• રવિવાર, 26 જુલાઈ, 2026

તુમ હી ભવિષ્ય હો ઈસ દેશ કા...

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : લોકસભાની છેલ્લી ચૂંટણી પછી રાહુલ ગાંધી વારંવાર જાહેરમાં કહેતા રહ્યા છે કે, `એક વર્ષમાં મોદીની સરકાર પડશે અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહ `ઘરભેગા' અર્થાત્ જેલમાં હશે.' રાહુલ ગાંધીની આ ભવિષ્યવાણી છે કે પ્લાન? અથવા કહો તો કાવતરું-ષડયંત્ર? હકીકતમાં આ એમની મહેચ્છા જરૂર છે! વારંવાર ચૂંટણીમાં પરાજય મળ્યા પછી મોદી સરકારના પતનની રાહ જોઈ રહ્યા છે અને કોઈપણ લોકશાહીમાં વિપક્ષી નેતા હોય નહીં તો પણ સામાન્ય નાગરિક-આમઆદમી (મેંગોમૅન) પણ આવી ઇચ્છા-મહેચ્છા ધરાવી શકે છે. પ્રશ્ન માત્ર સાધન-માધ્યમનો છે. ઉચ્ચ પરીક્ષાના પેપર લીક થયા તેના વિરોધમાં કોક્રોચ પાર્ટીવાળા અભિજિત અમેરિકાથી ભારત આવ્યા ત્યારે રાહુલ ગાંધીને મોટો મુદ્દો મળ્યો અને મોદી સરકારની ઘેરાબંધીનું રાજકારણ શરૂ થયું. આખરે શિક્ષણપ્રધાન ધર્મેન્દ્રએ રાજીનામું આપ્યું છે. કૃષિ કાયદા પછી આ બીજી વખત મોદી સરકારે પીછેહઠ કરી છે. હવે રાહુલ ગાંધી વધુ જોર-જુસ્સામાં આવશે. યુવા વર્ગે વિજયના મદમાં રહેવાને બદલે અને બાંગ્લાદેશ, નેપાળની જેમ સત્તા હસ્તગત કરવાના સ્વપ્નને બદલે ભારતની એકતા અને વિકાસયાત્રામાં સહયાત્રી બનવામાં પોતાની શક્તિ કેન્દ્રિત કરવી જોઈએ. ઈરાન-અમેરિકા લડાઈ, અમેરિકાનું ટેરિફ આક્રમણ, રશિયન તેલ નહીં ખરીદવાની તાકીદ-દબાણ - આ તમામ વિપરીત સંજોગોમાં ભારત અણનમ રહ્યું. સરકાર મક્કમ રહી. અલબત્ત, આખરે તેલ-પેટ્રોલના ભાવ વધારવા પડયા, તેથી મોંઘવારી વધી. બંગાળ-તામિલનાડુની ચૂંટણી પછી રાજકીય સ્થિતિ અને સંજોગો ઝડપથી બદલવા લાગ્યા. રાહુલ ગાંધીએ ઇન્ડિ મોરચો ઊભો કર્યો હતો તેમાં ભંગાણ-ગાબડાં પડવાં લાગ્યાં. મોદી સરકાર વધુ સ્થિર થવા લાગી. પ્રાદેશિક પક્ષોનો વિશ્વાસ અને ભવિષ્ય મોદી સરકારમાં હોવાની ખાતરી થઈ. રાજકારણમાં થયેલું-થઈ રહેલું પરિવર્તન રાષ્ટ્રવાદ માટે પ્રોત્સાહક છે. ચૂંટણીની મતદારયાદીઓમાં સાફ-સફાઈ શરૂ થઈ અને દેશભરમાં વ્યાપક બની રહી છે, તેથી વોટ બૅન્કો ઉપર આધાર રાખીને બેઠેલા પક્ષોનો વિશ્વાસ અધ્ધર ચડયો! લોકસભાની બેઠકોનું સીમાંકન સુધારીને સભ્યસંખ્યા 830 સુધી થશે, મહિલાઓને 50 ટકા અનામત બેઠકો મળશે - આખરે મોદી શાસન વધુ મજબૂત બનશે અને એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશભરમાં ફરીથી શરૂ થશે - આ વાસ્તવિકતાની કલ્પના માત્ર વિરોધીઓને ધ્રુજાવે છે! ભલભલા નેતાઓની મહેચ્છા `ધુરંધર'ના પ્રભાવ સામે ધૂળધાણી થવાની ચિંતા છે. આ રાજકીય સંજોગોમાં મોદી ઉપર પ્રહાર કરવા માટે બે કારણ-મુદ્દા મળ્યા. એક તો અયોધ્યામાં દેવદ્રવ્યની લૂંટ, ઘરના ઘાતકીઓ પકડાયા છતાં હજુ આખરી તપાસ અહેવાલ અને સજા બાકી છે, પણ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ -રામનું નામ બદનામ કરવાનો મોકો મળ્યો. આગામી ચૂંટણીમાં શ્રીરામના નામનો લાભ નહીં મળે એવી આશા જાગી. પ્રચાર શરૂ થયો. `નીટ' પરીક્ષાના પેપર ફૂટયા. સમસ્ત પરીક્ષા પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર સામે વિદ્યાર્થીઓનો રોષ-આક્રોશ ભડકી ઊઠયો અને તે સ્વાભાવિક છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં ભર્યાં. નવેસરથી પરીક્ષા લેવાઈ. પરીક્ષાર્થીઓની અગવડ દૂર કરવામાં આવી અને પરિણામ આવ્યાં પછી રોષ-વિરોધ થોડો શાંત થયો હોય એમ જણાયું. અચાનક અભિજિત દીપકે નામના મહારાષ્ટ્રીયન યુવાને જાહેરાત કરી કે, ભારતીય વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અને એમના ભવિષ્ય સુધારવા માટે તેઓ અમેરિકાથી ભારત આવી રહ્યા છે. કોક્રોચ પાર્ટીને યુવાપ્રિય બનાવવા માટે મહારાષ્ટ્રમાં માતાને મળીને નવી દિલ્હી આવ્યા. આ દરમિયાન સોનમ વાંગચૂક લદાખથી આવ્યા અને કેન્દ્રના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્રના રાજીનામાની માગણી કરી. અનશન-ભૂખ હડતાળ ઉપર ઊતર્યા. સૌનું ધ્યાન અભિજિતથી હટીને સોનમ વાંગચૂક ઉપર કેન્દ્રિત થયું જંતરમંતર ખાતે. વાંગચૂકના અનશન હોવાથી વિદ્યાર્થીઓનો ધસારો સતત હતો તે નિયંત્રિત રાખવા માટે પોલીસે પગલાં લીધાં અને રોકવાના પ્રયાસ કર્યા ત્યારે પથ્થરમારો શરૂ થયો. લાઠીચાર્જ અને ટીયર ગૅસનો ઉપયોગ થયો. નોંધપાત્ર એ કે, અરવિંદ કેજરીવાલે વિદ્યાર્થીઓને પહેલા દિવસથી જ ટેકો જાહેર કર્યો હતો અને એમના - `આપ'ના કાર્યકરો પણ જોડાયા હતા. પોલીસ `દમન'ના અહેવાલ અને ફોટા વાયરલ થયા તે પછી બીજા દિવસે આસપાસના અને બહારના `િવદ્યાર્થીઓ' આક્રમક બનીને આવ્યા. સંસદ ભવન અને પછી વડા પ્રધાનના નિવાસસ્થાન ઉપર હલ્લાબોલની આગેવાની રાહુલ ગાંધીની હતી. અરવિંદ કેજરીવાલ સિવાયના વિપક્ષી નેતાઓ ઘટનાસ્થળે દોડયા. ભાજપ નેતા-પ્રધાન જે. પી. નડ્ડા પણ રાહુલ ગાંધીને મળ્યા. હિંસાચાર-પોલીસ દમન હાથ બહાર જઈ રહ્યું જોઈને સોનમ વાંગચૂકે વીડિયો અને પત્ર દ્વારા સરકારને જણાવ્યું કે, વિદ્યાર્થીઓ સામે કાનૂની કાર્યવાહી નહીં કરવાની લેખિત ખાતરી મળે તો અનશન બંધ થશે. બીજી બાજુ જંતરમંતરમાં અભિજિત દીપકે અને પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ધર્મેન્દ્રના રાજીનામાની શરત મૂકી. વિદ્યાર્થી આંદોલન રાજકીય આંદોલન પૂર્ણ રીતે બન્યું. સોનમ વાંગચૂકની તબિયત લથડી રહી હતી, તેથી હાઈકોર્ટના આદેશથી પોલીસે એમને હૉસ્પિટલમાં ખસેડયા ત્યારે નેતાઓએ વિરોધ કર્યો. શું નેતાઓ સોનમને શહીદ કરવા માગતા હતા? હાથીની જેમ `શહીદી' વટાવી શકાય? હકીકતમાં ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા અને આદેશ આપ્યા છે કે, અનશન ઉપર ઊતરેલી કોઈપણ વ્યક્તિની જિંદગી બચાવવાની સરકારની ફરજ છે. અલબત્ત, વિરોધ કરવાનો અધિકાર અબાધિત હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટોના આવા સંખ્યાબંધ ચુકાદા છે. સરકારે સોનમની ધરપકડ નહોતી કરી-એમને સારવારની વ્યવસ્થા કરી હતી. પાછળથી ખાનગી હૉસ્પિટલમાં જવાની મંજૂરી પણ મળી. ટોળાશાહીમાં નેતાઓ કેવી અફવાઓ ફેલાવે છે તેનું આ ઉદાહરણ છે. મૂળ પ્રશ્ન છે પોલીસ તંત્રની નિષ્ફળતાનો. કોક્રોચ પાર્ટી માત્ર નેતાઓને ઉઘાડા પાડવાના-મજાક ઉડાવવા માટે કટાક્ષ-રમૂજનો માર્ગ છે અને ગંભીર પડકાર નથી એવી ધારણા હતી. અમેરિકાથી આવીને અભિજિત દીપકેએ જનતાનો મિજાજ પારખવાના પ્રયાસ કર્યા પણ ખાસ અસર ન હતી, તે દરમિયાન સોનમે આવીને અનશન શરૂ કર્યા. સોશિયલ મીડિયાના નિષ્ણાતોની ટેક્નિકલ શક્તિનો અંદાજ પોલીસને ન હતો. દિલ્હીમાં ઘણા વિરોધ-દેખાવ થયા છે, પણ પોલીસ તંત્રને કલ્પના પણ ન હતી કે, દિલ્હી ઉપર આવું જબરદસ્ત `આક્રમણ' થશે. રાહુલ ગાંધીએ વડા પ્રધાનના નિવાસસ્થાને હલ્લાબોલનો પ્લાન ગુપ્ત રાખ્યો અને છેલ્લી ઘડીએ જંતરમંતર જવાના બદલે કહ્યું - મારી પાછળ પાછળ આવો! આ તમામ હિલચાલની માહિતી પોલીસને મળી જ નહીં. મોદી સરકાર પણ અવસર ચૂકી ગઈ. અર્થતંત્ર-ન્યાયતંત્ર અને સમાજમાં ઘણા સુધારા થયા છે, પણ શિક્ષણ તંત્રમાં - પુસ્તકો બદલવા, અંગ્રેજી ગુલામીની માનસિકતામાંથી નવી પેઢીને મુક્ત કરવાના પ્રયાસ થયા છે પણ શિક્ષણક્ષેત્રમાં ભ્રષ્ટાચાર, કોચિંગ સેન્ટર કલ્ચર, પેપર ફોડવાની વૃત્તિ-પ્રવૃત્તિમાં સુધારા ભૂલાઈ ગયા! આ વખતે ઉહાપોહ થયો ત્યારે પરીક્ષા રદ થઈ અને નવેસરથી લેવામાં આવી, પણ શું આવું ચાલ્યા જ કરશે? દેશભરમાં વિપક્ષી રાજ્યોમાં પણ પેપર ફૂટયાની સંખ્યાબંધ ઘટનાઓ છે - કોઈની આંખો કેમ ખૂલી નહીં? વિરોધ પ્રદર્શન શરૂ થયા ત્યારે સરકારે ચોંકી જવાની જરૂર હતી. જો પ્રાથમિક તબક્કે વિદ્યાર્થી નેતાઓને વિશ્વાસમાં લઈને ખાતરી આપી હોત તો કદાચ ગંભીર પરિણામ આવત નહીં. અમેરિકાથી અભિજિતનું આગમન રાહુલ ગાંધીની `આગાહી' (એક વર્ષની મુદ્દત) સાથે જોડાય છે! અભિજિત દીપકે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરે છે? કે કોઈ ખાનગી સંસ્થામાં `સેવા' આપે છે? વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આવ્યા છે કે, આંદોલન માટે `માર્ગદર્શન' આપવા આવ્યા છે? નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનનો દોરીસંચાર અમેરિકાના `ડીપસ્ટેટ' - ભૂગર્ભ અથવા પડદા પાછળ રહીને વિકસતા દેશોની ચૂંટાયેલી સરકારો ઊથલાવવા અને શાસનપલટો કરાવવા માગતા અબજોપતિઓનો હાથ હતો તે જગજાહેર છે. ભારતમાં પણ કિસાનો કૃષિસુધારા એમના લાભમાં હોવા છતાં વિરોધમાં જંગે ચડયા અને આખરે મોદી સરકારે સુધારા પાછા ખેંચ્યા! પંજાબના કિસાનો ભારતવિરોધી પ્રચારનો ભોગ બન્યા હતા. નવી દિલ્હી ઉપર `આક્રમણ' કરીને લાલ કિલ્લા ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજ ઉતારીને અલગ ઝંડો ફરકાવ્યો! છતાં મોદીની કડક સૂચના હતી કે, પોલીસ બળપ્રયોગ નહીં જ કરે. આ સંયમથી પંજાબ બચી ગયું. ફરીથી ભીંદરાણવાલેને ઊભો કરવાનો દુશ્મનોનો પ્લાન ફેઇલ થયો! નાગરિકત્વ કાયદામાં સુધારાના વિરોધમાં તો રાજધાની નવી દિલ્હીને `બાન' પકડવામાં આવી હતી. ભારત અને મોદી વિશે અસભ્ય ભાષા અને હોર્ડિંગ્સ લાગ્યાં હતાં. વિદેશી હાથ અને નાણાં કામ કરતાં હતાં. મોદી સરકારે સંયમ અને ધીરજથી દેશના દુશ્મનોની બાજી ઊંધી વાળી. આ વખતે ફરીથી ભારત અને સંસદીય લોકશાહી ઉપર હુમલો છે. અભિજિત દીપકે કોના આમંત્રણથી ભારત આવ્યા છે? રાજકીય નેતા બની ગયા છે ત્યારે સૌથી વધુ ચિંતા રાહુલ ગાંધીને છે. કારણ કે એમની સામે બીજા કેજરીવાલ `ઈન ધ મેકિંગ' છે!

વડાપ્રધાન મોદી શિક્ષણ સુધારાની શરૂઆત પરીક્ષા સુધારાથી કરી રહ્યા છે. વિરોધી પક્ષો સંસદમાં હાજરી આપીને સમર્થન કરે નહીં તો પણ આ સુધારા છેવટે `વટહુકમ'થી પણ થશે એવી ચર્ચા હતી. 26 દિવસના અનશન પછી સોનમ વાંગચૂક માની ગયા છે - સ્વીકારે છે કે કૉંગ્રેસે આંદોલન હાઇજેક કરીને એમને એકલા પાડયા છે. વિદ્યાર્થીઓના આંદોલનના પ્રારંભમાં કહેવાયું હતું કે, શિક્ષણપ્રધાનને રૂખસદ અપાય તો જ ભવિષ્યમાં પેપર ફૂટશે નહીં - પણ એક પ્રધાન આવે કે જાય તેનાથી ફરક પડતો નથી. શિક્ષણ -  પરીક્ષાના પેપર વેચનારાને સખત સજાનો પ્રબંધ થયો તે અસરકારક ઉપાય છે. વડા પ્રધાને આ માટે કાનૂની જોગવાઈની જાહેર ખાતરી આપી છે. સમાધાનની દિશામાં પ્રગતિ થઈ ત્યારે પણ કૉંગ્રેસ-સમાજવાદી પક્ષનો હઠાગ્રહ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે જારી રહ્યો. કારણ કે, શિક્ષણ સુધારામાં નહીં, સત્તા ઉપર એમની નજર છે. શિક્ષણ પ્રધાન તો `સેમ્પલ' છે. શરૂઆત છે. આંદોલન પાછળ અમેરિકાનો `હાથ' છે તે વિશે શંકા નથી. નાણાં અને રોજના બર્ગર, પિઝા પણ દુબઈથી આવે છે તે પુરવાર થયું. નાણાં બાંગ્લાદેશથી આવે છે. ભારત સરકાર એનજીઓને મળતા વિદેશી નાણાં બંધ કર્યાં પછી આ રીતે આવે છે. અભિજિત દીપકેની `કુંડળી' પણ હવે જાહેર થશે. આપણા વિદ્યાર્થીઓને `હાથા' બનાવીને ભારતમાં શાસન બદલવાના કાવતરાનો પર્દાફાશ થયા પછી ભારતના યુવા વર્ગે સાવધાન થવું પડશે. એમના માટે સ્પષ્ટ સંદેશ છે. તુમ હી ભવિષ્ય હો ઈસ દેશકા... ઈસ દેશકો રખના મેરે બચ્ચોં સંભાલ કે (ફિલ્મ : જાગૃતિ) એક વાત નક્કી છે કે, ભારતને બાંગ્લાદેશ કે નેપાળ નહીં બનવા દેવાય. ભારત - ભારત જ રહેશે અને સંસદીય લોકશાહીને બદનામ કરનારા `હાથ' ધોતા રહેશે. - ગુજરાતમાં નવનિર્માણ આંદોલન : ગુજરાતમાં 1974માં કૉંગ્રેસી સરકારના ભ્રષ્ટાચાર સામે વિદ્યાર્થી આંદોલન-નવનિર્માણ થયું હતું. કોઈપણ રાજકીય  નેતાને આંદોલનમાં પ્રવેશ મળ્યો નહીં. ગુજરાત પછી બિહારમાં આવું જ આંદોલન શરૂ થયું. જયપ્રકાશ નારાયણ ગુજરાત આવ્યા, પણ આંદોલનનું નેતૃત્વ કરવા નહીં - માત્ર જાત અભ્યાસ કરીને બિહારમાં આંદોલનનું નેતૃત્વ કર્યું. ગુજરાતના વિદ્યાર્થી નેતાઓ-નિરૂપમ નાણાવટી, ઉમાકાંત માંકડ તથા વિદ્યાર્થી કાર્યકરોએ દેશ-દુનિયાને શક્તિ બતાવી. ઇન્દિરા ગાંધી વિધાનસભાને `મૂર્છિત' કરીને ફરીથી કૉંગ્રેસ સરકાર સ્થાપવા માગતાં હતાં, પણ મોરારજીભાઈ નવી દિલ્હીમાં અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ ઉપર ઊતર્યા - વિધાનસભાનું વિસર્જન અને નવેસરથી ચૂંટણીની માંગ આખરે ઇન્દિરા ગાંધીએ સ્વીકારવી પડી હતી. 

Panchang

dd