નખત્રાણા, તા. 2 : અહીં પ્રાંત અધિકારી કચેરી
બહાર પ્રવેશદ્વારે જાગૃત નાગરિક પી. સી. ચાવડાની આગેવાનીમાં વિવિધ મુદ્દાનો ઉકેલ ન
આવતાં ચાર દિવસથી પ્રતીક ધરણાં આદરવામાં આવ્યાં છે. જો તંત્ર દ્વારા ઉકેલની ખાતરી નહીં
અપાય તો અનિશ્ચિત મુદત સુધી ઉપવાસ ધારણાં કરવાની ચીમકી આપી હતી. તાલુકા પંથકમાં જમીનના
ભાવવધારા, ગૌચર જમીનોનું દબાણ, શાળાઓમાં
શિક્ષકોની ઘટ, સીએચસી, પીએચસીમાં અપૂરતો
સ્ટાફ, વહીવટી કામોમાં થતી રૂકાવટ, ગેરકાયદે
ઊભા કરાયેલા પવનચક્કીના ટાવર તથા વીજપોલ સહિતના મુદ્દે આ વિસ્તારના જાગૃત નાગરિક પી.
સી. ચાવડા દ્વારા મળવાપાત્ર નાગરિક હક્કો બાબતે તંત્ર દ્વારા ઉકેલ ન આવતાં ધરણાં હાથ
ધરાયાં હોવાનું જણાવ્યું હતું. ઉખેડા ગામના વંકા રબારીએ બારાતુ ગામોના ઇસમો દ્વારા
જમીન કબજે કરાઇ હોવાની ફરિયાદ અંગે રજૂઆતો કરાઇ હોવા છતાં કાર્યવાહી કરવામાં નથી આવી
તેવી કલેક્ટર સમક્ષ લેખિત ફરિયાદમાં જણાવાયું હતું તેમજ વડવા કાંયાના ખેડૂત ખાતેદારનું
અવસાન થતાં વારસદારને નામે ચડાવ્યું ન હોવાની ફરિયાદને ટેકો જાહેર કરાયો હોવાનું જણાવ્યું
હતું.