હરારે, તા. 25 : થોડા સમય પહેલાં આયરલેન્ડ અને તે પછી ઈંગ્લેન્ડ
સામે હાર બાદ નબળાં ઝિમ્બાબ્વે સામે ભારતે શૂરો દેખાવ કરીને બીજી ટી-20માં 90 રને જીત સાથે ટી-20 શ્રેણી
2-0ની અજેય સરસાઈથી જીતી હતી. શ્રેણીની ત્રીજી
અને અંતિમ ટી-20 આવતીકાલે રમાશે. ભારતે ટોસ હારી પહેલાં બેટિંગ
કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટ 219 રન બનાવ્યા બાદ બોલરોના તરખાટથી ઝિમ્બાબ્વેને
129 રને ઓલઆઊટ કરી ટી-20 વિશ્વકપ 2026 બાદની પહેલી ટી-20 શ્રેણીમાં જીત નોંધાવી હતી. આ મેચમાં ભારતીય
બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ટોપ ઓર્ડરને પુરી રીતે ધ્વસ્ત કર્યો હતો. પાવરપ્લેમાં
પણ મુખ્ય ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલીને મેચ ઉપર મજબુત પકડ બનાવી લીધી હતી. ઝિમ્બાબ્વેની
અડધી ટીમ માત્ર 65 રને
જ આઉટ થઈ હતી. મેચમાં પોતાની ડેબ્યુ ટી20 રમી રહેલા યુવા ફાસ્ટ બોલર યશ ઠાકુરે ભારતને પહેલી સફળતા અપાવી હતી. ભારત તરફથી ઈશાન કિશને 81 અને તિલક વર્માએ નોટઆઉટ 60 રન કર્યા હતા. યશે બ્રાયન બેનેટને આઉટ કરીને
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખાતુ ખોલ્યું હતું. બેનેટ ક્રીઝ ઉપર ખતરનાક બની રહ્યો હતો.
તેણે માત્ર 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી
32 રનની તોફાની ઈનિંગ રમી હતી. જો કે યશ ઠાકુરે
ઈનિંગ ઉપર બ્રેક મારી હતી. બાદમાં પ્રિન્સ યાદવે બીજી વિકેટ લીધી હતી. સ્પિનર રવિ બિશ્નોઈએ
ફિરકીમાં ડિયોન મેયર્સને ફસાવીને ક્લીન બોલ્ડ કર્યો હતો. ભારતીય બોલરો સામે ઝિમ્બાબ્વેના
બોલરો બેબસ રહ્યા હતા. ટીમને સૌથી મોટો ઝટકો સિકંદર રજાના રૂપમાં લાગ્યો હતો. જે માત્ર
શુન્યમાં પેવેલિયન પરત ફર્યો હોત. અંતે ઝિમ્બાબ્વેની પુરી ટીમ 129 રને સમેટાઈ હતી. ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલાં
બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં એક બદલાવ કરતાં અશોક શર્માની
જગ્યાએ યશ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો હતો. અભિષેકે પહેલી ઓવરમાં તાબડતોડ અંદાજમાં
શરૂઆત કરી હતી પણ માત્ર આઠ રન કરી આઉટ થયો હતો. વૈભવ પણ નવ બોલમાં 20 રન જ કરી શક્યો હતો. જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યર
25 રન કરી શક્યો હતો. ત્રણ વિકેટ પડયા બાદ ઈશાન
કિશન અને તિલક વર્માએ ઈનિંગ સંભાળવાનું કામ કર્યું હતું. બન્ને બેટ્સમેન વચ્ચે 43 બોલમાં 94 રનની ભાગીદારી થઈ હતી. ઈશાને 44 બોલમાં શાનદાનર 81 રનની ઈનિંગ રમી હતી.તિલક વર્માએ પોતાની ટી20 કારકિર્દીની નવમી અર્ધસદી કરવામાં સફળતા મેળવી
હતી. તિલકે 29 બોલમાં 60 રન કર્યા હતા અને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો.