નિરોણા (પાવરપટ્ટી), તા. 25 : ગત મોટી રાત્રિથી
સમગ્ર પાવરપટ્ટીમાં મેઘરાજાની રહી-રહીને ધમાકેદાર પધરામણી થતાં પંથકના લોકોમાં આનંદની
લહેર ફરી વળી છે. મેઘરાજાની લાંબી ઈંતેજારી બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ
ઊભો થતાં લોકો ભારે આશાવાદી બન્યા હતા. ગત મોડી રાત્રિના સમગ્ર પાવરપટ્ટીમાં વીજળીના
ભારે ચમકારા સાથે મેઘરાજાની પ્રથમ પધરામણી થતાં લોકોએ ઊંઘમાંથી જાગી મેઘમહેરના વધામણા
લીધા હતા. પંથકના પૂર્વે સુમરાસર (શેખ)થી માંડી પશ્ચિમે થાન જાગીર સુધી ગત રાત્રિ અને
આજે દિવસ દરમ્યાન મળી દોઢથી બે ઈંચ વરસાદ થયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. પૂર્વે
સુમરાસર (શેખ)ના સરપંચ રણછોડભાઈ આહીર તેમજ લોરિયાના અગ્રણી અભેરાજસિંહ જાડેજાના જણાવ્યા
મુજબ રાત્રિ અને આજે દિવસ દરમ્યાન વાવણીલાયક વરસાદ થતાં લોકો ભારે આનંદિત છે. વધુ વરસાદની
આગાહી વચ્ચે લોકો વાવણીની કામગીરી થોડો સમય રહીને કરે તેવા ઊજળા સંજોગો ઊભા થયા છે. ઝુરા નજીક કાયલા ડેમથી ચોકીદાર હરિસિંહ
જાડેજા તથા નિરોણા ડેમથી ચોકીદાર ચીમનભાઈ દરજીના જણાવ્યા મુજબ પહાડી પંથકમાં 55થી 60 મી.મી. વરસાદ નોંધાતા બન્ને ડેમોના તળિયામાં પાણીની નવી આવક
શરૂ થઈ છે. પશ્ચિમે વંગથી રાણાભાઈ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે થાન જાગીરના પાંચાડામાં
પણ એકાદ ઈંચ જેવો વરસાદ થયો છે. તો અહીંથી ઉત્તરે બન્ની પંથકમાં સેરવો, સરાડો, ભાગડિયો,
છસલા વિસ્તારમાં પોણો ઈંચ જેવો વરસાદ થતાં આગામી દિવસોમાં ઘાસ ફૂટી નીકળે
તેવા સંજોગો સર્જાતા માલધારીઓ રાજીના રેડ બન્યા છે.