અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં ચોમાસાની સિઝને પચાસ ટકાની ઓવરક્રોસ
લાઇન વટાવી દીધી છે. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બાટિંગ વચ્ચે રાજ્યના 21 ડેમો હાઇઍલર્ટ પર છે. જ્યારે
અનેક રોડ-રસ્તા બંધ થયા છે. અવિરત વરસાદના કારણે નવસારી, વલસાડ સહિત અનેક જગ્યાએથી 40 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં
આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના રિપોર્ટ મુજબ સ્ટેટ હાઇવે, પંચાયત અને અન્ય મળી કુલ 648 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ
કરવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 2,30,289 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ ક્ષમતાના 68.93 ટકા છે. આ સિવાય રાજ્યના અન્ય
206 જળાશયોમાં 44.82 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો
છે. ભારે આવકના પગલે 14 ડેમ 100 ટકા ભરાઈ જતાં 21 ડેમોને હાઇ ઍલર્ટ, 4 ડેમોને ઍલર્ટ
અને 14 ડેમોને વોર્નિંગ પર રાખવામાં
આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ
76.39 ટકા (1177.98 મિ.મી.) વરસાદ નોંધાઈ ચૂક્યો
છે. સૌરાષ્ટ્રમાં 43.33 ટકા અને પૂર્વ-મધ્ય
ગુજરાતમાં 43.21 ટકા વરસાદ થયો છે. જ્યારે ઉત્તર
ગુજરાતમાં 254.88 મિ.મી. સાથે 34.90 ટકા અને કચ્છ રીજિયનમાં 92.90 મિ.મી. સાથે સૌથી ઓછો 18% વરસાદ જ નોંધાયો છે. પૂર અને
ભારે વરસાદની કટોકટીભરી સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી
હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન રાજ્યમાંથી અત્યાર સુધીમાં કુલ 40,675 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
કરાવવામાં આવ્યું છે, જ્યારે પૂરગ્રસ્ત
વિસ્તારોમાં ફસાયેલા 6,766 લોકોને રેસ્ક્યૂ
કરવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યમાં એનડીઆરએફની 17 ટીમો, એસડીઆરએફની 32 પ્લાટૂન અને આર્મીની 6 ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.