• શુક્રવાર, 03 જુલાઈ, 2026

પાંચ સિસ્ટમ પર મેઘસવારી : માંગરોળ-કેશોદ 11 ઇંચ

રાજકોટ/અમદાવાદ, તા. 2 : ગુજરાતમાં જૂન મહિનામા મોટાભાગે મેઘરાજાની પધરામણી થઇ જતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું છે અને જૂન મહિનો કોરો ગયો હતો ત્યારે જુલાઇ મહિનાના પ્રથમ દિવસથી જ જાણે કે જૂન મહિનામા રીસાયેલા મેઘરાજા રીઝવા લાગ્યા હોય એમ બે દિવસમાં ધમાકેદાર વરસી રહયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં પ્રકૃતિના અણધાર્યા પ્રકોપ વચ્ચે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેમ માંગરોળ અને કેશૌદ પંથકમાં 11 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આકાશી આફતના કારણે પંથકની નદીઓ ગાંડીતૂર બની છે, રસ્તાઓ પર નદીની માફક પાણી વહી રહ્યા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે તેમજ નદીના પુર કોઝવે પર ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આ ઉપરાંત પણ પોરબંદર, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર સહિતના જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ છે. એક તરફ કુદરતની આ મહેરથી ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે, તો બીજી તરફ વહીવટી તંત્ર સફાળું જાગીને `એલર્ટ મોડ' પર આવી ગયું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં દસ ઇંચ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. કેશોદ 9.53 ઇંચ, સૂત્રપાડામાં 7.20 ઇંચ વરસાદ પડયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ પડવાની આશંકા છે. હવામાન વિભાગે નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.આગામી ત્રણ દિવસ સુધી ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવી છે. આવતીકાલે 3 જુલાઈએ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને  દેવભૂમિ દ્વારકા, રાજકોટબોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જ્યારે 4 જુલાઇએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગરમાં રેડ એલર્ટ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, તાપીમાં ઓરેન્જ એલર્ટ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જૂનાગઢ : જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ મહેર સાથે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કેશોદ, માણાવદર ,માળીયા અને માંગરોળમાં મેઘ તાંડવની માફક 10 થી 15 ઇંચ પાણી પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ ગાડીતૂર બની છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જિલ્લાના કેશોદ, માણાવદર, માંગરોળ અને માળિયા વિસ્તારને મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં ધમરોળી નાખ્યા છે. આજ સવારથી સાંજ સુધીના વરસાદની વાત કરીએ તો કેશોદ માંગરોળમાં 11 ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી -પાણી થઇ ગયું હતું અને માળિયા અને માણાવદરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જુનાગઢ, વંથલી, મેંદરડા અને ગિરનારમાં ચાર, વિસાવદરમાં બે તથા ભેસાણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. દરમ્યાન સૂત્રાપાડામા 8 ઇંચ, વેરાવળમાં 7 ઇંચ, કોડીનારમાં 3.5 ઈંચ, તાલાલામાં 3 ઇંચ તથા ઉનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે.  સુરતના ઓલપાડમાં 3.7 ઇંચ, વડોદરાના સિનોરમાં 2.95 ઇંચ અને ભરૂચના વાલિયામાં 2.05 ઇંચ વરસાદની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર યથાવત રહી છે. આ સિવાય રાજકોટના ઉપલેટામાં 3.46 ઇંચ, ગીર સોમનાથના કોડીનારમાં 3.27 ઇંચ, દાહોદના ગરબાડામાં 2.68 ઇંચ, રાજકોટના ધોરાજી, અમરેલીના કુકાવાવ વાડીયામાં 2.6 ઇંચ, જૂનાગઢમા 2.32 ઇંચ વરસાદ પડ્યો હતો. - એનડીઆરએફની 25  જવાનની ટીમ સ્ટેન્ડબાય : રાજકોટ, તા.2 : જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદ અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાથી (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) એનડીઆરએફની 25 જવાનોની એક ટીમ રાજકોટ જિલ્લામાં મોકલવામાં આવી છે. આ ટીમને તમામ જરૂરી રાહત અને બચાવ સાધનો સાથે સ્ટેન્ડ-બાય પર રાખવામાં આવી છે. ઉપલેટા વિસ્તારમાં આ ટીમને તૈનાત કરવામાં આવી છે.   

Panchang

dd