• બુધવાર, 08 જુલાઈ, 2026

હારમાં ટ્રમ્પની જીત?

ડોનાલ્ડ ટ્રમ્પને કદાચ અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સૌથી વધારે વ્યથા થઈ હોય એવું લાગે છે, કેમ કે, અમેરિકાને ફરીવાર મહાન બનાવવાના તેમના સ્વપ્નના પાયામાં બહારથી આવી યેનકેન પ્રકારે અમેરિકાનું નાગરિકત્વ મેળવી લેનારાઓને ઘરભેગા કરવાનો હુંકાર પણ હતો. વળી, આ મુદ્દો ચૂંટણી પહેલાં ચગાવી વાતાવરણમાં ગરમાટો લાવી પરિણામ પોતાની તરફ ખેંચી લાવવામાં તેમને સફળતા મળી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે જન્મસિદ્ધ નાગરિકત્વ એટલે કે બર્થરાઈટ સિટીઝનશિપ બાબતે ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોરાણે રાખી અમેરિકાનાં બંધારણે આપેલી બાંહેધરીને બહાલી આપી છે. અમેરિકાની ધરતી પર જન્મ લેનાર બાળકોને ત્યાંનું નાગરિકત્વ આપોઆપ મળી જાય, ભલેને તેમના માતા-પિતા અમેરિકામાં યોગ્ય દસ્તાવેજો વિના રહી પડયા હોય. જો કે, આ જોગવાઈનો ગેરફાયદો ઉપાડનારાઓની સંખ્યા પણ ખાસ્સી મોટી છે અને દુનિયાભરમાંથી ગર્ભવતી ત્રીઓ ખાસ બાળજન્મ માટે અમેરિકા આવતી હોવાના કિસ્સા તથા બર્થ ટૂરિઝમ નામે આખો વ્યવસાય ચાલે છે, એ પણ એટલું જ સાચું છે. આ પહેલાં પણ એક સ્થાનિક અદાલતે જન્મસિદ્ધ નાગરિકત્વની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, પણ સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી હવે તેના પર મહોર લાગી છે. 6-3ની બહુમતીથી ટ્રમ્પના આદેશને ગેરકાયદે અને 4-5ની પાતળી મેજોરિટીથી અમેરિકન બંધારણનું ઉલ્લંઘન કરનારો જાહેર કર્યો છે અને ચુકાદા બાદ ટ્રમ્પે ટેવ પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને ન્યાયાધીશો વિશે એલફેલ બોલવાનું શરૂ કરી દીધું છે. હવે જન્મસિદ્ધ નાગરિકત્વ પર બંધી માત્ર કોંગ્રેસમાં કાયદો પસાર કરીને જ લાવી શકાય એમ છે. જો કે, એ માટેના આંકડા ટ્રમ્પ પાસે નથી અને મધ્યસત્ર ચૂંટણી પહેલાં આવેલો આ નિકાલ ટ્રમ્પ અને તેમના પક્ષની ઘટતી લોકપ્રિયતા માટે કદાચ બૂસ્ટર ડોઝ સાબિત થઈ શકે છે, કેમ કે, ટ્રમ્પની જેમ અનેક અમેરિકનો માને છે કે, બહારથી આવીને ગેરકાયદે વસેલા અને સંતાનના જન્મને કારણે નાગરિક બની જતાં લોકો અમેરિકામાં ગુનાખોરી ફેલાવે છે અને સ્થાનિકોના અધિકારો પર તરાપ મારે છે. અદાલતે ચુકાદો ભલે આપ્યો હોય, પણ ટ્રમ્પની કટઓફ તારીખ પછી જન્મેલાઓ માટે અત્યારે ઉજવણી કરવી કદાચ વહેલી લેખાશે. ભારતીય મૂળના આશરે 54 લાખ લોકો અમેરિકામાં વસે છે, જે અમેરિકાની વસ્તીનો 1.6 ટકા હિસ્સો થાય અને મેક્સિકનો પછી ભારતીયો બીજા ક્રમનો સૌથી મોટો ઈમિગ્રન્ટ સમુદાય છે, તો વિદેશમાં જન્મેલા કામગારોનું પ્રમાણ અમેરિકન વર્ક ફોર્સના આશરે એક પંચમાંશ છે. આવામાં, બહારના લોકોને હાંકી કાઢવાનો ટ્રમ્પનો વિચાર સ્થાનિકોને ગમે એવો હોવા છતાં તેનાં કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. જો કે, અમેરિકનો મોટો વર્ગ આ વિદેશીઓને સૂગ અને નફરતની દૃષ્ટિથી જુએ છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં આ પ્રમાણ ખાસ્સું વધ્યું છે. ટ્રમ્પ માટે આઘાતજનક લાગતો હોવા છતાં આ ચુકાદો કદાચ તેમના પક્ષ માટે લાભદાયક ઠરી શકે છે અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ કદાચ હવે ઈમિગ્રન્ટો પ્રત્યે વધુ ભુરાટા થાય તો આશ્ચર્ય નહીં. 

Panchang

dd