• રવિવાર, 26 જુલાઈ, 2026

સંભવિત ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

ભુજ, તા. 25 : કચ્છ જિલ્લામાં વરસાદી મોસમનાં મંડાણ થયાં છે. હવામાન વિભાગે 24 કલાકની આગાહી છે, ત્યારે જિલ્લાના નાગરિકોને નદી, નાળાં, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવાં સ્થળોએ ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ અનુરોધ કર્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું કે, જિલ્લામાં ફ્લેશ ફ્લડ એટલે કે, ઓછા સમયમાં ભારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થાય તેવી આગાહી છે. ખાસ કરીને રાપર, ભચાઉ, માંડવી, મુંદરા, ભુજ, અંજાર તેમજ ગાંધીધામ વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે ડેમ, નાળાં, નદી અને જળાશયો નજીક ન જવા અને બાળકોનું પણ ધ્યાન રાખી અકસ્માત નિવારવા નાગરિકોને સર્તક રહેવા અપીલ કરી છે. કચ્છમાં વરસાદી માહોલનાં કારણે સર્જાયેલી સ્થિતિ પર જિલ્લા તથા તાલુકા કંટ્રોલ રૂમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તાલુકાથી જિલ્લા સુધી તમામ સ્તરે રાઉન્ડ ધી ક્લોક સંદેશાવ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં ભુજ એન.ડી.આર.એફ.ની એક ટુકડી મૂકવામાં આવી છે, જરૂર પડશે તો વધુ ટુકડીઓ બોલાવવામાં આવશે. કલેક્ટરની કચેરી ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત-બચાવ કામગીરી, રોડ- રસ્તાઓને અસર, ડેમનું જળસ્તર, વીજ પુરવઠો, સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોનાં હિતમાં રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. - તમામ તંત્રોને સતર્ક રહેવા તાકીદ : જિલ્લા સેવા સદન ખાતે ભારે વરસાદની આગાહીનાં પગલે વહીવટી તંત્રની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરે બેઠક બોલાવી હતી.  કલેક્ટરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદાર સાથે વાત કરીને વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. કલેક્ટરે સરહદી વિસ્તાર સહિત તમામ તાલુકામાં અતિભારે વરસાદની સંભાવનાનાં પગલે આગોતરું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. રૂટીન કામગીરીમાં ડિ-વોટરિંગ, ટ્રી-ટ્રીમિંગ, પ્રવાસી સ્થળોને બંધ કરાવવા, રોડ રિસ્ટોરેશનની યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવા સહિતનું સૂચન કરાયું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, અધિક કલેક્ટર પ્રણવ વીઠાણી, ડિઝાસ્ટર મામલતદાર પ્રકાશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. - 108 સેવા એલર્ટ મોડમાં : ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સમાં પૂરતાં પ્રમાણમાં એન્ટિ સ્નેક ઇન્જેક્શનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, પ્રસૂતિ કિટ, ઈમર્જન્સી દવાઓ અને ઓક્સિજન સહિત ડીઝલના પૂરતા જથ્થા અંગે પુષ્ટિ કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને કારણે દરેક કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે અને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ હાઈએલર્ટ મોડ ઉપર મોકલવામાં આવી છે. ભારે વરસાદની આગાહીની પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં જે પ્રસૂતાઓની પ્રસૂતિની તારીખ નજીક છે, તેઓનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવ્યો છે. ઇમર્જન્સીની સ્થિતિ સર્જાય તો આરોગ્ય વિભાગ તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવા સજ્જ છે. - રાપર તથા નખત્રાણા તાલુકામાં ત્રણ રસ્તા વાહનવ્યવહાર માટે બંધ : માર્ગ-મકાન વિભાગ દ્વારા નાગરિકોની સલામતી હેતુ રાપરનો જાટાવાડા-જીલારવાંઢ રોડ તથા બેલા-સુકનાવાંઢ રોડ બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ઉપરથી પાણી ઓવરટાપિંગ થવાનાં કારણે જ્યાં સુધી સ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી નાગરિકો બંધ કરાયેલા રસ્તાના વિકલ્પમાં આંતરિક કાચા  રસ્તાનો ઉપયોગ કરી શકશે. નખત્રાણા તાલુકામાં વેડહાર- ફુલાય રોડને બંધ કરવામાં આવતાં નાગરિકો વૈકલ્પિક રસ્તા તરીકે ફુલાય-અજુરિયાવાંઢ- મોતીચૂર રોડનો ઉપયોગ કરી શકશે. - નાગરિકો માટે સલામતી અંગેની માર્ગદર્શિકા જાહેર : વર્તમાન સમયમાં વરસાદી ઋતુ અને ભારે વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સલામતી અને સૂચિત કાર્યવાહી માટે માર્ગદર્શિકા જારી કરાઈ છે. બિનજરૂરી મુસાફરી ટાળવા, પૂરગ્રસ્ત અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા, નદી, નાળાં અને પાણીના સ્રોતોથી દૂર રહેવા, વૃક્ષોની નીચે, વીજપોલની નજીક અથવા અસ્થિર ઈમારતો / માળખાં નીચે આશરો ન લેવા, ખેડૂતોએ ખેતરોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા, પાક, પશુધન અને ખેતીનાં સાધનોનું રક્ષણ કરવા સહિતની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું છે. 

Panchang

dd