નવી
દિલ્હી, તા.
25 : કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતની પદની આશાને મોટો ઝટકો લાગ્યો છે.
બર્મિંઘામમાં જુડોમાં દેશ માટે રજત પદક જીતનારી તુલિકા માન ગ્લાસગોમાં થઈ રહેલી કોમનવેલ્થ
ગેમ્સમાંથી બહાર થઈ છે. માનને નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (નાડા)એ 12 મહિનાની અંદર ત્રણ વખત લોકેશન ફેલ થવાનાં કારણે
અમુક મહિના માટે સસ્પેન્ડ કરી છે. તુલિકા માન
ઉપર કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પદક જીતવાની મોટી આશા હતી. જો કે, નાડામાંથી સસ્પેન્ડ કરવામાં
આવ્યા બાદ ટીમમાંથી હટાવવામાં આવી છે. વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (વાડા)ના નિયમો અનુસાર
હવે માન ઉપર બે વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. તુલિકાએ 2022માં બર્મિંઘામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં
મહિલાઓના 78 કિલો ભાર વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તુલિકાનું
ટીમમાંથી બહાર થવું ભારતીય ટીમ માટે એક મોટો ઝટકો છે. આ ઉપરાંત અરુણકુમાર પણ નાડાના
આઉટ ઓફ કોમ્પિટિશન ડ્રગ ટેસ્ટમાં ફેલ થયો હતો, જેનાં કારણે અરુણ કુમારને પણ સસ્પેન્ડ કરીને ટીમમાંથી બહાર
કરવામાં આવ્યો છે. ભારતીય જુડો ટીમ હજી ગ્લાસગો માટે રવાના થઈ નથી. દેશની મેચ 31 જુલાઈથી શરૂ થવાની છે. આ માટે ભારતીય ટીમ 27 જુલાઈના રવાના થાય તેવી સંભાવના છે.