મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 2 : અગાઉ ધીણોધર
જાગીરમાં આવેલા નાના અંગિયા ગામે 140 વર્ષ જૂના ઐતિહાસિક પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે
હાથ ધરાયેલાં ખોદકામ દરમ્યાન શિવલિંગ આકારની શિલા મળી આવતાં તેને જોવા લોકો ઊમટી પડયા
હતા. દોઢ સદી પુરાણું મંદિર જર્જરિત બનતાં શિવ નિર્માણ સમિતિએ જીર્ણોદ્ધારનો નિર્ણય
કર્યો હતો. આ કાર્ય દરમ્યાન મંદિરનું ખોદકામ આરંભાતાં મંદિર પરિસરમાં શિલા જોવા મળી
હતી. સમિતિની હાજરીમાં વધુ ખોદકામ દરમ્યાન કેદારનાથ શિવલિંગ જેવા આકારની શિલા નીકળતાં
લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. આ શિલા નિહાળવા ટોળેટોળાં ઊમટયાં હોવાનું ગામના મનોજભાઈ
વાઘાણીએ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાળેશ્વર મહાદેવ મંદિરનું એક કરોડના ખર્ચે બન્સીપાલ પથ્થરથી નવનિર્માણ થશે
જે પથ્થર દિલ્હીના અક્ષરધામમાં વાપરવામાં
આવ્યા છે.