડનું વળતર
ચૂકવાયું હતું, તો 10,491 કેસનો નિકાલ કરાયો હતો, જ્યારે ફેમિલી લોકઅદાલતમાં 11 દંપતી વચ્ચે સમાધાન થયું હતું.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ
મુખ્ય જિલ્લા ન્યાયધીશ દિલીપ મહિડાની રાહબરી હેઠળ સમગ્ર કચ્છ જિલ્લામાં પ751 પ્રિ-લિટીગેશન, 1170 સમાધાનલાયક
કેસ અને સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગમાં કુલ 3570 કેસ એમ કુલ 10,491 કેસનો નિકાલ કરાયો હતો અને 26.65 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કચ્છની તમામ ફેમિલી
કોર્ટમાં મૂકવામાં આવેલા 219 કેસ પૈકી
148 કેસનો સમાધાન રાહે નિકાલ કરાયો
હતે. આ રાષ્ટ્રીય લોકઅદાલતમાં અકસ્માત વળતરના કેસમાં કોર્ટ અરજદાર તરફેના વકીલ જી.એન.
ઝવેરી તથા ઇન્સ્યોરન્સ કંપનીના વકીલ અજય સાહેદાણી તેમજ અધિકારી દીપભાઈ દવેના સફળ પ્રયાસો
દ્વારા પક્ષકાર તથા ગો ડિજિટ ઈન્સ્યુરન્સ કંપની વચ્ચે સમાધાન બાદ અરજદારને રૂા. 1.30 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું
હતું, તો અકસ્માત વળતરના અન્ય કેસમાં વકીલ એમ.બી.
ખટાણા તથા ઇન્સ્યોરન્સ કંપનીના વકીલ અજય સાહેદાણી તેમજ અધિકારી જિજ્ઞેશભાઈ રાવલના પ્રયાસો
દ્વારા પક્ષકાર તથા TATA AIG GENERAL ઈન્સ્યુરન્સ કંપની વચ્ચે સફળ સમાધાન બાદ અરજદારને રૂા. 58 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું
હતું. બીજીતરફ ફેમિલી કોર્ટમાં આજના દિવસે કુલ 11 દંપતી વચ્ચે સુખદ સમાધાન થયું અને લગ્નજીવન તૂટતાં બચી ગયા તથા
એક કેસમાં બાળકની કસ્ટડી અંતર્ગતના કેસમાં બાળકની પિતા સાથેની મુલાકાત બાબતે પણ સુખદ
સમાધાન કરવામાં આવ્યું હતું. આ લોકઅદાલતને સફળ બનાવવામાં જિલ્લાના તમામ ન્યાયાધીશો
દ્વારા લગ્ન વિષયક, ચેક બાઉન્સ,
સિવિલ દાવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો તથા અન્ય
સમાધાનલાયક કેસોમાં અગાઉથી જ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી અને કેસોના નિકાલની કાર્યવાહીઓ
કરવામાં આવી હતી. આ તબક્કે લોકઅદાલતની સફળતા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના
સચિવ અને સિનિયર સિવિલ જજ એ.એમ. પાટડિયાએ ન્યાયાલયના
કર્મચારીઓ, તમામ સ્ટેક હોલ્ડર્સનો તથા વકીલોનો આભાર વ્યક્ત કર્યો
હતો. - ત્રણ સંતાન
ધરાવતા દંપતી વચ્ચે સમાધાન : ભુજ,
તા. 12 : આજે કચ્છભરમાં
યોજાયેલી ફેમિલી લોક અદાલત પૈકી ભુજમાં ત્રણ સંતાન ધરાવતા દંપતી વચ્ચે સમાધાન કરાવી
તૂટતા લગ્નજીવનને બચાવાયું હતું. આ કેસમાં સોળ વર્ષનું લગ્નજીવન ધરાવતા અને ત્રણ સંતાનના
(બંને નોકરી કરતા) માતા-પિતા વચ્ચે નાની મોટી બાબતે મનભેદ અને મતભેદ બાદ ભુજની ફેમિલી
કોર્ટમાં નિવારણ લાવવા કેસ દાખલ કરાયો હતો. આ કેસમાં પ્રિન્સિપાલ જજ જે. એ. ઠક્કરના
માર્ગદર્શન હેઠળ વકીલ એન. આર. સીજુ અને કાઉન્સેલર
દિપ્તીબેન અજાણીએ કાઉન્સેલિંગ દ્વારા બંને પક્ષકારોને પોતાનું લગ્નજીવન પુન: શરૂ કરવા
સમજ આપતાં સુખદ સમાધાન થયું હતું.