2008માં અમદાવાદમાં થયેલા ઘાતક-જીવલેણ બોમ્બ ધડાકાની ઘટનાના એક કચ્છી
સહિત 38 આરોપીને ફાંસીના માંચડે ચડાવવાની
ટ્રાયલ કોર્ટે આપેલી સજા હાઈકોર્ટે યથાર્થ ઠેરવી છે. બોમ્બ ધડાકામાં જેમનાં મૃત્યુ
થયાં હતાં તેમના પરિવારજનના ઝખમો ઉપર તો આ એક પ્રકારે મલમ છે જ, સાથે જ આતંકવાદ સામે ભારતની અવિરત લડાઈનો આ
વધુ એક પુરાવો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરેલી દીર્ઘકાલીન અને સચોટ તપાસનું આ પરિણામ
છે. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો એટલા માટે પણ અગત્યનો છે કે, આતંકવાદીઓ માટે કોઈ જ દયા કે આર્દ્રતા દર્શાવવામાં આવી નથી અને સામે મૃતકો
તથા ઘાયલો માટે આર્થિક સહાયનો આદેશ રાજ્ય સરકારને કરાયો છે. 2008ની 26મી જુલાઈએ અલગ-અલગ 20 સ્થળે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ
ધડાકાએ ધબકતા-દોડતા અમદાવાદ શહેરને સ્તબ્ધ કરી દીધું હતું. 56 માણસે ગણતરીની કલાકોમાં પોતાના
જીવ ખોયા હતા. કેટલી હદે ક્રૂર લોકોએ પોતાની અત્યંત વિકૃત અને વરવી, માનવતાવિરોધી માનસિકતાનાં પરિણામે આ કૃત્યને
અંજામ આપ્યો હશે કે જ્યાં ઘાયલોને લઈ જવાતા હતા તે સિવિલ હોસ્પિટલને પણ તેમણે છોડી
નહોતી ! ત્યાં પણ બોમ્બ ધડાકા થયા હતા. 99 લોકોની તપાસ બાદ 82 આરોપીની ધરપકડ થઈ હતી. તપાસની મુખ્ય એજન્સી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
રહી હતી. સ્પેશિયલ સિટી કોર્ટે 49 આરોપીને દોષિત
ઠેરવીને 38ને ફાંસી અને 11ને આજીવન કેદની સજા આપી હતી. 18 ફેબ્રુઆરી, 2022ના આ ચુકાદો
આવ્યા બાદ કેસ હાઈકોર્ટમાં ચાલ્યો હતો. 1,163 સાક્ષીની જુબાની અને આઠ લાખ પાનાંના દસ્તાવેજના આધારે દોઢ વર્ષ
આ કેસની સુનાવણી થઇ અને આખરે જજમેન્ટ મળ્યું છે. ધડાકા થયા ત્યારે ગુપ્તચર એજન્સીઓની
ટીકા થઇ હતી, પરંતુ પછી પોલીસે આ કેસમાં
ઘણું ઝીણુ કાંત્યું છે, ધમાકાની થોડી કલાકો પહેલાં ઈન્ડિયન મુજાહિદ્દીનનાં
નામે ધમકીભર્યા ઈ-મેઈલ મોકલાયા હતા. ધમાકા માટે ચોરાયેલી મોટરકારનો ઉપયોગ થયો હતો સહિતના
પુરાવા પોલીસે સખત મહેનત કરીને એકઠા કર્યા હતા. બોમ્બ માટે ગેસ સિલિન્ડર ખરીદાયા તે
દુકાનની ઓળખ, સાઇકલ બોમ્બ માટે સાઇકલ ક્યાંથી ખરીદાઈ તે દુકાન
સહિતનું સંશોધન પોલીસે સતત કર્યા કર્યું. 11 રાજ્યમાં આ ધડાકાનાં જોડાણો મળી આવ્યાં હતાં. આતંકવાદ વિરોધી
ચુકાદાઓમાં દેશના ઈતિહાસમાં સૌથી મોટા ચુકાદા પૈકી આ એક છે, જેના માટે ગુજરાત પોલીસના ખભે ચંદ્રક લગાડવા
પડે. પોલીસે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ- યુએપીએ, ગેરકાનૂની
સંગઠન સામેનો કાયદો, ગેરકાનૂની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતાં
કૃત્યની સામેનો કાયદો સહિતનો ઉપયોગ કરી કેસને મજબૂત બનાવ્યો. આંતરરાજ્ય એજન્સીઓ,
પોલીસ ઉપરાંતની તપાસ એજન્સીઓ વચ્ચેનું સંકલન રંગ લાવ્યું. પોલીસે પુરાવા
એકત્ર કર્યા, સાથે જ આતંકવાદીઓને જ્યાં આ કામની તાલીમ અપાઈ હતી
તે ઠેકાણાં પણ શોધી કાઢ્યાં હતાં. આ કરુણ ઘટના જુલાઈ માસમાં બની હતી, ચુકાદો આવ્યો ત્યારે પણ જુલાઈ ચાલે છે. સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો અને આજે
હાઈકોર્ટે આપ્યો તે બન્ને મંગળવાર છે. સરકાર અને સેનાની સાથે જ ભારતની ન્યાયપાલિકા
પણ આતંકવાદની સખત વિરુદ્ધ વલણ અપનાવે છે. રાષ્ટ્રવિરોધી, માનવતાવિરોધી
કોઈ કૃત્ય થશે તો આ જ હાલ થશે તેવો સ્પષ્ટ સંદેશ છે. કોર્ટે મૃતકના પરિવારોને 10 લાખ રૂપિયા અને ઘાયલ થયેલાઓના
પરિજનોને 5 લાખ રૂપિયાની સહાય કરવાનો આદેશ કર્યો છે, જેનો અમલ તત્કાલ થશે તેવી ખાતરી રાજ્ય સરકાર
વતી ગૃહમંત્રીએ આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, ગુજરાત હોય કે દેશ આતંકવાદને કોઇ સ્થાન નથી. ગુજરાતમાં 2002માં થયેલા રમખાણના પાયામાં
રહેલો ગોધરા કાંડ, અક્ષરધામ ઉપરનો
હુમલો, 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા
સહિતની ઘટનાઓ સામે ચુસ્ત કાર્યવાહી થઈ છે, આજે આવેલો ચુકાદો તેનું જ ઉદાહરણ છે. જે કોઈ ઊંચી આંખ કરીને ભારત-ગુજરાતની
શાંતિ સામે જોશે તેનો અંત ફાંસીનો માંચડો જ છે તે સંદેશ આ ઐતિહાસિક ચુકાદામાંથી સંભળાઈ
રહ્યો છે.