• ગુરુવાર, 09 જુલાઈ, 2026

જોકોવિચ-ઝ્વેરેવ સેમિફાઈનલમાં

લંડન, તા. 8 : ટેનિસના મહાન ખેલાડી અને 24 વખતના ગ્રાંડસ્લેમ વિજેતા નોવાક જોકોવિચે ફરી એકવાર તેના લડાયક જુસ્સાનો પરિચય આપીને વિમ્બલ્ડનમાં સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. બીજી બાજુ એલેક્ઝાન્ડર ઝ્વેરેવે અમેરિકાના ટેલર ફ્રિટ્ઝને સીધા સેટમાં હરાવીને પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વિમ્બલ્ડન ઇતિહાસનો સૌથી લાંબો કવાર્ટર ફાઇનલ મેચમાં 39 વર્ષીય જોકોવિચનો તેનાથી 1પ વર્ષ નાના ખેલાડી કેનેડાના ફેલિક્સ ઓગર એલિયાસિમ વિરુદ્ધ પ કલાક અને 1પ મિનિટની મેરેથોન લડત બાદ 7-6, 3-6, 6-3, 6-7 અને 7-6થી સંગીન વિજય થયો હતો. આ ઉપરાંત જોકોવિચની વિમ્બલ્ડન કેરિયરની પણ સૌથી લાંબી મેચ હતી. મેચ દરમિયાન જોકોવિચને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પહેલા સેટમાં તેને ઇજા થઇ હતી, પણ હાર માની નહીં. સેમિ ફાઇનલમાં જોકોવિચની ટક્કર વિશ્વ નંબર વન ઇટાલીના ખેલાડી યાનિક સિનર વિરુદ્ધ થશે. ફ્રિટ્ઝ સામેની સતત સાત મેચની હારનો સિલસિલો તોડીને જર્મન ખેલાડી ઝ્વેરેવે ગ્રાસ કોર્ટ પર શાનદાર અને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. ઝેવરેવે ફ્રિટ્ઝને 6-4, 6-4, 6-2થી હરાવીને આ ઐતિહાસિક જીત મેળવી હતી. તેના માટે આ વિજય વિશેષ મહત્ત્વ ધરાવે છે. કારણ કે, તે ચારેય ગ્રાન્ડ સ્લેમની સેમિ-ફાઇનલમાં પહોંચનારો માત્ર પાંચમો સક્રિય પુરુષ ખેલાડી બન્યો છે.  બીજી તરફ મહિલા સિંગલ્સમાં માર્ટા કોસ્ટ્યુકે સેન્ટર કોર્ટ પરના પોતાના પ્રથમ મુકાબલામાં જાસ્મિન પાઓલિની સામે 6-3, 6-2થી શાનદાર જીત મેળવીને વિમ્બલ્ડનની સેમીફાઇનલમાં પ્રથમ વખત પ્રવેશ કર્યો અને આ વર્ષે પોતાની શાનદાર સફરને આગળ વધારી હતી. 

Panchang

dd