• ગુરુવાર, 09 જુલાઈ, 2026

અંજારમાં સુધરાઇ દ્વારા માર્ગોની મરામતની કામગીરી શરૂ કરાઇ

અંજાર, તા. 8 : શહેરના  વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન માર્ગમાં  પાણી ભરવાની સ્થિતિ નિવારવા નગરપાલિકા દ્વારા વ્યાયામ આદરવામાં આવ્યો છે. શહેરના ગાયત્રી ચાર રસ્તા થી દેવનગર સુધીનો માર્ગ, યોગેશ્વર દેવળિયા નાકા, સવાસર નાકા, હેમલતા પાર્ક સહિતના શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રતિવર્ષ ચોમાસાના દિવસોમાં પાણી ભરાવાની સમસ્યા છે. અને રોડ પર ખાડા પડી જાય છે તે બાબતને ધ્યાનમાં લઈને નગરપાલિકાના પદાધિકારીઓ અને વિવિધ સમિતિના ચેરમેનઓએ નિરીક્ષણ કર્યું હતું. ઇજનેરોને જરૂરી સૂચના આપી સત્વરે કામગીરી કરવા જણાવ્યુ હતું  હાલમા ગાયત્રી ચાર રસ્તા થી દેવનગર સુધીના માર્ગ પર મેટલ પાથરવાની કામગીરી ચાલી રહી છે.  ડમ્પરથી હજુ વધુ મેટલ પાથરી લેવાલિંગ કરી તેના પર રોડ રોલર ફેરવીને કાળી ભૂસી નાખવાની કામગીરી કરવા ઇજનેરોને સૂચના આપવામાં આવી હતી. જ્યારે હેમલતા પાર્ક પાસે જ્યાં પાણી ભરાય છે ત્યાના સ્થાનિક દુકાનદારોએ પદાધિકારીઓ પાસે રૂબરૂ રજૂઆત કરી હતી. આ મુદે સકારાત્મક પ્રત્યુતર આપવામાં આવ્યો હતો. સેના વિવિધ વિસ્તારોમાં સમીક્ષા કરવામાં આવી ત્યારે લોકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.  નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી ચેરમેન પ્રકાશ લોદરીયા, શાસક પક્ષના નેતા આશિષ ઉદવાણી, દંડક ગીરીશભાઈ પરમાર, તેમજ વિવિધ સમિતિઓના અધ્યક્ષો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્ય માર્ગો પર જ્યાં જ્યાં નગરપાલિકા હસ્તકના રોડ-રસ્તા છે ત્યાં કોઈ પણ પ્રકારના ખાડા હોય કે રોડ બિસ્માર હાલતમાં હોય તો તે રોડ પર મેટલ દ્વારા તાત્કાલિક પેચવર્ક કરી કામ પૂર્ણ કરવાની સૂચના બાંધકામ સમિતિના ચેરમેન નિલેશગિરિ ગોસ્વામીએ આપી હતી. 

Panchang

dd