ભુજ, તા. 25 : ધરતી પર ઘણી એવી જીવસૃષ્ટિ
જોવા મળે છે, જે ભારે અચરજ પમાડતી હોય
છે. ભુજ તાલુકાનાં નારણપરમાં એક ઘર અને બગીચામાં શંખ આકારના જીવો ફરતા જોવા મળતાં જોનારા
સૌ કોઈને ભારે કુતૂહલ થયું હતું. એન્જિનીયર અશ્વિનભાઈ હરિલાલ લોહારે જણાવ્યું હતું
કે, છેલ્લા એકાદ મહિનાથી બગીચામાં આઠ-દશ જીવ દેખાયા, હવે વરસાદ પછી મારાં ઘરમાં 50થી વધુ શંખાકાર જીવ ફરી રહ્યા છે. આ સંબંધમાં પૂછતાં પીઢ પર્યાવરણવિદ્ અને અભ્યાસુ
જુગલ કિશોર તિવારીએ કહ્યું હતું કે, આ જીવોને ફ્રેશ વોટર સ્નેલ્સ એટલે કે, તાજાં પાણીમાં
થતી ગોકળગાય વંશના જીવ કહેવાય છે. હિન્દીમાં `ગોંગા'
અને ગુજરાતી ભાષામાં `શંબૂક' નામધારી
આ શંખકુળના જીવોનું આયુષ્ય લાંબું નથી હોતું. માત્ર 50 પૈસાના સિક્કા જેટલું નાનું
કદ ધરાવતા આ જીવ હાનિકારક હોતા નથી, કરડતા નથી, કરોડરજ્જુ વગરના `મોલસ્કસ'
વર્ગના આ જીવોને વરસાદ, ભેજવાળું વાતાવરણ જીવવા
માટે અનુકૂળ છે.