નખત્રાણા, તા. 25 : કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા
તાલુકા પંથકમાં શુકનવંતા `પુષ્ય' જેને તળપદી ભાષામાં પોખ કહેવામાં આવે છે એવા
નક્ષત્રમાં સર્વત્ર 2થી 4 ઇંચની મેઘકૃપા, પવન અને કડાકા-ભડાકા સાથે માલધારી, ખેડૂતો, વેપારી વર્ગ સાથે લોકોમાં ખુશીની લહેર
ફરી વળી છે. ખેડૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ વાવણીલાયક વરસાદથી કપાસ, મગફળીના વાડીઓમાં વાવેતર કરાયેલા પાકોને પાલર પાણી ફાયદો અપાવશે. નખત્રાણામાં
કૈલાસનગરના એક આવાસના આંગણામાં લીમડાનું વૃક્ષ પવનથી ધરાશાયી થતાં લીમડા નીચે પડેલું
ટુ વ્હીલર વાહન દબાઇ ગયું હતું. ઉખેડા, રસલિયા, ખોંભડી, કાદિયા, ટોડિયા સહિતના
વિસ્તારમાં તાલુકામાં સૌથી વધુ 3થી 4 ઇંચ વરસાદ
વરસતાં નદીઓ, ડેમ, તળાવોમાં પાણી આવ્યા હતા, તેવું ટોડિયાના વેપારી હુસેનભાઇ
પીંજારાએ જણાવ્યું હતું. ધરૂડ નદીના પાણી મથલ ડેમમાં આવતાં મથલ ડેમમાં 4 ફૂટ નવા પાણી આવ્યા હતા. રોહા (સુમરી) વેરસલપર, ખીરસરા, કોટડા રોહા,
વિભાપર, સુખપર, મંગવાણા-માધાપર
સમગ્ર પટ્ટીના ગામોમાં દોઢ ઇંચ જેટલા વરસેલા વરસાદથી વાવણી તથા સીમાડામાં ઘાસચારા ઊગી
નીકળવા લાયક વરસાદથી લોકો ઝૂમી ઊઠયા છે, તેવું રોહા (સુમરી)થી
સરપંચ નીતિનગિરિ ગોસ્વામીએ ખુશીના સમાચાર આપતાં તેમણે રોહાના તળાવમાં 3 માસના પાણી ભરાયાનું જણાવ્યું હતું. દેવીસરના
ગ્રા.પં. સદસ્ય અશ્વિનભાઇ આઈયાએ વરસાદના વાવડ
આપતાં દેવીસર, લાખિયારવીરા, ચાવડકા, ભીમસર, હીરાપર,
ચંદ્રનગર, ખારડિયા, થાન,
ગોધિયાર સહિતની સમગ્ર પટ્ટીમાં બે ઇંચ જેટલા સોના જેવા વરસેલા વરસાદથી
સીમાડામાં ઘાસચારો ઊગી નીકળશે તથા પશુ-પક્ષીઓનો પીવાનાં પાણીનો પ્રશ્ન હલ થયો છે. ધીણોધર
ડુંગર ઉપર અરલ નાની/મોટી, ગેચડા સમગ્ર પટ્ટીમાં બે ઇંચ જેટલો
વરસાદ પડયો છે, તેવું અરલના કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
મોટી વિરાણી, નાની વિરાણી, સુખપર,
જતાવીરા, નાની બન્નીના તલ, છારી, ફુલાય, લૈયારી, મોતીચૂર સહિત માલધારી વિસ્તારમાં બેથી અઢી ઇંચ જેટલા વરસેલા વરસાદથી પશુ-ઢોર
માટે આશીર્વાદરૂપ થયાનું સમેજા અદ્રેમાન (મુતવલી)એ જણાવ્યું હતું. હાજીપીર,
લુણા, બુરકલ, ભીટારા પશુધનના
ગામોમાં 4 ઇંચથી વધુ
મુશળધાર વરસાદથી ડેમ-તળાવોમાં પાણી ભરાયા હતા. હાજીપીરના ઐતિહાસિક સોદ્રાણા સરોવરમાં
અડધા ભાગમાં પાણી આવ્યા છે તેવું મુંજાવર ઇસ્માઇલભાઇએ કહ્યું હતું. - માલધારીઓના હૈયે ટાઢક : નખત્રાણા
તાલુકાના નાની બન્નીથી હાજીપીર વિસ્તારમાં મધરાત્રે 12:30 વાગ્યે આવેલ મેઘાટ્રેન મનભરી
વીજળીના ચમકારા સાથે આવતાં સવારના ચાર વાગ્યા સુધી અઢીથી ત્રણ ઈંચ મોસમનો પહેલો વરસાદ
પડતાં માલધારીઓના મોઢે ખુશી આવી હતી, તો દેશલપર ગુંતલીથી સરપંચ નારાણભાઈ ચાવડાએ બે ઈંચ વરસાદના સમાચાર આપ્યા હતા.
ઐયરમાં ડેમ-તળાવો છલોછલ ઐયર વિસ્તારમાં અઢી ઈંચ વરસાદના વાવડ સચિન ઠક્કર અને રમજાનભાઈએ
આપ્યા હતા. સીમમાં આવેલા ડેમ અને તળાવો છલોછલ થવાના આરે છે. મુરુ, ગજણસર વિસ્તારમાં અઢી
ઈંચ વરસાદથી લોકો હરખાયા હતા તેવું વેરસીભાઈ આહીરે જણાવ્યું હતું. સરપંચ શંકરભાઈ અને
અરવિંદ ઠક્કરે સાંગનારાના વરસાદી અહેવાલ આપ્યા હતા. મેસ નદિમાં પૂર આવ્યું હતું. મંજલ,
તરા, લાખાણી, માધાપર,
નવી મંજલમાં 3 ઈંચ પાલર પાણીથી ધરપત મળ્યાનું હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
સરપંચ વાલાભાઈ આહીર, વેપારી ચતુરસિંહ
સોઢાએ નાની-મોટી ધામાય, ચરાખડા, જતાવીરા
વિસ્તારમાં અઢી ઈંચ પાણીનો સ્વાદ મેઘરાજાએ ચખાડયો હતો. ભડલી, થરાવડા, રાનારા, વિંછિયા વિસ્તારમાં
પણ રાત્રે વરસાદના વાવડ ગુલામ મકવાણાએ આપ્યા હતા. જિયાપર-કુરબઈ વિસ્તારમાં એકાદ ઈંચ
વરસાદના સમાચાર માજી સરપંચ વિજ્યાબેન ગોસ્વામી, જ્યારે મંગવાણામાં
વરસાદ પડયાના વાવડ સૈયદ રિઝવાનશાએ આપ્યા હતા. વિજયભાઈ સીજુ અને હારુનભાઈ કુંભારે નેત્રા
ગામે ગત રાત્રે 12 વાગ્યાથી
સવારે 8 વાગ્યા સુધી 46 મી.મી. વરસાદ વરસ્યો હોવાની
વિગત આપી હતી. નખત્રાણા તાલુકાના રવાપર સહિત વિસ્તારોમાં મોડી રાત્રે 12 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં
દોઢથી બે ઈંચ વરસાદ વરસતાં માલધારી, ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. રવાપર, નવાવાસ,
વિગોડી, આમારા, નાગવીરી,
ખીરસરા, ઘડાણી, વાલ્કા,
લીફરી, મેવાનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક
વરસાદ થતાં ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બન્યા હતા. આમારા ગામનું તળાવ ઓગનવાની તૈયારીમાં
હોવાનું જાણવા મળ્યું છે.