સંપાદકીય.. : કુન્દન વ્યાસ : આખરે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્રના રાજીનામાથી વિદ્યાર્થી
આંદોલન સમાપ્ત થયાની જાહેરાતથી નવી દિલ્હી જ નહીં,
સમગ્ર દેશવાસીઓ રાહતનો શ્વાસ લઈ શકશે પણ રાજીનામાના મૂળમાં રાજકારણ છે
અને રાજીનામા પછી રાજકારણનો બીજો અધ્યાય શરૂ થશે એમ લાગે છે. આવતીકાલે - સોમવારે સંસદની
બેઠક મળે ત્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિજયનો યશ લઈને મોદી સરકાર ઉપર ટીકા પ્રહાર
કરશે, હર્ષોલ્લાસ ગાજશે. કૃષિ કાયદા પછી મોદી સરકારની આ બીજી
પીછેહઠ થઈ છે તેને લોકશાહીનો વિજય ગણવો જોઈએ, ટોળાશાહીનો નહીં.
વિદ્યાર્થી નેતાઓ પણ વિજયનો ઉન્માદ નહીં, સંયમ જાળવે તો લોકશાહીની
ગરિમા વધશે. વિદ્યાર્થીઓની મુખ્ય માગણી શિક્ષણપ્રધાનના રાજીનામાની હતી. આ ઉપરાંત નીટ
પરીક્ષાની ગરબડ અને ભ્રષ્ટાચારના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને આર્થિક
વળતર - નિયમ અને ધારાધોરણ મુજબ આપવાની માગણીનો સ્વીકાર થયો છે. ત્રીજી માગણી જે વિદ્યાર્થીઓ
સામે પોલીસે એફઆઇઆર દાખલ કરી હોય તે તમામ રદ થશે અને ભવિષ્યમાં પણ જૂના કેસ ઉખેળીને
કાર્યવાહી નહીં થાય. આ માગણી સ્વીકારવામાં આવી છે પણ હકીકતમાં વિરોધ પ્રદર્શનોની ઘટનામાં
કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી. થઈ નથી. ભૂલી જાવ અને લહેર કરો. સમાધાન થયા પછી શિક્ષણ
સુધારા પારદર્શી થાય અને તાત્કાલિક અમલ શરૂ થાય
એવી માગણી થઈ છે પણ વડા પ્રધાને કાનૂની અને શાસકીય સુધારાની જાહેરાત કરી છે.
હવે સંસદમાં વિનાવિલંબે અને વિનાવિરોધે મંજૂરી મળવી જોઈએ. લોકતંત્રમાં `જવાબદારી' - હિસાબદારી હોવી જોઈએ. વિપક્ષ - વિરોધનો સૂર
સાંભળવો જોઈએ તે વાત સાચી, સ્વીકાર્ય છે પણ લોકતંત્રમાં વિપક્ષ
પણ જવાબદાર હોવો જોઈએ. માત્ર રાજકારણ નહીં, સત્તાકારણ નહીં,
રાષ્ટ્રકારણ સુપ્રીમ હોવું જોઈએ. વિદ્યાર્થી વિજયને આવકારવો જોઈએ - પણ
આંદોલન લોકશાહીનું ઘર - સંસદ ભાળી જાય નહીં - બરબાદ કરે નહીં તેની સાવધાની પણ રાખવી
જોઈએ. વિદ્યાર્થીઓને કાનૂનથી મુક્તિ મળશે પણ જે પોલીસ કર્મીઓ ફરજ ઉપર હતા અને હિંસાનો
ભોગ - શિકાર બન્યા તેમને ન્યાય મળશે? વિદ્યાર્થી આંદોલનની આગેવાની
લેવા અમેરિકાથી અભિજિત દીપકે આવ્યા પછી રાજકીય નેતાઓ ચોંકી ઊઠયા - અને સક્રિય બન્યા.
રાહુલ ગાંધીને આગેવાનીનો અવસર મળ્યો અને એમણે ઝડપી લીધો. શિક્ષણપ્રધાનનું રાજીનામું
તો ઠીક, વડા પ્રધાન વિદ્યાર્થીઓની માફી માગે એવી માગણી કરીને
આંદોલનને પોરો ચડાવ્યો. રાજકીય ધાકધમકીના કારણે સમાધાન થયું - કે અથવા સમાધાનમાં વિલંબ
થયો - તે વિચારવાનો વિષય છે. આંદોલનમાં સમાજવિરોધી તત્ત્વો ભળ્યાં અને અભદ્ર ભાષા તથા
વર્તનનું પ્રદર્શન થયું. હવે વિદ્યાર્થી નેતાઓ પણ સ્વીકારે છે કે ખોટું થયું છે. આંદોલનની
ઘટનાની તલસ્પર્શી તપાસ કરવાની માગણી થઈ છે અને થવી જ જોઈએ. વિદેશી હાથ અને નાણાંનાં
મૂળ પણ પકડવા જોઈએ. નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ઘટનાઓનું
`ઍક્શન રિપ્લે' ભારતમાં કરવાનાં કાવતરાં પાછળ કોનો હાથ છે તેની
ચર્ચા થાય છે પણ હવે તે `હાથ' ઉઘાડો પાડવાનો સમય પાકી ગયો છે. ભારતની લોકશાહીને
બદનામ અને નિષ્ફળ હોવાનો પ્રચાર કરતા નેતાઓ અરાજકતાના પુરસ્કર્તા છે? આંદોલનના રાજકીય નેતાઓએ `સડક સે સંસદ તક'નું સૂત્ર પોકાર્યું. સંસદ કરતાં હવે શેરીનું શાસન લાવવું છે? સુશિક્ષિત વિદ્યાર્થી નેતાઓએ ભારતની એકતા અને વિકાસના શત્રુઓની જાળ સામે સાવધાન
રહેવું પડશે. યુવાશક્તિ જાગી છે તો ભારતના વિકાસમાં ભાગીદાર, સહયાત્રી બને, નૂતન ભારતની શક્તિ બને એવી આશા રાખીએ.