ગાંધીધામ / ભુજ, તા. 2 : ભચાઉમાં ટ્રેન
તળે આવી જવાથી અશોક સુજાભાઇ ભીલનું મોત થયું હતું,
જ્યારે ગત તા. 27/6નાં મુંદરાના નાના કપાયામાં અજાણી ફોરવ્હીલ ગાડીએ બાઇકને અડફેટે
લેતાં 19 વર્ષીય ચાલક યુવક સાકીર બાબુ
સમેજા (મુંદરા)નું ગંભીર ઇજાનાં પગલે સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા
મામાઇ ભાઇ જાબીર હુસેનને ઓછી-વત્તી ઇજાઓ પહોંચી હતી,
જ્યારે મુંદરાના શિરાચામાં ખાનગી કંપની વેરહાઉસમાં કામ કરતી વેળાએ 24 વર્ષીય શ્રમિક શહાદત મોહંમદ
હાસીમ અન્સારી ક્રશર મશીનના બેલ્ટમાં આવી જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
દરમ્યાન માંડવીના સલાયામાં 47 વર્ષીય આધેડ
મંધરા લતીફ ઇશાએ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. શહેરના માનસરોવર વિસ્તારમાં રહેતા અશોકભાઈ
નામના યુવાન ગત તા. 25/6ના 8.30 વાગ્યાના અરસામાં ખોડિયાર મંદિર પાસે રેલવે ફાટક ઉપર ચાલતાં તે સમયે ટેને તેમને ટકકર મારી હતી.
આ અકસ્માતમાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાતાં તેમને સારવાર તળે લવાયા હતા.
અબલત્ત તેમણે ગત તા. 26/6ના 21.43 વાગ્યાના અરસામાં આંખો મીંચી
લીધી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. જે.પી. ધારે તેમને મૃત જાહેર કર્યા હતા. આ
અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે. મુંદરાના સુખપરવાસમાં રહેતો યુવક સાકીર સમેજા તેનો
મામાઇ ભાઇ જાબીર હુસેન મોટરસાઇકલ નં. જી.જે.-12- એચ.એ.-8812વાળી લઇને
ગત તા. 27/6ના રાતે સવા દશ વાગ્યા આસપાસ
મોટા કપાયાના મારુતિ સુઝુકી શોરૂમ પાસેના રોડ પરથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે અજાણી ફોરવ્હીલ ગાડીના ચાલકે પૂરઝડપે-બેદરકારીથી
ગાડી ચલાવી બાઇક સાથે ટક્કર મારતાં સાકીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રથમ સ્થાનિક અને
બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. 29/6ના ગંભીર પ્રકારની ઇજાના લીધે
વધુ સારવાર અર્થે સાકીરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાતી વેળાએ ભચાઉ નજીક રસ્તામાં
સાકીરે દમ તોડી દીધો હતો. ગઇકાલે સાકીરના પિતા બાબુ જુસબ સમેજાએ મુંદરા પોલીસ મથકે
વિગતો જાહેર કરતાં પોલીસે અજાણી ફોરવ્હીલના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
છે. મૂળ ઉત્તરપ્રદેશ અને હાલે મોટા કાંડાગરા લેબર કોલોનીમાં રહેતો શ્રમિક શહાદત અન્સારી
ગઇકાલે સવારે શિરાચા સ્થિત કે.સી.એલ. કંપનીમાં આવેલા ફ્લગ્સ વેરહાઉસમાં કામ કરી રહ્યો
હતો, ત્યારે આકસ્મિક રીતે ત્યાં આવેલા ક્રશર મશીનમાં
બેલ્ટમાં આવી જતાં માથાં તથા હાથમાં ગંભીર પ્રકારની ઇજાનાં પગલે તેનું કમકમાટીભર્યું
મોત થયું હતું. બનાવ અંગે મુંદરા પોલીસે મથકે વિગતો જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો
ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ માંડવીના સલાયામાં મંધરા ફળિયામાં રહેતા મંધરા
લતીફ ઇશાએ તેની ઘરવાળીનો કેસ ચાલતો હોઇ માનસિક તાણના લીધે ગઇકાલે બપોરે પોતાના ઘરે
ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની વિગતો માંડવી મરીન પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત
મોતનો ગુનો નોંધી તજવીજ આદરી છે.