અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી): અમદાવાદ
અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદે જનજીવનને ગંભીર
રીતે અસરગ્રસ્ત કર્યું છે. અમદાવાદ નજીક બાવળા તાલુકામાં 15 કલાક બાદ પણ પાણી ન ઉતરતાં
પરિસ્થિતિ ગંભીર બની છે.ખાસ કરીને સનાથલથી બગોદરા સુધીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ
થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવતા હજારો વાહનચાલકો અટવાયા હતા. બચાવ
અને રાહત કામગીરી માટે અમદાવાદ ફાયરબ્રિગેડની બે ટીમોને બોટ સહિત સ્થળ પર મોકલવામાં
આવી હતી. સ્થાનિક તંત્ર, પોલીસ,
ફાયર વિભાગ અને એનડીઆરએફ જેવી એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી
છે. બે દિવસ દરમિયાન સરેરાશ 20થી વધુ ઈંચ જેટલો વરસાદ ખાબકતા અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં
જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સોસાયટીના બેઝમેન્ટથી લઈ બંગલાઓ સુધી પાણી ભરાઈ જતા
લોકો લાચાર જોવા મળ્યા હતા. અમદાવાદ જિલ્લાકલેક્ટરે તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં રજા
જાહેર કરી હતી.ઘણા ખાનગી શિક્ષણ સંસ્થાઓએ ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા પણ કરી હતી. અમદાવાદ
જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં જાણીતા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મેઘરાજાના રૌદ્ર
સ્વરૂપને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 6 થી 10 ફૂટ જેટલા ઊંડા પાણી ભરાઈ ગયા હતા. અચાનક પાણી ફરી વળવાથી કારખાનાઓ
અને યુનિટોમાં કામ કરતા અંદાજે 1000 જેટલા શ્રમિકો
અને નાગરિકો ફસાયા હતા. બોપલમાં અનેક મકાનો પાણીમાં બે દિવસથી જળમગ્ન થઈ ગયા છે. કમર
સમા પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે.