• ગુરુવાર, 09 જુલાઈ, 2026

નર્મદા વિવાદ ઉકેલનું ઐતિહાસિક સમાધાન

પાણી એ રાષ્ટ્રીય સંપત્તિ છે. કોઇ એક રાજ્યમાંથી વહેતી નદીનાં વધારનાં જળ સમુદ્રમાં વહી જાય તે કરતાં તેનો મહત્તમ ઉપયોગ થવો જોઇએ. જ્યાં પાણીની ખેંચ છે એવા સૂકા વિસ્તારો સુધી જળ પહોંચાડવાં જોઇએ એવા ઉમદા વિચાર સાથે સાકાર થયેલી સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે ચાવીરૂપ પુરવાર થઇ છે. આ યોજનાએ અનેક વિવાદો જોયા, આંદોલનો થયાં, સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની દાવપેચ ખેલાયા. તેના અંતે નર્મદા નદી પર દેશનો બીજા ક્રમનો 138 મીટર ઊંચો નર્મદા બંધ ગુજરાતને સમૃદ્ધિની ગેરંટી આપતો ઊભો છે. આજની પેઢીને કદાચ ખબરે નહીં હોય એવો વિવાદ ત્રણ દાયકાથી ઊભો હતો. ગુજરાતના અબજો રૂપિયા લેણાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર પાસેથી નીકળતાં હતાં. એ રાજ્યોની બિનભાજપ સરકારોએ ઉકેલને બદલે ટકરાવનો માર્ગ ભૂતકાળમાં લીધાના બનાવ ઇતિહાસમાં નોંધાયા છે, પણ સહકારથી સમાધાન શક્ય બન્યું. ભૂપેન્દ્ર પટેલ (ગુજરાત), દેવેન્દ્ર ફડનવીસ (મહારાષ્ટ્ર), ભજનલાલ શર્મા (રાજસ્થાન) અને ડો. મોહન યાદવ (મધ્યપ્રદેશ) એમ ચારે રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહત્ત્વાકાંક્ષી પરિયોજનાના ખર્ચની વહેંચણીનો મુદ્દો કાયમ માટે ઉકેલાયો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની મધ્યસ્થીમાં મંગળવારે નવી દિલ્હી ખાતે મળેલી બેઠકમાં બાકી ચૂકવણીના નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી થઈ. વન ટાઈમ સેટલમેન્ટ અંતર્ગત ગુજરાતને ત્રણે ભાગીદાર રાજ્યો તરફથી અંદાજે રૂા.1650 કરોડની બાકી રકમ મળશે. આ સમજૂતી વખતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ પણ ઉપસ્થિત હતા. આ સમજૂતીને લાંબાગાળાના વિવાદો ઉકેલવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ ઘટનાનું રાજકીય મહત્ત્વ એ છે કે, રાજ્યોમાં ડબલ એન્જિન સરકારો હોય તો વધુ સારી સમજણ પ્રવર્તી શકે છે. દેશના અનેક ભાગોમાં નદી જળ વિવાદ દાયકાઓથી ચાલે છે. સંબંધિત રાજ્યો સમજૂતી કરવાને બદલે હાઈકોર્ટો, ટ્રિબ્યૂનલ અને સુપ્રીમ કોર્ટના ચક્કર લગાવતાં રહે છે. આ ટકરાવ પાછળનું મૂળ કારણ રાજકીય પ્રતિદ્વંદતા પણ હોય છે. એટલે જ નર્મદા સમજૂતી બીજાં રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બનવી જોઈએ. આ સમજૂતી પછી સંબંધિત ચારે રાજ્યો વધુ સારી જળવહેંચણી કરી શકશે. ગુજરાતની વાત કરીએ તો નર્મદા નિગમને નાણાં મળતાં દૂર સુધીની પેટા કેનાલોનું નેટવર્ક પૂરું થઈ શકશે... સરદાર સરોવર બંધ અને નર્મદા કેનાલને લીધે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનને પાણી અને જળ વિદ્યુત ઉપલબ્ધ થઈ શકે છે. ગૃહમંત્રી અમિત શાહે યોગ્ય જ કહ્યું છે કે, કોઈ એક રાજ્ય સમૃદ્ધ થાય છે તો એનો ફાયદો પડોશી રાજ્યો તથા સમગ્ર દેશને મળે છે. નર્મદા નદી અને બંધ ગુજરાત સહિતનાં ચાર રાજ્યો માટે જીવનરેખા છે. ગુજરાતમાં કચ્છ જેવા છેવાડાના સરહદી વિસ્તારમાં પેયજળ અને આંશિક ખેતી માટેનાં પાણી છસ્સો કિલોમીટર દૂરથી આવે છે. આ યોજનાનો ઈતિહાસ વિવાદભર્યો છે. સરદાર બંધને લીધે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં મોટો વિસ્તાર ડૂબમાં જતાં બાબા આમ્ટે - મેધા પારકરે યોજનાને મંજૂરી ન મળે એ માટે આંદોલન કર્યાં હતાં. ટ્રિબ્યૂનલના નેજા હેઠળ સમયાંતરે મોટાભાગના મુદ્દા ઉકેલાતા ગયા અને ચારે રાજ્યો નર્મદા જળના મીઠાં ફળ ખાઇ રહ્યાં છે. કાળઝાળ ઉનાળામાં અને વરસાદ ખેંચાઇ ગયો હોય એવા સમયે કચ્છીઓ માટે મોટી મુસીબત સર્જાતી, ગામડાં ખાલી થઇ જતાં, નર્મદા પાઇપલાઇન થકી કચ્છને પીવાનાં પાણીમાં મોટી રાહત થઇ ચૂકી છે. છેક રણચોકીઓ સુધી નર્મદાનાં નીર પહોંચે છે. એ જ રીતે ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીમાંથી દસ લાખ એકરફીટ જથ્થો કચ્છને ફાળવવામાં આવ્યો છે. તેના મોટાપાયે કામ ચાલી રહ્યાં છે. સૌની યોજનાએ સૌરાષ્ટ્રમાં ચમત્કાર કર્યો છે એમ વધારાનાં નર્મનાં નીરથી કચ્છનાં તમામ જળાશયો ભરી દેવાશે. જાણકારો કહે છે કે, કચ્છની ધરતીમાં પાણીની અછત દૂર થતાં ચમત્કારિક પરિણામ આપવાની ક્ષમતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત આજે વિકાસની નવી ઊંચાઇએ પહોંચવા પ્રયત્નશીલ છે, ત્યારે  પ્રાકૃતિક સંસાધનોના કુશળ વ્યવસ્થાપન તથા રાજ્યો વચ્ચે આંતરિક સદ્ભાવ ખૂબ  જરૂરી છે. કર્ણાટક-તામિલનાડુ વચ્ચેનો કાવેરી જળ વિવાદ, સતલજ-યમુના લિન્ક  નહેરના વિવાદ વણઉકેલ છે, ત્યારે  અમિત શાહની મધ્યસ્થતાથી થયેલી સમજૂતીએ સંદેશ આપ્યો છે કે, વિવાદનો નિવેડો ખટલા-સંઘર્ષને બદલે સંવાદથી થવો જોઇએ. નર્મદા સમજૂતી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ ચારે રાજ્યોને ફાયદો કરાવશે એમાં બે મત નથી. 

Panchang

dd