કચ્છ
એટલે કચ્છ :
દીપક
માંકડ : કચ્છમિત્રના 80મા જન્મદિવસ નિમિત્તે ગયું આખું અઠવાડિયું વાચકો, કચ્છી ભાઇ - બહેનોની પ્રેમવર્ષા
કચ્છમિત્ર ઉપર થતી રહી. એ દરમ્યાન અખબારના પ્રખર ચાહક અને ઓૐ્રેડના નિવૃત્ત પ્રિન્સિપાલ
ભરતભાઇ અંજારિયાઅ ધ્યાન દોર્યું... કચ્છમિત્રએ 21મી જુલાઇ, 1956ના અંજારના ધરતીકંપની ઘટનાને યાદ કરવા જેવી હતી... ચૂકાઇ જવાયું... ખાસ તો
એ કે છપ્પનિયા ભૂકંપને 70 વર્ષ
થયાં. કચ્છ કુદરતી આફતોની ભૂમિ છે. સમયાંતરે મોટા ધરતીકંપોએ કચ્છનો નકશો બદલ્યો છે.
દુનિયામાં ક્યાંય પણ ધરતીકંપ થાય, કચ્છના લોકો માટે ચેતવણી હોય છે કે આપણે પણ ઝોન - પાંચ ભૂકંપની
તીવ્ર સંભાવનાવાળા અતિસંવેદનશીલ ક્ષેત્રમાં રહીએ છીએ. આગોતરી તકેદારી અને નિયમોનું
પાલન થશે તો પ્રાકૃતિક વિપદા વખતે નુકસાન ઓછું કરી શકાશે. 26મી જાન્યુઆરી, 2001ના ભૂકંપ પહેલાંનો મોટો ધરતીકંપ અંજારમાં અનુભવાયો હતો. 21મી જુલાઇના દિવસે રાત્રે નવ વાગ્યા પછીની મિનિટોમાં
ધરતી ધ્રૂજી... સૃષ્ટિ જાણે હચમચી ઊઠી... એ પણ શ્રેણીબદ્ધ આંચકા સાથે... અંજાર નગરનો
પૂર્વ ભાગ અને કેટલાંય ગામડાં ખરાબ રીતે અસરગ્રસ્ત થયાં... માત્ર અંજાર શહેરમાં 107 લોકોએ પ્રાણ ગુમાવ્યા. અંજાર સહિત તાલુકાનાં
પાંચ ગામમાં કુલ 114 લોકો
મૃત્યુ પામ્યા હતા. અનેકને ગંભીરથી સામાન્ય ઇજા થઇ હતી. કુલ 700થી વધુ ઇજાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. ભચાઉમાં
બે ગંભીર રીતે ઘવાયા હતા. આજે વિકાસના માર્ગે દોડી રહેલા કચ્છનો સૌથી ડેવલપ દેખાતા
વિસ્તાર બબ્બેવાર કુદરતની વિનાશલીલાના સાક્ષી રહી ચૂક્યા છે. 1956ના ભૂકંપમાં ભુજ, અંજાર અને ભચાઉ તાલુકામાં 2225 મકાન જમીનદોસ્ત થયાં હતાં. 6051માં તિરાડ પડી હતી. કુલ 152 ગામમાં વત્તું - ઓછું નુકસાન થયું હતું. રામસિંહજીભાઇ
રાઠોડે કચ્છમિત્રમાં એ વિનાશલીલા વિશે નોંધ્યું હતું કે આ ધરતીકંપ રાત્રે નવ કલાક, ત્રણ મિનિટ અને 46 સેકન્ડે થયો હતો. પહેલો મોટો આંચકો દસ સેકન્ડ
રહ્યો હતો... એ પછી તે જ રાતે પોણા બાર અને પરોઢે સવા પાંચ વાગ્યે ફરીથી આવેલા ધરતીકંપમાં
અંજાર - ભચાઉ - રતનાલ - દુધઇ વચ્ચેના એક હજાર ચો.મી. વિસ્તારમાં વિનાશલીલા ચાલી હતી
અને હજારો ઘર પડી ગયાં હતાં. એ ધરતીકંપ જોનારા - અનુભવનારા અંજારવાસીઓ આજે પણ તેની
સ્મૃતિમાત્રથી કમકમી ઊઠે છે. અંજારના એ ધરતીકંપમાં ધમડકા ઉપરાંત ઝુરણ ધરાશાયી થયું
હતું... નવનિર્મિત ઝુરણનું તોરણ તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ બાંધ્યું અને `જવાહરનગર' કહેવાયું. ઝુરણ જતાં તેમની જીપને અકસ્માત
નડયો હતો. મ.કુ. હિંમતસિંહજીએ ભૂકંપનાં અનુસંધાને ત્રણ દાયકા પહેલાં કચ્છમિત્રમાં `ભૂતકાળમાંથી આપણે કોઇ બોધપાઠ લેતા નથી' મથાળાં સાથેના લેખમાં નોંધ્યું
હતું કે એ સમયે કચ્છ `સી' સ્ટેટ હતું. તે સમયના ચીફ કમિશનર
ઘાટગે જીપ ચલાવી રહ્યા હતા. ઘાટગે અને નેહરુ વચ્ચે તત્કાલીન રેલવેમંત્રી લાલબહાદુર
શાત્રી બેઠા હતા. ઝુરણના રસ્તે જીપ પલટી ખાઈ ગઇ... જીપ ઊભી કરવા ડીએસપી હમીરસિંહજી
વગેરે દોડી ગયા... ત્યાં અંદરથી જવાહરલાલ નેહરુ બોલી ઊઠયા, `મૈં જિંદા હું.'...
બધાંએ જીપ સીધી કરી... તનાવનો માહોલ હતો...બધા હેમખેમ બહાર નીકળ્યા,
પણ એ પ્રકારનો ગંભીર અકસ્માત... અને તે પણ દેશના દિગ્ગજ નેતાઓ સાથે...
બધાં ટેન્શનમાં હતાં. પ્રધાનમંત્રી સમય વર્તીને સૌનો ભાર હળવો કરવા બોલ્યા,
`અગર શાત્રીજી કે બજાય પંતજી મેરે સાથ બૈઠે હોતે
તો મેરી હાલત કૈસી હોતી...'
શાત્રી વામન કદના - પાતળા હતા, જ્યારે તે સમયના
ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંત ભરાવદાર - મહાકાય હતા... હિંમતસિંહજી નોંધે છે,
એ દિવસે ઉમેદ ભુવનમાં રાત્રિભોજનમાં નેહરુએ આંખના ઇશારે કહી દીધું હતું
કે અકસ્માતની વાત ન કરવી. તેમણે ઘાટગેને પણ પોતાની સાંત્વના આપી દીધી હતી. વડાપ્રધાન
હોવા છતાં નેહરુજીની નમ્રતા અને સહૃદયતા નોંધનીય કહી શકાય. કુદરતી આફત વખતે બચાવ -
રાહત કાર્યને હંમેશાં પ્રાધાન્ય મળવું જોઇએ. શું કરવું, કેમ કરવું...
એ માટે ઉપલી કક્ષાએથી આદેશની વાટ ન જોવાય... 1956ના ભૂકંપ સમયે અંજારમાં સ્વ. દિનમણિરાય લક્ષ્મણરાય
વૈદ્ય ડેપ્યુટી કલેક્ટર હતા. અંજાર શહેર અને વાગડ આખાંથી પરિચિત. ભૂકંપ થતાં જ તાર
- ટેલિફોન - વીજળી બધું બંધ... વૈદ્યસાહેબે કોઇ સૂચનાની રાહ જોયા વગર પોતાની રાહબરી
હેઠળ બધી વ્યવસ્થા સંભાળી લીધી... રેલવે સ્ટેશનના ટેલિફોનથી ભૂકંપના ખબર પહોંચાડવા
પ્રયત્નો કર્યા અને પોલીસ કોન્સ્ટેબલને મોટરસાઈકલથી ભુજ મોકલીને દુર્ઘટનાની જાણ કરાવી.
શ્રી વૈદ્યે શહેર અને આસપાસના તમામ ડોક્ટરોને હોસ્પિટલમાં બોલાવી લીધા. દવાના સ્ટોર
ખોલાવી નાખ્યા... પેટ્રોમેક્સ ભાડે આપતી બે દુકાન ખોલાવી ને પોતાની ચિઠ્ઠીથી બચાવકાર્ય
માટે જતાં જૂથને પેટ્રોમેક્સ આપી દેવા હુકમ કર્યો. અંજારનો ધરતીકંપ રાત્રે આવ્યો હતો.
મધરાત, પરોઢે
ફરી ફરીને આંચકા લાગતા રહ્યા... લોકો મેદાનોમાં કે શહેરની બહારના ભાગોમાં નીકળી ગયા
હતા. શહેરનાં દેવળિયા નાકાંથી ગંગા નાકાં સુધી પૂર્વ ભાગના મોટાભાગનાં મકાનો તિરાડોને
લીધે રહેવાલાયક રહ્યાં નહોતાં. બીજા દિવસે સવારે લશ્કર આવી ગયું... સરકારી અધિકારીઓ
અને કોંગ્રેસના નેતાઓ પણ આવી ગયા... પરિસ્થિતિનો દોર હાથમાં લઇ લીધો. પ્રેમજી ભવાનજી
ઠક્કરની આગેવાની હેઠળ મધ્યસ્થ ભૂકંપ રાહત સમિતિ રચાઇ અને રાહતકાર્યો શરૂ થયાં. સામૂહિક
રસોડાં ખૂલ્યાં... એ સમયે કોઇએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ નહોતી લીધી, પણ કોઠાસૂઝ અને અનુભવથી આવી મોટી કુદરતી હોનારત સામે બાથ ભીડી... લોકોની તકલીફ
કેમ ઓછી કરવી, તેમને કેમ થાળે પાડવા એ એકમાત્ર ઉદ્દેશ સાથે બધા
ખભેખભા મિલાવીને કામ કરતા. અંજારનો ભૂકંપ આ રીતે કચ્છની ગોઝારી વિભીષિકાઓમાં વણાઇ ગયો
છે. આ ધરતીએ કુદરતની કેટલીય બેરહેમ આફતો સહન કરી છે. વિનાશક ભૂકંપોનો ઇતિહાસ છે. કમનસીબે
છતાં કોઇ બોધપાઠ નથી લેવાયો. 1956ના ધરતીકંપ પછી દેશનાં ભૂસ્તર સંશોધન ખાતાંના પશ્ચિમ વિભાગના સુપરિટેન્ડેન્ટ
ભૂસ્તરશાત્રી બાલાસુંદરમે ચેતવણી આપી હતી કે, `ભૂકંપથી તારાજ અંજારના પૂર્વ ભાગનો ઉપયોગ પુન:વસવાટના
હેતુથી ન કરવો... અંજારના એ ભાગને 1819ના ધરતીકંપમાં પણ ભારે નુકસાન થયું હતું. બાલાસુંદરમે નવાં બાંધકામ ધરતીકંપના
આંચકા ખમી શકે એવી ડિઝાઇનનાં કરવાનીએ સલાહ આપી હતી... પણ સમય વીત્યો એ સાથે બધી સલાહ
- ચેતવણી ભૂલાઇ ગઇ અને એની મોટી કિંમત અંજારે 2001માં ચૂકવવી પડી... 1956 અને
2001ના એ ભૂકંપે કચ્છને ખૂબ પીડા આપી છે. 2001નો ધરતીકંપ તો આખું કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં વિનાશ વેરતો ગયો...
બદલાયેલા સમયમાં બાંધકામની નવી ટેક્નોલોજી આવી... નિયમો બન્યા... તેનો અમલે થઇ રહ્યો
છે... પચ્ચીસ વર્ષ વીતી ગયાં પછી માનવમન પોતાની રીતે છૂટછાટ લેતું થઇ ગયું છે. ક્યાંક
વગર મંજૂરીએ બાંધકામ... ગીચ કન્સ્ટ્રક્શન... લોડબેરિંગ વિના મકાનોમાં નવા રૂમ બનાવવા...
અત્યારે બધું સગવડભર્યું લાગે છે... ઇશ્વરને પ્રાર્થના કરીએ કે પસ્તાવાનો વારો ફરી
કદીએ ન આવે...