વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત પછી એક શબ્દ માધ્યમોમાં
રમી રહ્યો છે : રેમ્પવોક રાજનીતિ. સરકારથી નવી પેઢીની નારાજગી દૂર કરવા માટે હવે વડાપ્રધાન
તેમની સાથે તેમની ભાષા-પરિભાષામાં વાત કરી રહ્યા છે,
વર્તી રહ્યા છે, તેમાં કોઈ પર્દાદારી નથી. ઈન્સ્ટાગ્રામ
ઉપર સંદેશા પાઠવવાથી લઈને દરેક પગલાં તે સતર્કતા છે કે યુવાનો નારાજ ન થાય,
થયા હોય તો નારાજ ન રહે. વડાપ્રધાને વડોદરામાં લોકોનું અભિવાદન વિશાળ
મંચ ઉપરથી ઝીલવાના વિકલ્પે `રેમ્પવોક' કર્યું. સમયને પારખવાનું, લોકોની
નાડ પારખવાનું કૌશલ્ય અહીં પ્રતાબિંબિત થયાનું અનેક લોકોને લાગ્યું છે. યુવાનો વડાપ્રધાનને
જોઈને ભાવવિભોર થયા તેના વીડિયો-ફોટો પણ મહત્તમ લોકો સુધી પહોંચ્યા. જેમને ટીકા કરવી
છે તેમને તો આમાંથી પણ મુદ્દા મળી રહેશે. તેઓ તો કહેશે રાજકારણનું મનોરંજન છે આ,
પરંતુ એવું નથી, આ એક પ્રકારે મનોમંથન છે. વડોદરા
અને નવસારીની વડાપ્રધાનની મુલાકાત પછી કેટલીક બાબતો ઊભરી છે તે એ છે કે તેમણે યુવાનોને
દેશના વિકાસની સ્થિતિ અને ગતિથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ અને વડાપ્રધાનની
સ્વાભાવિક ચિંતા એ છે કે, પરીક્ષા, પેપરલીક
જેવા મુદ્દે યુવાનોની જે મન:સ્થિતિ છે તેનો ગેરલાભ વિપક્ષો લઈ ન જાય. નારાજગી વિરોધમાં
અને વિરોધ વિદ્રોહમાં પરિવર્તિત ન થાય તે જરૂરી છે. રાષ્ટ્રના સંદર્ભે ભવિષ્યમાં ભાજપના જે કંઈ પણ `આયોજન'
છે તેને પૂરા કરવા, પાર પાડવા માટે યુવા પેઢીની
જરૂર તેને પડવાની. વડાપ્રધાને યુવાનોને આકર્ષે તે રીતે ધુરંધરના ગીતથી પ્રવેશ કર્યો
તે સપાટી ઉપરની વાત છે. તેમણે નવસારીમાં કહ્યું કે, `માવા-ફાકીની આદત છોડી દો.' આ વાતમાં તેમણે સંદર્ભ સૌરાષ્ટ્રનો આપ્યો અને
ગંદકી ન કરવી તે પણ રાષ્ટ્રપ્રેમ છે તેવો સંકેત આપ્યો. તેમણે કહ્યું, `ભારત માતા કી જય બોલે અને પછી પાનની પિચકારી
મારે...' સ્વચ્છતા વિશે તેમણે યુવાનોને જાગૃત થવા કહ્યું.
કોંગ્રેસની સરકાર 10 વર્ષમાં 50,000 ટોયલેટ બનાવી શકી નહીં તેવું
કહીને તેમણે વર્તમાન સરકારની વિકાસલક્ષી રાજનીતિનો નિર્દેશ યુવાનો સમક્ષ કર્યો. યુવાનોના
સમૂહ સહિત મેદનીને સંબોધતાં વડાપ્રધાને રેલવે કોચની વાત પણ કરી અને ગતિશક્તિ યુનિવર્સિટીનું
લોકાર્પણ પણ કર્યું. જેન-ઝી સાથે વડાપ્રધાનને નિકટતાભર્યો સંબંધ છે તેવા સંકેતો સ્થાપિત
થયા. રેમ્પવોક કર્યું તેમાં વાંધો ન હોય અને યુવાનોને વિકાસની વાત કરી તે પણ આવશ્યક
છે. દેશની ગતિવિધિથી તેઓ અવગત રહે, કારકિર્દીની સાથે વિકાસ અંગે જાણે તે દૃષ્ટિકોણ રહ્યો હોય, પરંતુ પેપરલીક, સ્પર્ધાત્મક પરીક્ષાઓના સુધારનો અમલ,
રોજગારીની ખાતરી, યુવાનોને સુરક્ષિત સામાજિક અને
વ્યાવસાયિક ભવિષ્યની ગેરેન્ટી તે સૌથી અગત્યની બાબત છે. વડાપ્રધાને નવી પેઢીને પસવારતાં
એવી હૈયાધારણ આપવા પ્રયત્ન કર્યો છે કે, સરકાર તેમના માટે ચિંતિત છે.