ભુજ, તા. 25 : હવામાન વિભાગે કચ્છમાં ભારે
વરસાદની કરેલી આગાહી વચ્ચે ગતરાત્રિથી આજે સાંજ સુધી જિલ્લામાં વરસાદે પોતાની સાર્વત્રિક
હાજરી પૂરાવી હતી. શુક્રવારે વાગડ વિસ્તારમાં 4થી 7 ઈંચની મેઘવૃષ્ટિ
થયા બાદ રાત્રિ દરમિયાન મેઘરાજાએ પશ્ચિમ કચ્છ પર અમીદૃષ્ટિ કરી હતી. રાત્રિ દરમિયાન
નખત્રાણામાં પોણા ત્રણ, ભુજ-લખપતમાં
બે, માંડવીમાં દોઢ, અંજાર, અબડાસા અને મુંદરામાં એક-એક, તો ગાંધીધામ-ભચાઉમાં અડધો
ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે દિવસ દરમિયાન ભુજમાં વધુ અડધો ઈંચ, તો લખપત-ગાંધીધામ-અંજારમાં ઝાપટાં પડયાં હતાં. વિશેષ રીતે પશ્ચિમ કચ્છમાં વાવણીલાયક
વરસાદ વરસતાં ધરતીપુત્રો હરખાયા હતા. જો કે, બપોર બાદ જિલ્લાના
મોટાભાગના વિસ્તારમાં વરસાદી વિરામની સ્થિતિ જોવા મળી હતી. પવનનાં કારણે કેટલાક સ્થળે
વૃક્ષો, વીજ થાંભલા ધરાશાયી થયાના બનાવ બન્યા હતા. ઉખેડામાં વરસાદી
વહેણમાં બાઈક તણાતાં તેમાં સવાર ત્રણ લોકોને બચાવાયા હતા. - મોટા બંધમાં પાણીની આવ : ભુજમાં ગઈકાલે
દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યા બાદ રાત્રિના અગિયાર વાગ્યે પવન અને ગાજવીજ સાથે તોફાની
વરસાદ વરસવો શરૂ થયો હતો. પરોઢે ચારેક વાગ્યા સુધી કયાંક ધીમો તો કયાંક તેજ ગતિએ વરસાદ
જામી રહેતાં પોણા બે ઈંચ જેટલી મેઘકૃપા વરસી હતી. રાત્રિના ભાગે તોફાની વરસાદનાં પગલે
માર્ગો પર પાણી વહેતાં થયાં હતાં. જ્યુબિલી સર્કલ,
વોકળા ફળિયાં, બસ સ્ટેશન રોડ, મહેરઅલી ચોક, હિલગાર્ડન ત્રણ રસ્તા સહિતના મુખ્ય માર્ગો
પર જળભરાવ થયો હતો. થોડા કલાકોના વિરામ પછી સવારે અગિયાર વાગ્યા આસપાસ પુન: એકવાર ઘેરાયેલાં
વાદળો ઝાપટાં રૂપે વરસતાં વધુ અડધો ઈંચ સાથે જિલ્લા મથકે સવા બે ઈંચ જેટલો વરસાદ વરસતાં
માહોલમાં ઠંડક પ્રસરી હતી. રાત્રે વરસાદે ગિયર બદલતાં ધીમીધારનો વરસાદ ધોધમારમાં પરિવર્તિત
થયો હતો. લોકોએ સિઝનના આ પહેલા વરસાદની મોજ માણી હતી. ભારે વરસાદની આગાહીનાં પગલે શહેરની
શાળા-કોલેજમાં છાત્રોને વહેલી રજા આપી દેવામાં આવી હતી. ઉપરવાસમાં સારા વરસાદનાં કારણે
શહેરની શોભા એવા હમીરસર તળાવમાં પાણી ઠાલવતાં મોટા બંધમાં ધીમીધારે પાણીની આવક શરૂ
થઈ હતી. વાતાવરણ ઘેરાયેલું રહેતાં રાત્રિ દરમિયાન વધુ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત
કરાઈ હતી. ભુજ તાલુકાના દહીંસરા અને આસપાસ બપોરે 12થી સાડાબારના અડધા કલાકમાં અડધો ઈંચ પાણી
પડયું હતું. ચુનડી, પુનડી,
ધુણઈ, સરલી, ગોડપર,
મેઘપરથી આવા જ વરસાદની માહિતી મળી છે. - માધાપરમાં પાણી ભરાયાં : પાટનગર ભુજની ભાગોળે ટ્રાન્સપોર્ટ નગર તરીકે જાણીતા માધાપર ધોરીમાર્ગે
છેલ્લા બે દિવસથી ધીમીધારે અને ઝાપટાં સ્વરૂપે પડી રહેલા વરસાદનાં કારણે નળવાળા સર્કલ
પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહ્યા પછી નવા બનેલા ગણેશકાંટા સર્કલ પાસે
પણ પાણી ભરાયાં છે. નવા માર્ગે વળાંક પાસે ભરાયેલાં પાણીથી વાહનચાલકોએ પરેશાની ભોગવી
છે. ટ્રકમાલિકો પોતાના કિંમતી સામાનને તાડપત્રી ઢાંકવામાં વ્યસ્ત બન્યા હતા. પુષ્ય
નક્ષત્રમાં જિલ્લામાં મેઘસવારી વરસતાં પાછોતરો વરસાદ સારો પડવાની આશા વધુ બળવતર બની
છે. નખત્રાણા તાલુકામાં રાત્રિ દરમિયાન બેથી ચાર ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો.
વાવણીલાયક વરસાદથી પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસ ઊગી નીકળશે તેવી આશા ખેડૂતો અને
પશુપાલકોએ વ્યક્ત કરી હતી. સરહદી લખપત તાલુકામાં અડધાથી બે ઈંચ જેટલી નોંધપાત્ર મેઘકૃપા
વરસતાં હવે ખેડૂતો વાવણીનાં મંડાણ કરી શકશે. મધરાત્રિથી પરોઢ સુધી ચાલેલી આ મેઘસવારીએ
તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં વત્તી-ઓછી મહેર વરસાવી લોકોનાં હૈયાં પુલકિત કર્યાં
હતાં. માંડવી શહેર અને તાલુકામાં સવા ઈંચ જેટલો વરસાદ પડતાં કૃષિકારો - માલધારીઓના
જીવમાં જીવ આવ્યો છે. આ તરફ અબડાસા તાલુકાનાં 100થી વધુ ગામમાં મધરાત્રે - અડધાથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. : તો ભુજ તાલુકાના
સરહદી પચ્છમનાં ગામોમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસતાં માલધારી વર્ગની ચિંતા હળવી
થશે તેવી આશા વધુ બળવતર બની છે. - અંજાર શહેર-તાલુકામાં
હળવાં ઝાપટાં : શહેરમાં ગઈકાલ બાદ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટાંથી માત્ર 1 એમ.એમ. વરસાદ નોંધાયો હતો. અગાઉના 55 એમ.એમ. સાથે સિઝનનો વરસાદ 56 એમ.એમ. નોંધાયો છે. ગતરાત્રિએ
ઝાપટાં સ્વરૂપે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગઈકાલે થયેલ વરસાદને કારણે
અંજારથી આદિપુર જતા તોરલ સરોવર પાસે રોડની બંને બાજુ પાણી ભરાયાં હતાં. નયા અંજાર વિસ્તારમાં
એસ.ટી. બસ સ્ટેશન તેમજ ગાયત્રી ચાર રસ્તાથી દેવનગર સોસાયટી સુધીનો રસ્તો ખોદાયા બાદ
રોડ ન બનતાં ચીકણી માટીમાં અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. શહેરની મુખ્ય શાક માર્કેટમાં
પણ કીચડ થતાં લોકોને પારાવાર મુશ્કેલી ઊભી થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા-ભારે
ઝાપટાં સ્વરૂપે વરસાદે હાજરી પુરાવી હતી. - પદ્ધર-કાળી તળાવડી : કોટડા ચકારથી રફીક ચાકીના
જણાવ્યા પ્રમાણે ગઈ રાત્રિથી ભુજ તાલુકાના પદ્ધર,
કાળી તળાવડી સહિત આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો,
જે આજે સવાર સુધી ચાલુ રહ્યો હતો. રસ્તા પરથી પાણી વહી નીકળ્યાં હતાં.
સવારે વરસાદ બંધ થયા બાદ સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું
હતું. વરસાદી માહોલ છતાં વધુ વરસાદ ન વરસતાં ખેડૂતપુત્રો અને માલધારીઓ આશાભરી નજરે
આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાની રાહ જોતા રહ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વાવણીલાયક
સારો વરસાદ વરસશે તો કપાસ, મગફળી અને એરંડા જેવા પાકોનાં વાવેતરને
વેગ મળશે. બીજી તરફ લાંબા સમયથી ઘાસચારાની અછતનો સામનો કરી રહેલા માલધારીઓને પણ સારા
વરસાદથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.