દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 25 : પ્રિયના અસહ્ય ઈંતેજારમાં આંખે
તારા આવી ગયા પછી વિરહીણીને વહાલ કરવા વાલમના દિદાર થાય ત્યારે પતિઘેલી અર્ધાંગિની
પોકારી ઊઠે : વહાલો આવ્યાની વધામણી જી રે.. એવો આનંદ તૃષાતુર ધરાને ધરતીના ધણીની પધરામણીથી
થયો છે. વીતેલા 36 કલાકમાં આ
બંદરીય શહેર-પંથકમાં 54 મિ.મી. સોનવર્ષા
થતાં કૃષિકારો, ઝીણા માલના જીવમાં જીવ
આવ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોણાથી દોઢેક ઇંચ વરસાદના વાવડ મળ્યા હતા.`ડોકારના ડાકલાં'ના વાગે તેવી અરદાસ કરતી ધરતીને વરુણ દેવનો પ્રેમાળ
હાથ ફરતાં કિસાન વર્ગ હાલપૂરતો ખુશહાલ થયો છે. ગઇકાલે બપોર સુધી 20 મિ.મી.ના અલ્પવિરામ બાદ મધ્યરાત્રિ
પછી એક-દોઢ કલાક હળવાં, ભારે ઝાપટાંઓ
સ્વરૂપે વધુ 34 મિ.મી. ધરાને
ન્યાલ કરાઇ હતી. આમ મોસમનો એકંદર આંકડો 54 મિ.મી. એટલે કે, સવા બે ઇંચની લગોલગ પહોંચી ગયો હોવાની જાણકારી કન્ટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર
સલાટે આપી હતી. પંથકમાં પાદર સમા મસ્કા, નાગલપર, ઢીંઢ, દુર્ગાપુર, શિરવા,
ભારાપર વગેરે ગામોમાં પણ મોડી રાતે જમાવટની વિગતો સામે આવી હતી. - મીં લાટ થ્યો... : ગોધરાથી શબ્બીર હાજી સલીમ ચાકીએ કહ્યું
હતું કે, રાત્રે સારાં ઝાપટાં થતાં રાહત થઇ છે. પવન વધુ
વરસાદને તાણી ગયો તેથી દોઢેક ઇંચ મેઘમહેર થઇ. પાણી છૂટથી વહ્યું. ગરમી અને આગાહીથી
આશા બરકરાર છે. ખેતી માટે વાટ જોવડાવ્યા પછી વરસેલી વર્ષારાણી પ્રાણવાયુ સમી છે. આસપાસમાં
ગોધરા વાડીવિસ્તાર, લાયજા, મેરાઉ,
ડોણ, રાજડા વગેરે ગામોમાં થોડાં પ્રમાણફેર સાથે
અમીવૃષ્ટિ થતાં આનંદ છે. - પોંખે જેડો
વઠો : ગુંદિયાળીથી ભગવાનજીભાઇ બોડાની માહિતી પ્રમાણે
વાવેતરમાં વીમો કરવા જેવો, જોખમ વહોરવા
જેવો પ્રોત્સાહક દોઢ-બે ઇંચ થયો છે. મસ્કા, ગુંદિયાળી,
બાગ, બિદડા, ફરાદી,
પીપરી, નાના ભાડિયા, મોઢવા,
ત્રગડી વગેરે ગ્રામ્ય પંથકમાં પણ વત્તા-ઓછાં પ્રમાણમાં સવા-દોઢ ઇંચનો
આશરો અપાયો હતો. ખેતી-વાવેતર અને ઝીણા જીવો, વગડાઉ પશુઓ વગેરે
માટે જીવતદાન છે. મોટા જાનવરો ગાય, ભેંસ માટે હજુ વાટ જોવાની
રહી. - પાણી જમીનમાં ઊતર્યું : મોટા આસંબિયાથી ભરતસિંહ જાડેજાએ વરસાદના
વાવડ આપતાં કહ્યું હતું કે, શાંત સ્વરૂપે
અમીવર્ષા થતાં પાણી જમીનમાં ઊતર્યું છે. ખેતીલાયક, ફાયદાકારક
વર્ષા છે. મગ, ગુવાર, કપાસ, એરંડિયા, મગફળી જેવા પાક માટે હેતાળ હાથ સમું છે. નાના-મોટા
આસંબિયા, જખડિયા, પુનડી વગેરે પંથકમાં પણ
ધરતીનો ધણી રીઝ્યો છે. સમગ્ર વિસ્તારમાં એક- સવા ઇંચ વરુણ દેવતાનું વહાલ વરસ્યું છે.
- પોંખ માટે પ્રશ્નાર્થ ? : અબડાસા પટ્ટીને
જોડતા નાના રતડિયાથી મુરુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ખાસ પાણી નથી રડયાં, નથી
વરસ્યાં... તળાવમાં નવાં નીર નથી આવ્યાં. છેલા-પાપડી વહ્યા નથી. હળવાં ઝાપટાંએ પોણો
કે એકાદ ઇંચ ધરતી પલળી છે. કપાસને ફાયદો થશે. પાછોતરો ડિંગો કરશે કે કેમ તે પ્રશ્નાર્થ
હોતાં વાવણીમાં જોખમ હોવા છતાં વીમો ખેડવાના મૂડમાં કિસાનો જોવા મળ્યા હતા. નાના-મોટા
રતડિયા, પ્યાકા, મંજલ, ગાંધીગ્રામ, નાગ્રેચા, કોટડી વગેરે
ગામોની ધરતી પલળી છે. - ડોણ પંથકમાં
દોઢ-બે ઇંચ : પ્રગતિશીલ
કિસાન ખીમજીભાઇ ધનજી કેરાઇએ ડોણ પાટિયાથી આપેલી વિગતો પ્રમાણે વીતેલાં વર્ષોમાં ઝિંદાદિલીથી
વરસેલા મેઘરાજાની તાસીરની સરખામણીએ હાજરી પૂરાવી હોય તેમ દોઢ-બે ઇંચ વરસાદ ડોણ પાટિયા, ડોણ, રાયણ, ભાડઇ, શેરડી, નવાવાસ વગેરે ગામોમાં
ન્યાલ થતાં વાવણી જોગ વરસાદ ખરો, પરંતુ પાછો વધુ આઠ-દસ દિવસોમાં
વરસે તો મજા આવે. કપાસ જેવા મોલ, મગફળીને વગેરે માટે શક્તિવર્ધક
પધરામણી સ્તુતિકર છે. મેઘરાજાનું સ્વરૂપ શાંત હોતાં મોટી કૃપા કહેવાય. બે-ત્રણ દિવસોથી
ગોરંભાયેલું આકાશ છડી પોકારી રહ્યું છે. - કોડાય વિસ્તાર : કોડાયથી પ્રતિનિધિ જીવરાજ ગઢવીના હેવાલ
પ્રમાણે કોડાય પંથકમાં શનિવારે મોડી રાત્રે મેઘરાજાએ હેત વરસાવતાં એકથી દોઢ ઇંચ જેટલો
વરસાદ નોંધાયો હતો. વરસાદ મોડી રાત્રે થોડો તેજ બનતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની
લાગણી જોવા મળી હતી. દુર્ગાપુરના ખેડૂત ઈશ્વરભાઈ
રૂડાણિયાએ જણાવ્યું હતું કે, રાત્રે
અંદાજે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો છે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ થાય તેવી
ભગવાનને પ્રાર્થના છે. પિયાવાના પ્રગતિશીલ ખેડૂત કલ્યાણજીભાઈ ગાજપરિયાએ જણાવ્યું કે,
મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો,
જે હાલના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યારે
મોટી રાયણના સામાજિક અગ્રણી એસ.વી. પટેલે પણ પંથકમાં - સારો વરસાદ પડયાની માહિતી આપી
હતી. : ખેડૂત અગ્રણી માવજીભાઈ વેકરિયાએ જણાવ્યું
કે, રાત્રે વરસાદ શરૂ થયો હતો અને એક ઇંચથી વધુ
વરસાદ નોંધાયો હતો. મોટા આસંબિયાના ખેડૂત અગ્રણી મહેશભાઈ મેપાણીએ જણાવ્યું કે,
તેમના વિસ્તારમાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ થયો હતો. પશુપાલકોના જણાવ્યા પશુધનને માટે આશા બંધાય છે ખેડૂતોનું
કહેવું છે કે, જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે ખેતી
અને પશુધન માટે બહુ ઉપયોગી થશે. રામપર વેકરામાં ગઈ રાત્રે તથા બપોરે 12:30થી 1 વાગ્યા સુધીમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ
થયો છે. બજારમાં પાણી વહી નીકળ્યાં હતાં, એવું રમેશભાઈ જોષીએ જણાવ્યું હતું.