ભુજ, તા. 12 : સાંઘીપુરમમાં થયેલી સામૂહિક
ઘરફોડીનો બનાવ હજુ તાજો જ છે ત્યાં અબડાસાના કોઠારાની સોસાયટીમાં બે ભાઇનાં ઘરમાંથી
રૂા. 9.90 લાખના રોકડ-દાગીનાની ચોરી થયાનું
સામે આવ્યું છે અને કાકાનાં ઘરનાં તાળાં તૂટયાં હતાં. આ ચોરી અંગે ગઇકાલે કોઠારા પોલીસ
મથકે, મૂળ અરજણપરના હાલે સિલ્વર પાર્ક સોસાયટી,
કોઠારા રહેતા મીનેશભાઇ મણિલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 7-9ના તે તથા તેના બે પુત્ર ઇન્દોરના
કાર્યક્રમમાં જવા નીકળ્યા હતા અને ગાંધીધામથી ભાઇ સુધીરને પણ સાથે લેતા ગયા હતા. સુધીરભાઇ
બાજુમાં જ સાથે તથા ધંધાર્થે ભચાઉ પરિવાર જોડે રહે છે. ગત તા. 11-9ના અમે પરત ટ્રેનથી આવી રહ્યા
હતા. ત્યારે પત્ની મધુબેનનો ફોન આવ્યો અને જણાવ્યું કે, રાત્રે અમે જમીને સૂઇ ગયા બાદ આજે સવારે છ વાગ્યે
ઊઠયા ત્યારે કોઇક આગળનો દરવાજો બંધ કરી ગયા હતા. પાછળના દરવાજેથી બહાર આવી બીજા રૂમોમાં
જોતાં તેના નકૂચા તૂટેલા અને સામાન વેર-વિખેર પડયો હતો. સુધીરભાઇના મકાનના દરવાજાના
નકૂચા તૂટેલા અને સામાન વેર-વિખેર છે. ચંદુકાકાના દીકરા અમિતના રૂમનો પણ દરવાજો ખુલ્લો
છે, તિજોરી ખૂલી છે, સામાન પલંગ પર પડયો
છે. રાત્રે મકાનોમાં ચોરી થઇ છે, ઘરે જલદી આવો. સાંજે સુધીરના
પત્ની ઉષાબેનને સાથે લઇ ઘરે આવી તપાસ કરતાં ફરિયાદના મકાનમાંથી રોકડા રૂા. 1,30,000 ચોરી થયાનું જણાયું છે અને
સુધીરભાઇના મકાનમાં તિજોરીમાં રાખેલા સોનાનું મંગળસૂત્ર મોટું 4.5 તોલા કિં. રૂા. 1,35,000, મંગળસૂત્ર નાનું 2.5 તોલા કિં. રૂા. 75,000, સોનાંનો હાર- બૂટી સહિત 5.5 તોલા કિં. રૂા. 1,65,000, સોનાંની મોટી ચેઇન 2.5 તોલા કિં. રૂા. 77,500, નાની ચેઇન એક તોલાની કિં. રૂા.
67,500, સોનાંના બે પેંડલ બે તોલાના
કિં. રૂા. 57,000, સોનાંનું બ્રેસલેટ 1.5 તોલા કિં. રૂા. 40,000, કાનની બે શર એક તોલાની કિં.
રૂા. 26,400, કાનની બૂટી નંગ-4 જે બે તોલાની કિં. રૂા. 52,000, એક -એક ગ્રામના સોનાંના છ બિસ્કિટ
આશરે કિં. રૂા. 30,000 તથા
ચાંદીના પાયલ, વીંટી, કંદોરા એમ ચાંદીના દાથીના આશરે એક કિલો કિં. રૂા. 36000 તથા રોકડ રૂા. 75,000ની ચોરી થઇ હતી. દાગીનાની કિંમતો
ખરીદકિંમત દર્શાવાઇ છે. ચંદુકાકાના દીકરા અમિતનો રૂમ તપાસતાં તેમાં સામાન વેર-વિખેર
હતો, પણ કોઇ વસ્તુની ચોરી ન થયાનું ફરિયાદમાં લખાવાયું
છે. આમ કુલે રૂા. 9,90,400ના
મુદ્દામાલની ચોરીની ફરિયાદ કોઠારા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ નોંધી તપાસ હાથ ધરી છે.