• શનિવાર, 23 મે, 2026

બેફામ વાણીવિલાસથી લોકશાહીને નુકસાન

કોઇ પણ લોકશાહી માટે રાજકીય પક્ષો વચ્ચે મતભેદ હોય તે સ્વાભાવિક છે. સમયની સાથે ભારતીય લોકશાહી પરિપક્વ બને એવી અપેક્ષા વચ્ચે રાજનેતાઓ આરોપો અને પ્રત્યારોપોમાં ભાષાની મર્યાદા ઓળંગી જતા હોવાની બાબત દિવસો દિવસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. આપણા રાજનેતાઓ જ્યારે પોતાની વાતનો આધાર ગુમાવી દેતા હોય છે, ત્યારે તેઓ ભાષાના ઔચિત્યને વિસરી જતા હોય છે. તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપર શાબ્દિક આક્રમણમાં વધુ એક વખત સંયમ ગુમાવ્યો હતો. સંયમ નેવે મૂકીને તેમણે મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગદ્દાર કહી દીધા હતા. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામે પણ ઊતરતી ભાષાનો ઉપયોગ કરીને રાજકારણમાં મર્યાદાના લોપનો વધુ એક કિસ્સો સામે આણ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતાનો ચાવીરૂપ હોદ્દો ધરાવતા રાહુલ ગાંધી જે રીતની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તેમના પદની ગરિમાને જરા પણ શેભે તેમ નથી. તેમના આવા શબ્દપ્રયોગથી સ્વાભાવિક રીતે બીજા વિપક્ષી નેતાઓને મર્યાદાનો લોપ કરવાની પ્રેરણા મળે તેમ છે. આવા સંજોગો ભારત જેવા લોકશાહી દેશ માટે કોઈ પણ હિસાબે આવકાર્ય ગણી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ આવું કંઈ પ્રથમ વખત કર્યું નથી. ભૂતકાળમાં વડાપ્રધાન સામેના બદનક્ષીભર્યા વિધાનો બદલ તેમને અદાલતોમાં માફી પણ માગવી પડી હતી. ઘણી વખત શરમજનક હાલતમાં મુકાવા છતાં તેઓ તેમની પ્રકૃતિને બદલી શક્યા નથી. આટલી બેલગામ ભાષાના ઉપયોગ પરથી જણાય છે કે, રાહુલને એમ લાગે છે કે, સરકાર વિરોધી વર્ગ તેમની આક્રમક ભાષાથી આકર્ષાશે, પરંતુ આટલાં બધાં વર્ષના રાજકીય અનુભવ છતાં તેઓ સમજી શક્યા નથી કે, લોકો આક્રોશને બદલે નેતામાં ગંભીરતા, પ્રામાણિકતા અને વિશ્વસનીયતાને વધુ પસંદ કરે છે.  રાહુલ ગાંધીનો લોકશાહી અધિકાર છે કે, તેઓ સરકારને આર્થિક કટોકટીથી માંડીને બેરોજગારી સહિતના સંખ્યાબંધ મુદ્દા પર સવાલ કરી શકે છે, પણ આ સવાલ કરવા કે ટીકા કરતી વેળાએ વ્યક્તિગત અપમાન કે ઉપહાસના શબ્દોનો ઉપયોગ કરવાનો તેમને કોઈ અધિકાર નથી. કમનસીબે તેઓ આ વાત સમજી શકતા નથી. આમ તો રાહુલ એકલા વાંધાજનક ભાષાનો ઉપયોગ કરે છે તેવું નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હવે વિવેક ચૂકવા લાગ્યા છે. તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને રાહુલ ગાંધીને ભારતીય રાજકારણના રાહુ ગણાવ્યા હતા, તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રાહુલ હવે રિજેક્ટેડ માલ હોવાની વાત કરી હતી. આ સ્થિતિ બતાવે છે કે, ભારતીય રાજકારણમાં સંવાદના સ્થાને ઊતરતી ભાષાના કટાક્ષનું ચલણ વધી રહ્યંy છે. ખેરખર તો લોકશાહીમાં દેશના નાગરિકોના વિશ્વાસને જાળવી રાખવા માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષના નેતાઓએ તેમના ઉચ્ચારણોમાં મર્યાદા ઓળંગવી જોઈએ નહીં. આ બધા વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારે મોદીએ વૈશ્વિક મંચ પર દેશની પ્રતિષ્ઠા જાળવી રાખી હોવાની પ્રસંશા પણ કરી છે. ભારતીય લોકશાહીએ ભૂતકાળમાં જોયું છે કે, નેતાઓ એકબીજા સાથે વૈચારિક મતભેદો હોવા છતાં વ્યક્તિ માનને જાળવવા પર ખાસ ધ્યાન આપતી હતી. આજે આ ભાવનાને ફરી જાગૃત કરીને લોકશાહીના સિદ્ધાંતોને મજબૂત કરવાની અનિવાર્યતા રાજકીય નેતાઓ સમજે તે સમયની માંગ છે. 

Panchang

dd